કેરીનો રસ ખાતા પહેલા સાવધાન, તાલાલામાં 16 હજાર લીટર વાસી રસ ઝડપાયો
ગીર સોમનાથના તાલાલા પંથકમાં આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રે સંયુક્ત કાર્યવાહી કરીને અખાદ્ય કેરીના રસના મોટા જથ્થાને ઝડપી પાડ્યો છે. લગ્નની સિઝનનો લાભ ઉઠાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના ઈરાદે સંગ્રહાયેલો 16,000 લીટર જેટલો વાસી રસ જપ્ત કરવામાં આવ્યો છે. તાલાલાના હડમતીયા ગીર ગામમાં આવેલા એક બંધ કારખાના પર બાતમીના આધારે દરોડા પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ કેરીનો રસ આશરે બે વર્ષ જૂનો હતો અને તેને પેકિંગ કરીને વેચવાની તૈયારી હતી. આરોપીઓ જૂના ડબ્બા પર નવી તારીખના સ્ટીકર લગાવીને તેને બજારમાં અને લગ્ન પ્રસંગોમાં સસ્તા ભાવે વેચવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. જો આ જથ્થો બજારમાં પહોંચ્યો હોત તો ઉનાળાની સિઝનમાં હજારો લોકો ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર બીમારીનો ભોગ બની શક્યા હોત.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અખાદ્ય રસનો જથ્થો પ્રવીણ ભંડેરી નામના વ્યક્તિના ખેતરમાં આવેલી એક વખારમાંથી મળી આવ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓને ડબ્બા ખોલતા જ તેમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાનું જણાયું હતું, જે રસ સંપૂર્ણ બગડી ગયો હોવાની સાબિતી હતી. ખોરાક સુરક્ષા વિભાગે તાત્કાલિક ધોરણે આ રસના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બાદ તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે બજારમાંથી તૈયાર ખાદ્યપદાર્થો ખરીદતા પહેલા સાવચેતી રાખવી. કોઈપણ પેકેજ્ડ આઈટમ લેતી વખતે તેની ઉત્પાદન તારીખ અને પેકિંગની ગુણવત્તા ચકાસવી અત્યંત અનિવાર્ય છે જેથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય. હાલમાં આ મામલે જવાબદાર શખ્સો સામે કડક કાયદાકીય પગલાં ભરીને સમગ્ર જથ્થો સીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
