રાજકોટ જિલ્લાનું એકમાત્ર કુદરતી વન્ય પ્રાણી અભ્યારણ્ય હિંગોળગઢ, જાણો અહીં શું છે ખાસ?
રાજકોટ જિલ્લાનું એકમાત્ર કુદરતી અભ્યારણ્ય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે એક રમણીય પર્યટનસ્થળ બની ગયુ છે. દર વર્ષે વીસ હજા2 જેટલા પ્રવાસીઓ આ અભ્યારણ્યની મુલાકાત લેતાં હોય છે. પ્રતિ વર્ષ પ0 જેટલી પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાય છે. જેના દ્વારા વન્ય જીવન વિશે વિદ્યાર્થીઓ વાકેફ થાય છે.
સૌરાષ્ટ્રના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જસદણ તાલુકામાં આવેલુ હિંગોળગઢ અભ્યારણ્ય રાજકોટથી 78 કિમી અને જસદણથી 18 કિમીના અંતરે આવેલું છે. સૌરાષ્ટ્રના સુક્કા પ્રદેશમાં હરિયાા હિંગોળગઢ વન્યપ્રાણી અભ્યારણ્યમાં રેલવે અને સડક માર્ગ દ્વારા પહોંચી શકાય છે.

વન્ય પ્રાણી, પક્ષીઓનું વૈવિધ્ય, વનસ્પતિનુ સૌંદર્ય, પહાડની રમણીયતા ધરાવતા 654 હેક્ટરમાં ફેલાયેલ આ હિંગોળગઢ અભ્યારણમાં વિવિધ જાતના સાપ, 150 નીલગાય, 100 ચિંકારા, 30 શિયાળ, 8 જરફ વરૂ, લોકડી, સાબર, દીપડા, સસલા, માંકડા, શાહુડી, વગેરે વન્યપ્રાણીઓ જોવાનો લહાવો મળે છે. અહીં વિદ્યાર્થીઓ ટ્રેકીંગ કેમ્પમાં ભાગ લઈ સવારે 9 કિમી અને બપોરે 3 કિમી ડુંગરાળ જંગલમાં ભમવાનો આનંદ લૂંટે છે.
હિંગોળગઢ વન્યપ્રાણી અભ્યારણ્ય વર્ષોથી સર્પ પાર્કથી પ્રસિદ્ધ છે. સૌથી વધુ સહેલાણીઓ અને બાળકો સર્પ પાર્કથી આકર્ષિત થાય છે. સુવ્યવસ્થિત સાપ ઘરો બનાવવામાં આવ્યા છે, જેમાં 14 પ્રકારના સાપો જોવાનો લ્હાવો અનોખો છે.
દેશમાં જોવા મળતા તમામ પ્રકારના ઝેરી અને બિન ઝેરી સાપ અહીં ઉપલબ્ધ છે. ગાઈડ આ સાપ હાથમાં લઈને આપણી સામે જે સાહસના કરતબો કરે છે તે રોમાંચ સાથે મનોરંજન અને માહિતી પણ આપે છે.
ડુંગરાળ, અસમતલ, નાની નાની ટેકરીઓવાળા હિંગોળગઢ અભ્યારણ્યમાં સર્પ પાર્ક ઉપરાંત કેક્ટ્સ પાર્ક, બોનસાઇ પાર્ક, સકુલન્ટ પાર્ક વગેરે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. થોડા સમય પહેલા નિર્માણ પામેલ કેકટસ હાઉસ રણ પ્રદેશના વિવિધ કાંટાળા છોડો તથા પ્રકૃતિને સમજવાની તક પૂરી પાડે છે. આ છોડ જડીબુટ્ટીઓમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે.
લીલી ચાદર ઓઢી પ્રકૃતિ પ્રેમીઓને બોલાવતા રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક શિક્ષણ માટે સુપ્રસિદ્ધ એક માત્ર હિંગોળગઢ અભ્યારણ્યમાં દર વર્ષે વિસ હજારથી વધુ સહેલાણીઓ જંગલની સફારી કરે છે. કુદરતના ખોળે વિહરતા હરણ, રોઝડા, પંખીઓ વગેરેથી શોભતા હિંગોળગઢમાં જંગલનું સોંદર્ય ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠે છે. વર્ષાઋતુ ઉપરાંત શિયાળાની ઋતુમાં લીધેલી હિંગોળગઢની મુલાકાત વધુ આનંદદાયક બની રહે છે. શિયાળા અને ચોમાસામાં 230 થી પણ વધુ પ્રકારના દેશ વિદેશના પંખીઓ અને રંગબેરંગી પતંગિયા જોવાનો આહલાદક અનુભવ વનપ્રેમીઓને રોમાંચિત કરી મૂકે છે. દર મંગળવારે આ અભ્યારણ બંધ રહે છે.
વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે આ અભયારણ્ય સવારે 10 થી સાંજે 6 સુધી ખુલ્લું રહે છે. આ અભ્યારણમાં આધુનિક ઓપન એર થિયેટર પણ બનાવાયું છે. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ વાઈલ્ડ લાઈફની ફિલ્મો દેખાડવામાં આવે છે. અહીં ગોરડ, વિકળો, દેશી બાવળ, ગુગળ, લીમળા, પીપળા સહિતના વૃક્ષો આ અભયારણ્યને લીલુછમ્મ રાખે છે.
હિંગોળગઢ અભયારણ્યને પ્રાકૃતિક શિક્ષણના અભ્યારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં પ્રાકૃતિક શિક્ષણનું વિશેષ મહત્વ છે. દર વર્ષે આ અભ્યારણ્ય ખાતે 50 થી 75 પ્રાકૃતિક શિક્ષણની શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં સરેરાશ 2500 થી 3750 વિદ્યાર્થીઓ અને 150થી વધુ શિક્ષકો સામેલ થાય છે. તમામ શિબિરનો સમયગાળો બે રાત અને ત્રણ દિવસનો હોય છે જેમાં 50 વિદ્યાર્થીઓ અને ઓછામાં ઓછા બે શિક્ષકોનો સમાવેશ કરવામાં આવે છે.
100 વિદ્યાર્થીઓના રહેઠાણ માટે 10 હટ (રૂમ), આરઓ પ્લાન્ટ, રસોડા, 5 બર્ડ વ્યુ પોઇન્ટ, સીટીંગ એરીયા સહિતની તમામ સગવડ સ્થળ ઉપર વિકસાવવામાં આવી છે. આ અભ્યારણ્યમાં 80 જેટલી તકતીઓ લગાવાઈ છે, જેમાં વન્યપ્રાણી અને અભ્યારણ્યની વિશેષતાઓની વિગતો લોકોના અભ્યાસ માટે મુકવામાં આવી છે.
ગુજરાત રાજ્યના વન વિભાગ હસ્તક રહેલા આ વનને 1980માં વન્ય પ્રાણી અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતુ, જેના વ્યવસ્થાપન અને વિકાસની કામગીરી ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન અને રીસર્ચ, ગીર ફાઉન્ડેશન સંસ્થાને 1984 થી સોંપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
