For Daily Alerts
આર્થિક કટોકટીને પગલે ઓબામાએ વેકેશન ટૂંકાવ્યું
વૉશિંગ્ટન, 26 ડિસેમ્બર : અમેરિકાની આર્થિક સ્થિતિમાં ભારે અસંતુલન સર્જાયું છે. જેની સીધી અસર રાજકોષ પર પડી રહી છે. આ માટે વચગાળાનો માર્ગ કાઢવો અગત્યનો બની ગયો છે. તાતી જરૂરિયાતને પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાનું વેકેશન ટૂંકાવ્યું છે અને તે વૉશિંગ્ટન પાછા ફર્યા છે.
ઓબામા પોતાના પરિવાર સાથે હવાઇ ટાપુ પર વેકેશન માણવા ગયા છે. તેઓ તાત્કાલિક પરત ફર્યા છે. જ્યારે તેમની પત્ની અને દીકરીઓ વેકેશન પૂરું કરીને પાછા ફરશે. આ મુદ્દે રાષ્ટ્રપતિ ભવને જણાવ્યું છે કે ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ હવાઇ ટાપુ છોડીને વૉશિંગ્ટન ડીસી પાછા ફરશે.
ઉલ્લેખનીય છે કે પાછલા સપ્તાહે વેકેશન પર જતા પહેલા ઓબામાએ જણાવ્યું હતું કે "હું કોંગ્રેસ(સંસદ)ના દરેક સભ્યને અનુરોધ કરીશ કે તેઓ ઘરે જઇને આ અંગે વિચાર કરે. તેઓ પોતાની જવાબદારી અંગે વિચારે. કારણ કે અમારી પાસે સમય મર્યાદા ખૂબ ઓછી છે. સરકાર 10 દિવસમાં વર્તમાન કાયદા હેઠળ ટેક્સ દર વધારવા જઇ રહી છે."