વડોદરામાં અધિકારીઓની દાદાગીરી સામે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
વડોદરા હાલ ખાડા નગરીમાં ફેરવાઈ ગઈ છે. આ સ્થિતિ પાછળ મનસ્વી કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલી રહ્યું છે. આના પરિણામે ભાજપના જ પાંચ ધારાસભ્યોને પોતાના મતવિસ્તારના કામ કરાવવા માટે મુખ્યમંત્રી સુધી પત્ર લખવાની ફરજ પડી છે.

આ લેટરમાં ધારાસભ્યોએ વહીવટી તંત્રના અંધાધૂંધ કાર્યો અને અધિકારીઓની બગડેલી માનસિકતા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમની ફરિયાદ છે કે પ્રજાલક્ષી કામો થતા નથી અને અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી.
વડોદરાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને સંબોધેલા પત્રમાં જણાવ્યું કે, અધિકારીઓ પોતાની મરજી મુજબ જ કામ કરી રહ્યા છે. ધારાસભ્યોના મતે, સરકારી કચેરીમાંથી સામાન્ય કામ કરાવવું પણ યુદ્ધ લડવા સમાન કઠિન બની ગયું છે, કારણ કે અધિકારીઓ પોતાને સરકારથી પણ શ્રેષ્ઠ ગણીને મનસ્વી વહીવટ ચલાવી રહ્યા છે.
પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે, હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. ધારાસભ્યોએ વધુમાં લખ્યું કે મોટાથી લઈને નાના તમામ અધિકારીઓ પોતાની બેફામ મનસ્વીતા પ્રદર્શિત કરી રહ્યા છે.
પત્ર મુજબ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર જેવા અધિકારીઓ પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના સચિવ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે, સરકારશ્રીને હકીકતોથી દૂર રાખવામાં આવે છે."
ધારાસભ્યોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓ તેમના સૂચવેલા કામો કરતા નથી અને ઊલટું, પ્રજાને પૂછે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ માગી? ધારાસભ્યોએ આ પ્રકારની ખરાબ માનસિકતાને સુચારુ વહીવટ માટે અયોગ્ય ગણાવી હતી. તેમણે મુખ્યમંત્રીને મનસ્વી અધિકારીઓ સામે કડક પગલાં લેવા અને પ્રજાલક્ષી કાર્યોને પ્રાધાન્ય આપવાની વિનંતી કરી છે.












Click it and Unblock the Notifications
