• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના વાઇરસ : ઑટો ઍન્ટીબૉડીઝ શું છે અને કોવિડ-19 સાથે તેનો શું સંબંધ છે?

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

કોવિડ-19 વૈશ્વિક રોગચાળો ફેલાયો છે ત્યારથી વિજ્ઞાનીઓ એ જાણવા કોશિશ કરી રહ્યા છે કે દરેક વ્યક્તિને ચેપની અસર જુદીજુદી કેવી રીતે થાય છે.

શા માટે કેટલાક લોકો વધારે બીમાર પડી જાય છે? લાંબો સમય સુધી ચેપ દૂર ના થાય ત્યારે શરીરનાં જુદાંજુદાં અંગો પર તે કેવી રીતે અસર કરે છે?

હવે એવા પુરાવા મળી રહ્યા છે કે આવું થવા પાછળ "બદમાશ" એવા ઍન્ટીબૉડીઝ છે, જે ઑટો એન્ટીબૉડીઝને કહે છે.

ઍન્ટીબૉડી સામાન્ય રીતે ચેપની સામે લડત આપે છે, જ્યારે ઑટો ઍન્ટીબૉડીઝ ભૂલથી પોતાના જ શરીરનાં કોષ, પેશીઓ અને અંગોને અસર કરે છે.

આ નુકસાનકારક સાબિત થનારા સ્વાયત્ત રોગપ્રતિકારક કણો કોવિડમાં શું ભૂમિકા ભજવે છે અને તેના કારણે કઈ રીતે બીમારી તીવ્ર બની શકે છે?


જ્યારે શરીર જાત પર જ હુમલો કરી દે

વૈજ્ઞાનિકો અનુસાર રોગપ્રતિકારક શક્તિ સંકુલ રીતે કામ કરે છે.

તંદુરસ્ત માણસના શરીરમાં પણ ઑટો ઍન્ટીબૉડીઝ પેદા થતા હોય છે, પણ તેનું પ્રમાણ ઓછું હોય છે અને તેથી રોગપ્રતિકારક શક્તિને બહુ નુકસાન થતું નથી.

જોકે કનેક્ટિકટની યેલે યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર, કોવિડ-19ના દર્દીઓમાં જોવા મળ્યું છે કે આનાથી માત્ર રોગપ્રતિકારક શક્તિને જ નહીં, પરંતુ તંદુરસ્ત મગજનાં કોષો, લોહીની નસ, પ્લેટેલેટ્સ, લીવર અને આંતરડાં વગેરેને પણ નુકસાન કરે છે.

યેલે સ્કૂલ ઑફ મેડિસિનના ઇમ્યુનોલૉજીના ઍસોસિએટ પ્રોફેસર એરોન રિંગે બીબીસીને જણાવ્યું કે કોવિડ-19નો ચેપ લાગ્યો હોય ત્યારે ઑટો ઍન્ટીબૉડીઝ "રોગપ્રતિકારક શક્તિને અનેક" રીતે અસર કરે છે.

નેચર સામયિકમાં હાલમાં જ પ્રગટ થયેલા સંશોધન અનુસાર તેમની ટીમે જુદીજુદી તીવ્રતા સાથે કોરોના થયો હોય તેવા 194 દર્દીઓના લોહીની તપાસ કરી હતી.

તેમાં જણાવ્યું છે કે ચેપ ના લાગ્યો તે વ્યક્તિ કરતાં ચેપી વ્યક્તિમાં ઑટો ઍન્ટીબૉડીઝની પ્રક્રિયામાં "નોંધપાત્ર વધારો" દેખાયો હતો.

ઑટો ઍન્ટીબૉડીઝનું જેટલું વધારે પ્રમાણ જોવા મળ્યું એટલું ગંભીર બીમાર દર્દીમાં જોવા મળ્યું હતું.

તેઓ કહે છે, "આ બે ધારી તલવાર જેવું છે. રોગનો સામનો કરવા માટે ઍન્ટીબૉડીઝની જરૂર હોય છે, પણ કેટલાક દર્દીઓમાં એવા ઍન્ટીબૉડીઝ પેદા થાય છે જે પોતાના જ શરીરનાં કોષો અને પેશીઓને નુકસાન કરે છે."


