• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમને મોબાઇલ ફોનનો સતત ઉપયોગ કરવાનું મન થાય છે? તો આ લત કઈ રીતે છોડશો?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

શું તમને એવું લાગે છે કે આપણને થોડાં વર્ષો પહેલાં નાની-નાની લાગતી બાબતોમાં બહુ ખુશી મળતી હતી, પરંતુ હવે એવો આનંદ અનુભવાતો નથી? બધો આનંદ ત્રણ-ચાર બાબતોમાં જ કેન્દ્રિત થઈ ગયો છે એવું લાગે છે?

આનંદની અનુભૂતિ મોબાઇલ ફોન, ટીવી, વીડિયો ગેઇમ, પોર્ન વીડિયો, દારૂ અને સિગારેટ જેવી કેટલીક બાબતો પૂરતી મર્યાદિત થઈ ગઈ છે? આ પૈકીનું કશું કર્યા વિના તમને તમારો દિવસ અધૂરો લાગતો હોય તો કેટલીક આદતોના અવલોકનનો સમય આવી પહોંચ્યો છે એ સમજી લો.

કમ્પ્યૂટર ગેઇમ, મોબાઇલ ગેઇમ, સોશિયલ મીડિયા, નેટસર્ફિંગના આગમન સાથે જીવનનો આનંદ માણવાનો આસાન માર્ગ ઉપલબ્ધ થયો છે, પરંતુ તેમાં દિવસનો ઘણો સમય ખર્ચાઈ જાય છે. પરિણામે કામ કરવાનો સમય ઓછો મળતાં તેની માઠી અસર જોવા મળતી થઈ છે. મોબાઇલમાંથી મળતા આનંદની સામે વાસ્તવિક જીવનમાંથી મળતો આનંદ ફિક્કો લાગે છે. પરિવારજનો સાથે વાતચીત, સગાંસંબંધીઓ સાથે ગોઠડી, વાચન, બાગકામ વગેરે જેવી બાબતો અપ્રિય થઈ પડી છે.


મોબાલ સર્ફિંગ જેવી બાબતોમાંથી આનંદ કેમ મળે છે?

મગજમાં ડોપામાઇન નામના એક રસાયણિક દ્રવ્યના સ્ત્રાવથી આ પ્રકારનો આનંદ મળે છે. ડોપામાઇન એક ન્યૂરોટ્રાન્સમિટર હોવાથી તે બે કોષોને સંવાદ માટે જોડે છે. તે બન્ને કોષો વચ્ચેનો ઈન્ટરફેસ છે.

ડોપામાઇનના સ્ત્રાવથી ક્ષણભર માટે ખુશીની અનુભૂતિ થાય છે. ડોપામાઇનનો સ્રાવ એક ક્ષણ કે તેથી ઓછા સમય માટે થાય છે. આવી અનુભૂતિની સતત ઇચ્છા થતી રહે છે. તેથી એવી સાતત્યસભર અનુભૂતિ માટે આપણે એકનું એક કામ (પ્રસ્તુત બાબતમાં મોબાઇલ ફોનનો સતત વપરાશ) વારંવાર કરતા રહીએ છીએ.


તેની આદત કઈ રીતે પડે છે?

ડોપામાઇન વિશે વાત કરતાં મનોચિકિત્સક ડૉ. રાજેન્દ્ર બર્વે કહે છે કે "ડોપામાઇનનો સ્ત્રાવ અનેક કારણોસર થાય છે. સારી લાગણીની સતત અનુભૂતિ માટે આપણે એકનું એક કૃત્ય વારંવાર કરતા રહીએ છીએ. કમ્પ્યૂટર ગેઇમ રમવા મળે, મોબાઇલ પર સર્ફિંગ કરવા મળે કે એકનું એક ગીત વારંવાર સાંભળવા મળે તેવી ઇચ્છા સતત થતી રહે છે. વળી કમ્પ્યૂટર ગેઇમની રચના જ એવી રીતે કરવામાં આવી હોય છે કે તે સતત રમતા રહેવાનું મન થાય. તેથી તેના સિવાય ચેન પડતું નથી. અહીં મુદ્દો ડોપામાઇનનો નથી, પરંતુ આ બધી વસ્તુઓની સહજ ઉપલબ્ધતાનો છે. મોબાઇલ અને કમ્પ્યૂટર આસાનીથી ઉપલબ્ધ હોવાથી આપણે તેના ભણી વળીએ છીએ અને ક્ષણેક્ષણનો આનંદ માણીએ છીએ."


તમારું વર્તન તમને કઈ રીતે બદલે છે?

પ્રતિકાત્મક તસવીર

રેડીમેડ ડોપામાઇન મેળવવાની વૃત્તિથી આપણને મોટું નુકસાન થાય છે. પ્રત્યેક કામમાંથી મળતા ડોપામાઇનને બદલે મોબાઇલ કે બીજા વ્યસનમાંથી તે આસાનીથી મળતું હોવાથી લોકો તેના ભણી આસાનીથી વળે છે. તેથી તેઓ એક જોખમી ચક્રમાં વધુને વધુ ફસાતા જાય છે.

