ગોંડલમાં વીજ લાઈનના કામ દરમિયાન ગંભીર દુર્ઘટના, બે કર્મચારીઓના કરંટ લાગતાં મોત
રાજકોટના ગોંડલ નજીક વોરા કોટડા રોડ પર વહેલી સવારે વીજ લાઈનનું કામ કરતી વખતે થયેલી ગંભીર દુર્ઘટનામાં પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે PGVCL ના બે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના કરંટ લાગવાથી દૂઃખદ મૃત્યુ થયા છે.
PGVCL તરફથી વોરા કોટડા રોડ પર નવી વીજ લાઈન નાંખવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો. આજે સવારે બે કર્મચારી ભગવાનસિંહ અને સૂરજકુમાર વીજ પોલ પર ચડીને કામગીરીમાં વ્યસ્ત હતા. કામ દરમિયાન અચાનક વીજ પ્રવાહ શરૂ થઇ જતાં બંને કર્મચારીઓને તીવ્ર કરંટ લાગ્યો અને ઘટના સ્થળે જ મોત થઈ ગયા.

ઘટનાની જાણ થતાં નજીકમાં હાજર અન્ય કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ પોલીસ અને તંત્રને જાણ કરી હતી. જો કે બન્ને કર્મચારીઓએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.
મૃતક બંને કર્મચારી મૂળ રાજસ્થાનના વતની હતાં પરંતુ હાલ ગોંડલમાં રહેતા હતા અને કોન્ટ્રાક્ટ આધારે PGVCLમાં કામ કરતા હતા. દુર્ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ દુર્ઘટનાએ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે અને વીજ કંપનીની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. મૃતકના પરિવારજનો આ મામલે યોગ્ય તપાસ અને જવાબદારી નિર્ધારણની માંગ ઉઠાવી છે.
આ ગંભીર દુર્ઘટના બાદ પીજીવીસીએલની કામગીરી પર ઘણા ગંભીર સવાલ ઉભા થઈ રહ્યાં છે. ચાલુ કામે વીજ પુરવઠો શરૂ થઈ જવાની આ ઘટના કેવી રીતે ઘટી તે પણ તપાસનો વિષય છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતે શું કાર્યવાહી કરે છેે.












Click it and Unblock the Notifications