કોવિડ-19માં ઑટો ઍન્ટીબૉડીઝનો અટકાવ

ન્યૂયૉર્કની રોકફેલર યુનિવર્સિટીના ડૉ. જ્યાં લૉંરે કેસાનોવાની આગેવાનીમાં અગાઉ થયેલા સંશોધનને ડૉ. રિંગે આગળ વધાર્યું હતું.

કેસાનોવાની લૅબમાં છેલ્લાં 20 વર્ષથી વ્યક્તિ ચેપનો સામનો કેવી રીતે કરે છે અને જેનેટિક્સ પ્રકૃતિમાં ફેરફારથી શું ફેર પડે છે તેનો અભ્યાસ ચાલી રહ્યો છે.

વાઇરલ ચેપ લાગે તેને રોકવા અને વાઇરસને વધતો અટકાવવા માટે જરૂરી પ્રોટીન શરીર ઉત્પન્ન કરે છે તેના પર જ હુમલો કરનારા ઑટો ઍન્ટીબૉડીઝની ભૂમિકા વિશે તેમણે સંશોધન કર્યું છે.

ઑક્ટોબર 2020માં ડૉ. કેસાનોવાની ટીમે સાયન્સ જર્નલમાં જણાવ્યું હતું કે કોવિડ-19ની ગંભીર બીમારીમાં સપડાયેલા 1000 જેટલા દર્દીઓને ચકાસ્યા, તેમાંથી 10% લોકોમાં ઑટો ઍન્ટીબૉડીઝ જોવા મળ્યા હતા.

એક અગત્યની માહિતી : તેમાંથી 95% જેટલા પુરુષો હતા, જેના આધારે એ સમજી શકાય છે કે શા માટે કોવિડ-19નો સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે ચેપ લાગતો હતો.

ગયા મહિને સાયન્સ ઇમ્યુનોલૉજી જર્નલમાં તેમણે વધારે વિસ્તૃત અભ્યાસ પ્રગટ કર્યો હતો, જેમાં કોવિડ-19ની ગંભીર સ્થિતિ સાથે હૉસ્પિટલમાં દાખલ થયેલા 3,600 દર્દીઓનો અભ્યાસ કરાયો હતો.

આ ચેપને કારણે માર્યા ગયેલા લોકોમાંથી 18% લોકોના લોહીમાં ઑટો ઍન્ટીબૉડીઝ જોવા મળ્યા હતા.

20%થી વધુ દર્દીઓ 80 વર્ષના હતા, જેમાં ઑટો ઍન્ટીબૉડીઝ જોવા મળ્યા હતા, જ્યારે 40 વર્ષની વયના દર્દીઓમાંથી માત્ર 9.6% દર્દીઓમાં ઑટો ઍન્ટીબૉડીઝ જોવા મળ્યા હતા.

ડૉ. કેસાનોવાના અભ્યાસને કારણે કોવિડ-19 બીમારીને કારણે દર્દીનું મૃત્યુ થાય તે માટે આ હાનિકારક ઑટો ઍન્ટીબૉડીઝ મોટા પ્રમાણમાં જવાબદાર હોવાનું જણાયું છે.


ઑટો ઍન્ટીબૉડીઝ, રોગપ્રતિકારક શક્તિ અને ચેપ

https://www.youtube.com/watch?v=XgVOx93STrU

અન્ય અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે કોવિડ-19માંથી સાજા થઈ ગયા પછી પણ લાંબા સમય સુધી તકલીફ રહે તેની સાથે ઑટો ઍન્ટીબૉડીઝની હાજરી જોડાયેલી છે.

નેચર કૉમ્યુનિકેશન્સમાં પ્રગટ થયેલા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોના એક અહેવાલ અનુસાર કોવિડ-19ને કારણે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું તેવા પાંચમાંથી કમસે કમ એક દર્દીમાં પ્રથમ અઠવાડિયે જ ઑટો ઍન્ટીબૉડીઝ જોવા મળ્યા હતા.

લગભગ 50 દર્દીઓ પર અભ્યાસ કરાયો હતો, જેમને દાખલ કરતી વખતે અને બાદમાં પણ તેમના લોહીની તપાસ કરવામાં આવી હતી.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનના મુખ્ય સંશોધક પ્રોફેસર પી. જે. ઉટ્ઝના જણાવ્યા અનુસાર, "હૉસ્પિટલમાં દાખલ થયાના એક અઠવાડિયામાં જ લગભગ 20% દર્દીઓમાં ઑટો ઍન્ટીબૉડીઝ પેદા થયા હતા, જે તેમને દાખલ કરેલા ત્યારે જોવા મળ્યા નહોતા."

