Surat : નકલી પનીર વેચનારા સુરભી ડેરીના સંચાલકની ધરપકડ
સુરતના બજારમાં ફૂડ સેફ્ટી અને ગ્રાહકોના આરોગ્યને લઈને એક મોટો ખુલાસો થયો હતો. શહેરની જાણીતી સુરભી ડેરી ના સંચાલક દ્વારા લાંબા સમયથી નકલી પનીરનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
રિપોર્ટમાં પનીર નકલી સાબિત થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ડેરીના સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરી છે.

સુરત શહેરમાં કાર્યરત સુરભી ડેરીનું પનીર લેબ ટેસ્ટમાં નકલી હોવાનું પ્રમાણિત થયું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરીને નકલી અને ભેળસેળયુક્ત પનીરને ૧૦૦% અસલી પનીરના નામે વેચવામાં આવતું હતું.
આ ગંભીર ગુનાના પગલે પોલીસે સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે. શૈલેષ પટેલ સામે ગ્રાહકોને છેતરવાના અને આરોગ્ય જોખમમાં મૂકવાના આક્ષેપો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ ડેરી દ્વારા સુરત શહેરમાં રોજનું સરેરાશ એક હજાર કિલોગ્રામ (૧૦૦૦ કિલો) નકલી પનીર અસલી કહીને વેચવામાં આવતું હતું. આ વિશાળ જથ્થો દર્શાવે છે કે નકલી પનીરનો આ કારોબાર ખૂબ જ મોટા પાયે અને લાંબા સમયથી ચાલી રહ્યો હતો.
આ કેસમાં સુરભી ડેરીના અન્ય એક માલિક કૌશિક પટેલ પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, પોલીસની કાર્યવાહીની ગંધ આવી જતાં કૌશિક પટેલ ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસે હવે તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતમાં નકલી પનીરના આ કિસ્સાએ ફૂડ સેફ્ટીના નિયમો પર સવાલો ઉભા કર્યા છે. નિષ્ણાતો સલાહ આપે છે કે ગ્રાહકોએ ખાદ્યપદાર્થો, ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ ખરીદતી વખતે તેમની ગુણવત્તા અને બ્રાન્ડની વિશ્વસનીયતા ચકાસવી જોઈએ.












Click it and Unblock the Notifications
