AAP કાઉન્સલરના ભાઈની બળાત્કારના આરોપમાં ધરપકડ
સુરત પોલીસે 20 ઓગસ્ટના રોજ એક આમ આદમી પાર્ટીના કાઉન્સિલરના ભાઈની દલિત મહિલા સાથે બળાત્કારના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 35 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદને પગલે કાપોદરા વિસ્તારના રહેવાસી વોર્ડ નંબર 4ના ધર્મેન્દ્ર વાવલીયાના AAPના કાઉન્સિલરના નાના ભાઈ મેહુલ વાવલીયાની ધરપકડ કરવામાં આવી હતી.
આ મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, તેણે આરોપીની માલિકીની ડ્રાઇવિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. 16 ઓગસ્ટના રોજ મેહુલે તેને કહ્યું કે, તેમના ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેખિત પરીક્ષા આપવા માટે નવસારી જવું પડશે. ત્યારબાદ મેહુલ કથિત રીતે તેણીને રહેણાંક સોસાયટીના એક ફ્લેટમાં લઈ ગયો હતો, જ્યાં તેણે તેના પર બળાત્કાર કર્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. જે બાદ મહિલાને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાંથી તેણે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને 19 ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાવી હતી.
મેહુલની IPC કલમ 323, 376 (2) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ અધીનિયમ)ની કલમ 3 (2), 5 (a), 3 (1) (w) (i) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં તપાસ અધિકારી એસસી/એસટી સેલના મદદનીશ પોલીસ કમિશનર આર. કે. ઝાલાએ જણાવ્યું હતું કે, અમે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આરોપીએ પીડિતાને માર પણ માર્યો હતો. જે બાદ તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની હાલત હાલ સ્થિર છે. મેહુલની ધરપકડ કરવામાં આવી છે.