પ્રોફેસર ઉટ્ઝ કહે છે કે કદાચ આના કારણે જ બીમારીમાંથી સાજા થઈ ગયા પછી પણ ઘણા મહિના સુધી તેનાં લક્ષણો દેખાતાં રહે છે.

"કોવિડ-19ને કારણે તમારે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય અને તે પછી સાજા થઈ જાવ તે પછી પણ કદાચ જોખમ ઓછું થતું નથી."


સંશોધનની પ્રક્રિયા

યુકેમાં પણ ઇમ્પિરિયલ કૉલેજ લંડનના સંશોધકોને પણ લાંબો સમય બીમાર રહેલા કોવિડ-19 દર્દીઓમાં ઑટો ઍન્ટીબોડીઝ જોવા મળ્યા હતા. ચેપ લાગ્યા પછી જલદી સાજા થઈ જનારા લોકોમાં તે જોવા મળ્યા નહોતા.

આ સંશોધક ટીમના અગ્રણી પ્રોફેસર ડેન્ની ઑલ્ટમેને બીબીસીને જણાવ્યું કે તેઓ હવે એ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે ઑટો ઍન્ટીબૉડીઝ પેદા થયા હોય તો તેના પરથી કોવિડ-19 ક્યારે થયો હશે અને કેટલો સમય થયો હશે તે જાણી શકાય કે કેમ.

આ સંશોધન હજી પ્રારંભિક તબક્કે છે, પણ તેનાથી ટેસ્ટિંગનું કામ સહેલું થઈ શકે છે.

"અમે આગોતરું નિદાન થાય એટલું જ નહીં, પણ તેની સારવાર માટે પણ ઉપાય મળે તેની આશા રાખી રહ્યા છીએ," એમ તેમણે ઉમેર્યું.

આ સંશોધનો પછી રસી કેટલી જરૂરી છે તેનો પણ ખ્યાલ આવે છે.

https://www.youtube.com/watch?v=pDW5-Ue4U5Q

વૅક્સિનમાં માત્ર સ્પાઇક પ્રોટીન હોય છે અથવા તો જેનેટિક ઇન્ફર્મેશન જેનાથી શરીર પ્રોટીન પેદા કરે અને તે રીતે રોગપ્રતિકારક શક્તિ એવી રીતે પ્રેરિત થતી નથી કે અચાનક સક્રિય થઈ જાય અને ઑટો ઍન્ટીબૉડીઝ પેદા થવા લાગે.

આ ક્ષેત્રમાં સંશોધનો આગળ વધી રહ્યાં છે, પણ વિજ્ઞાનીઓ ચેતવણી આપી રહ્યા છે કે રોગપ્રતિકારક શક્તિ બહુ સંકુલ રીતે કામ કરે છે અને આ બાબતમાં માત્ર ઑટો ઍન્ટીબૉડીઝ જવાબદાર હોય તેવું પણ નથી.

કેટલાક કેસમાં રોગપ્રતિકારક શક્તિ વધારે પડતો પ્રતિસાદ આપે છે તેની પણ તપાસ ચાલી રહી છે.

સાયટોકાઇન્સ નામના પ્રોટીન વધારે પ્રમાણમાં પેદા થઈ જાય તો તેનાથી જોખમ ઊભું થાય છે અને તેનાથી શરીરના જ કોષોને નુકસાન થાય છે. તેને સાયટોકાઇન સ્ટોર્મ્સ કહે છે.

વાઇરસ આપણા શરીરમાં પ્રવેશ ત્યારે આપણા કોષો કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે આપણે એકદમ ચોક્કસ રીતે જાણતા નથી.

પ્રતિક્રિયા કેવી રીતે અપાય છે અને કેવી રીતે રોગપ્રતિકારક શક્તિ કામ કરે છે તેના આધારે જ ચેપની તીવ્રતા અને રોગ ધાતક બને છે કે કેમ તે નક્કી થતું હોય છે.https://www.youtube.com/watch?v=IJ5mO02gmKk

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Corona virus: What are auto-antibodies and how does it relate to Covid-19?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X