પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને ઘરો પર હુમલો!
બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં એક કટ્ટરપંથી ટોળાઓ 50 થી વધુ હિન્દુઓના ઘરોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન ટોળાએ ચાર મંદિરોમાં પણ તોડફોડ કરી હતી. તાજેતરમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે હુમલા વધ્યા છે. તેનું એક કારણ દેશમાં હિફાજત-એ-ઇસ્લામ જેવી સંસ્થાઓની વધતી જતી લોકપ્રિયતા છે. માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઢાંકાની મુલાકાત દરમિયાન વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.
બંગાળી અખબાર સમકલ અનુસાર, શુક્રવારે સાંજે એક સ્થાનિક મસ્જિદના મૌલવીએ જિલ્લાના સિયાલી ગામમાં હિન્દુ ધાર્મિક સરઘસનો વિરોધ કર્યો હતો. જેને પગલે કટ્ટરવાદીઓનું ટોળું ગુસ્સે ભરાયું અને શનિવારે સાંજે ગામના હિન્દુ મકાનો પર હુમલો કર્યો હતો. ઘટના સ્થળે હાજર લોકોના હવાલાથી મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુસ્સે થયેલા ટોળામાં કથિત રીતે નજીકના ગામોના મુસ્લિમોનો સમાવેશ થાય છે. હુમલા દરમિયાન હુમલાખોરોએ કુહાડી અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
આ દરમિયાન વિરોધ કરતા ઘણા હિન્દુઓ ઘાયલ થયા હતા. હાલ પરિસ્થિતિ તંગ છે અને પ્રશાસ મામલાની તપાસ કરી રહ્યું છે. હિન્દુ મંદિરો, મકાનો અને દુકાનોમાં તોડફોડ મામલે પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે. સ્થાનિક નેતાઓનું કહેવું છે કે પ્રથમ વખત આ વિસ્તારમાં કોઈ કોમી હિંસા થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 5.45 વાગ્યે 100 જેટલા હુમલાખોરો ગામમાં પહોંચ્યા હતા અને હથિયારો સાથે ચાર મંદિરોને પણ તોડ્યા હતા. ગામના હિન્દુ સમુદાયની છ દુકાનો અને ઘરોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે 2011 નાં આંકડા મુજબ બાંગ્લાદેશની 149 મિલિયન વસ્તીમાંથી આશરે 8.5 ટકા હિંદુ ધર્મનું પાલન કરે છે. ખુલના જિલ્લામાં મોટી સંખ્યામાં હિન્દુ રહે છે. અહીં 16 ટકા લોકો હિન્દુ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. આ ઘટનાએ ભારતમાં પણ આક્રોશ ફેલાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે આ હુમલો કરનારાઓ સામે તપાસની માંગ કરી છે.