ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વાહનની અડફેટે સિંહણનું મોત
અમરેલી જિલ્લામાં વન્યજીવોના અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ પાસે મોડી રાત્રે રોડ ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે સિંહણ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડી હતી અને ટૂંકી સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.
ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાફરાબાદ પંથકમાંથી પસાર થતા આ હાઈવે પર રાત-દિવસ સિંહોની અવરજવર રહેતી હોય છે, જેના કારણે અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે.
એશિયાટિક સિંહોની સૌથી વધુ વસ્તી ધરાવતા અમરેલી જિલ્લામાં વન્યજીવોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે અને સ્થાનિકોમાં પણ રોષ છે.
હાલમાં વન વિભાગ દ્વારા અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
