
MCD Election Result 2022: 4 વાર સભ્ય રહેલા કોંગી ઉમેદવારની હાર, લહેરાયો ભગવો
MCD Election Result 2022 : હાલ દિલ્હી નગર નિગમની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં બેઠકોના પરિણામ ધીરે ધીરે જાહેર થઇ રહ્યા છે. જેમાં મોટા ભાગના પરિણામ સામે આવી ગયા છે. દિલ્હી નગર નિગમની કુલ 250માંથી 150થી વધુ બેઠકોનું પરિણામ આવી ગયું છે. જેમાં આમ આદમી પાર્ટીને 82 અને ભારતીય જનતા પાર્ટીને 62 બેઠક જીત મળી ગઇ છે. આ સાથે કોંગ્રેસને માત્ર 4 વોર્ડમાં જ જીત મળી છે, જ્યારે અન્યને 1 વોર્ડ પર જીત મળી છે.
કોંગ્રેસના ઉમેદવાર દર્શના જાટવને હરાવ્યા
અત્યાર સુધીના પરિણામોમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે જંગપુરા વિધાનસભા સીટના સિદ્ધાર્થ નગર વોર્ડ (143) માં જોરદાર અપસેટ જોવા મળ્યો છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સોનાલી ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર દર્શના જાટવને હરાવ્યા છે.
20 વર્ષ બાદ હાર્યા દર્શના જાટવ
ઉલ્લેખનીય છે કે, દર્શના જાટવ સતત 4 વખત આ બેઠક પરથી કોર્પોરેટર હતી અને પાંચમી વખત જીત માટે લડી રહી હતી, પરંતુ અહીં ભાજપની સોનાલી ચૌધરી જીતી ગઈ છે.
આમ આદમી પાર્ટીની નીતુ ખટાના અહીં બીજા સ્થાને છે, જ્યારે દર્શના જાટવ ત્રીજા સ્થાને છે. સોનાલી ચૌધરીને 8608 વોટ મળ્યા છે, જ્યારે નીતુ ખટાનાને 8097 વોટ મળ્યા છે. દર્શના જાટવ 2002 થી સતત કોર્પોરેટર તરીકે ચૂંટાઈ રહ્યા હતા. સિદ્ધાર્થનગર વોર્ડ મહિલા માટે અનામત છે.
શું છે દર્શનાની હારનું કારણ?
ઉલ્લેખનીય છે કે, દર્શના જાટવ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંથી એક છે અને તેમના વિસ્તારમાં તેમની સારી પકડ હતી. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, મોદી લહેર અને કેજરીવાલ લહેરમાં પણ તેઓ પોતાના વોર્ડમાં જીત્યા હતા, પરંતુ 20 વર્ષ બાદ પહેલીવાર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જેનું સૌથી મોટું કારણ પૂર્વ ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહનું કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું હોવાનું કહેવાય છે.
તરવિંદર સિંહ મારવાહ જંગપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે, જે થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયા હતા. મારવાહના કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીની વોટબેંક પણ આ વિસ્તારમાં બદલાઈ ગઈ, જેનું નુકસાન દર્શના જાટવને સહન કરવું પડ્યું હતું.
જંગપુરાના અન્ય વોર્ડનું શું પરિણામ આવ્યું?
ઉલ્લેખનીય છે કે, જંગપુરા વિધાનસભામાં ત્રણ વોર્ડ છે, જેમાં દરિયાગંજ (142), સિદ્ધાર્થ નગર (143) અને લાજપત નગર (144) છે. આ ત્રણેય વોર્ડના પરિણામો આવી ગયા છે. ભાજપના ઉમેદવાર સોનાલી ચૌધરી સિદ્ધાર્થ નગરથી જીત્યા છે, જ્યારે અર્જુન મારવાહ લાજપત નગર વોર્ડમાંથી જીત્યા છે. અર્જુન મારવાહ પૂર્વ ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહના પુત્ર છે.
અહીંથી વર્તમાન કોર્પોરેટર સુનિલ સહદેવની જગ્યાએ અર્જુન મારવાહને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ દરિયાગંજ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીની સારિકા ચૌધરીએ જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ફરહાદ સૂરીને હરાવ્યા છે. તેઓ આ વિસ્તારના કોંગ્રેસ પક્ષના ખૂબ જૂના અને વરિષ્ઠ નેતા પણ છે.