સુરતના અઠવાલાઈન્સમાં દેશની પહેલી સાડી વોકેથોન યોજાઈ, 10 હજારથી વધુ મહિલાઓ જોડાઈ
સુરત : ટેક્ષ્ટાઈલ હબ સુરતના અઠવાલાઈન્સ સ્થિત પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે SMC અને સુરત સ્માર્ટ સિટી ડેલવપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઐતિહાસિક સુરત સાડી વોકેથોન યોજાઈ છે. દેશમાં પ્રથમવાર યોજાયેલી સાડી વોકેથોનમાં સુરતની ૧૦ હજારથી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વોક ફોર યોર હેલ્થ ઈન સિક્સ યાર્ડ્સ ઓફ એલિગન્સની થીમ આધારિત વોકેથોનને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી દર્શના જરદોશ, સાંસદ સી.આર.પાટિલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર હેમાલી બોઘાવાલા સહિતના નેતાઓએ હાજરી આપી ફ્લેગ ઓફ આપી વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું.
ભારતીય પરંપરાગત પરિવેશને ઉજાગર કરતી વિવિધ ડિઝાઈન, વણાટ અને મટિરિયલ્સની રંગબેરંગી સાડીઓમાં સજ્જ થઈને મહિલાઓ ઉત્સાહભેર સહભાગી થઈ હતી. વીર નર્મદ યુનિવર્સિટીની વિદેશી વિદ્યાર્થીનીઓએ પણ આ વોકેથોનમાં સાડી પહેરી સુરતની ખૂબસૂરત વિચારસરણી અને જેવો દેશ તેવો વેશની વિભાવના સાકાર કરી હતી. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો સંદેશથી અભિનંદન પાઠવ્યા હતા.
સુરતના ઈતિહાસમાં એક નવું સોપાન જોડાવા બદલ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે આનંદની લાગણી વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે, આઝાદીના અમૃત કાળમાં સુરત એક ભારત,શ્રેષ્ઠ ભારતની પ્રતીતિ કરાવી રહ્યું છે. લઘુ ભારત સમા સુરતમાં મહિલાઓને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશો આપતી સુરત સાડી વોકેથોનથી એક નવો રેકોર્ડ રચાયો છે. તેમણે વોકેથોનમાં પોલિસ અધિકારીઓ, સરકારી મહિલા કર્મચારીઓને તેમજ અન્ય કર્મીઓને પણ સહભાગી થવા બદલ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.
વોકેથોનમાં મહિલાઓનો ઉત્સાહ વધારતા સાંસ સીઆર પાટિલે જણાવ્યું કે, ભારતીય પોષાકનું અભિન્ન અંગ અને વૈશ્વિક ઓળખ ધરાવતી સાડી પહેરીને ભારતીય મહિલાઓએ આપણી સંસ્કૃતિને હરહંમેશ પ્રાધાન્ય આપ્યું છે. સ્ત્રીઓની કાર્યક્ષમતાની સરાહના કરતાં તેમણે કહ્યું કે, ભારતીય પરંપરા અને આધુનિકતા સાથે સંતુલન સાધીને વર્ષોથી દેશની નારીશક્તિ સમાજ, રાજ્ય અને દેશની પ્રગતિમાં તેજ ગતિએ પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવી રહી છે. તેમણે દેશમાં સ્ત્રીઓને મળી રહેલી અગ્રિમતાનો ઉલ્લેખ કરી મહિલાઓના રાષ્ટ્રીય વિકાસમાં યોગદાનની પણ પ્રશંસા કરી હતી.
મહિલાઓનો ઉત્સાહ વધારવા સાથે મંત્રી દર્શના જરદોષ, મેયર હેમાલી બોઘાવાલા, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, વુમન 20ના અધ્યક્ષ ડો. સંધ્યા પૂરીએ પણ સ્પર્ધકોની સાથે વોકેથોનમાં ભાગ લીધો હતો.
યોગ ગરબાના તાલે શરૂ થયેલી આ અનોખી વોકેથોનમાં વિવિધ રાજયોનું પ્રતિનિધિત્વ કરતી મહિલાઓએ સંબંધિત પ્રાંતની ડિઝાઈન, સ્ટાઈલ અને કલર અનુરૂપ સાડીઓ ધારણ કરી હતી. જેમાં હરિયાણા, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરાલા, ઓડિશા, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ જેવા રાજયોની તુસાર, ગીચા, મધુબની પેઈન્ટિંગ સાડીઓ, કાંથા, કોસા સિલ્ક, ફૂલકરી, પટોળા, ડબલ ઈકત, ટાંગલિયા, અશવલી, ચંદેરી, કોટન બોમકાઈ, કોટપડ, પોચેમ્પલી, બનારસી, જામાવર (બનારસી), લહેરિયા, ગોતા પટ્ટી, બાંધણી જેવી સાડીઓ દ્વારા ભારતના વિશાળ અને વૈવિધ્યસભર પરિધાન અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી થઈ હતી.












Click it and Unblock the Notifications
