સુરતના જાણીતા ઉદ્યોગપતિઓને ત્યાં ઈન્કમટેક્સના દરોડા
સુરતમાં વહેલી સવારથી આવકવેરા વિભાગે ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ અને હીરા જગતના જાણીતા લક્ષ્મી ડાયમંડ તેમજ મહાકાલ ગ્રુપ પર ઇન્કમટેક્સની DDI વિંગે દરોડા પાડતા સમગ્ર હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.
આઇટી વિભાગે માત્ર સુરત જ નહીં, પણ અમદાવાદ, રાજકોટ અને વડોદરાની ટીમો પણ આ ઓપરેશનમાં સામેલ કરી હતી. અંદાજે 150થી વધુ અધિકારીઓના કાફલાએ વહેલી સવારથી જ ઉદ્યોગપતિઓના ઘર, ઓફિસ અને પ્રોજેક્ટ સ્થળો પર તપાસ શરૂ કરી છે.

માહિતી મુજબ, આ દરોડા વસંત ગજેરા અને ધીરુ ગજેરા સાથે સંકળાયેલા લક્ષ્મી ગ્રુપના ડાયમંડ, રિયલ એસ્ટેટ અને સ્કૂલ સહિતના એકમો પર કેન્દ્રિત છે. સૂત્રોએ જણાવ્યું કે, DDI વિંગ પાસે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાચા-પાકા બિલ અને નાણાકીય ગેરરીતિ અંગેની ચોક્કસ માહિતી પહેલેથી જ હતી.
પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને ટેક્સ ચોરી બહાર આવવાની પ્રબળ સંભાવના છે. સૂત્રોના મતે, રિયલ એસ્ટેટ અને હીરા ઉદ્યોગમાં થતા મોટા નાણાકીય વ્યવહારો પર ઇન્કમટેક્સ વિભાગની લાંબા સમયથી નજર હતી. પૂરતા પુરાવા એકત્રિત થયા બાદ જ આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરતના જાણીતા ઉદ્યોગપતિઓને ત્યાં પડેલી રેડના કારણે અન્ય મોટા બિઝનેસ ગ્રુપોમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં ઇન્કમટેક્સની ટીમ તમામ સ્થળોએ ડેટા, ડાયરીઓ અને બેંક ખાતાઓની વિગતો ચકાસી રહી છે. આ તપાસના અંતે મોટા પ્રમાણમાં બિનહિસાબી રોકડ અને દસ્તાવેજો મળી આવવાની પૂરી સંભાવના છે.












Click it and Unblock the Notifications