ડોપામાઇન શા માટે અને કઈ રીતે તૈયાર થાય છે, તે સમજાવતાં પૂણેસ્થિત ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ ડૉ. શિરીષા સાઠે બીબીસીને જણાવે છે કે "ડોપામાઇન એક પ્રેરક (મોટિવેશનલ) ન્યૂરોટ્રાન્સમિટર છે. આપણી પાસે કોઈ બાબતનો અભાવ છે કે કોઈ પીડા છે તેને દૂર કરવાની ભાવનાનું નિર્માણ મનમાં થાય ત્યાંથી એ અભાવ કે પીડા દૂર કરવા સુધીના પ્રવાસનો આનંદ કે આનંદની અનુભૂતિ તેમાં થાય છે.

ડોપામાઇન સુખનું રસાયણ નથી. તે અપેક્ષિત સુખની લાગણી છે. જે મેળવવાના પ્રયાસ આપણે કરી રહ્યા છીએ તે મેળવવું અથવા તો ત્રાસદાયક પીડામાંથી મુક્તિ મેળવવી એ પરમ આનંદની ક્ષણ હોય છે."

ડોપામાઇનના અતિરેક વિશે વાત કરતાં ડૉ. શિરીષા સાઠે કહે છે કે "ચોક્કસ ક્રિયાને કારણે ડોપામાઇનનો સ્રાવ થાય છે. તેનું પૂર આવે ત્યારે તેને અટકાવવાનો સંદેશો દિમાગ આપે છે. થોડા સમય પછી બીજી કોઈ ક્રિયાને કારણે ડોપામાઇનના સ્ત્રાવની બીજી લહેર આવે છે અને દિમાગ ફરી તેને અટકાવવાનો મૅસેજ આપે છે.

સામાન્ય રીતે મગજ 'યુઝ ઇટ ઓર લૂઝ ઇટ'ની કુદરતી વ્યવસ્થા અનુસાર તેનું પ્રમાણ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ આપણું મન જ્યારે ખરેખર ઉદાસ હોય અને ડોપામાઇન દ્વારા તેને ઉત્તેજિત કરવું જરૂરી હોય ત્યારે મોબાઇલ કે બીજાં વ્યસનોની જરૂર પડે છે. એ સમયે આવા શોર્ટકટનો ઉપયોગ કરવામાં આવે છે."

ડોપામાઇનનો વધારે સ્રાવ થાય ત્યારે તેને શોષવા માટે મગજ નવાં ન્યૂરોનેટવર્ક્સ તૈયાર કરે છે. તેની જરૂરિયાત સંતોષવા માટે આપણે એકની એક ક્રિયા વારંવાર કરતા રહીએ છીએ અને આ રીતે તેની લત લાગે છે. દરેક વખતે, અગાઉ કરતાં વધારે તીવ્ર વ્યસન કરવું પડે છે. ત્યારે જ મગજને તેની જરૂરિયાત સંતોષાઈ હોય એવું લાગે છે. તેનો અર્થ એવો થાય કે વ્યક્તિ સાદી ક્રિયાઓમાંથી ડોપામાઇન મેળવવાને બદલે મોબાઇલ, ટીવી, ગેઇમ કે દારૂ જેવાં વ્યસનોમાંથી મેળવતો થઈ જાય છે. તેની તીવ્રતા વધતી જાય છે અને વ્યક્તિનો આનંદ આ વસ્તુઓ પર આધારિત થઈ જાય છે.

અગાઉ જે બાળકો 10-15 મિનિટ મોબાઇલ જોઈને પાછો આપી દેતાં હતાં એમને મોબાઇલ સાથે બે કલાક સુધી રમ્યા વિના સારું લાગતું નથી. અગાઉ બધું કામ પતાવ્યા પછી આપણે મોબાઇલ ફોનને હાથમાં લેતા હતા, પરંતુ હવે આપણને તે સતત હાથમાં રાખવાની ઇચ્છા થાય છે. આ વાત દારૂ કે સિગારેટ પીનારાઓને પણ લાગુ પડે છે. તેમને પણ નિશ્ચિત સમયાંતરે વ્યસનની તીવ્રતા વધાર્યા વિના સારું લાગતું નથી.

કેટલાક લોકો દારૂને સ્વતંત્રતાનું પ્રતીક અથવા તો આઝાદીનું દ્યોતક માને છે, પણ વાસ્તવમાં તેઓ તેમના દિમાગના ગુલામ હોય છે. યાદ રહે કે કોઈ પણ વ્યસનના ચક્રમાં ફસાયેલી વ્યક્તિ તેના મન તથા શરીર પરનો કાબૂ ક્યારે ગુમાવી બેસે છે તેની તેને ખબર પડતી નથી.


ડોપામાન ઉપવાસ અથવા ડિજિટલ ડિટોક્સ

આપણે ડોપામાઇનનો વધુ પડતો વપરાશ કરીએ છીએ, આપણને તેની લત લાગી ગઈ છે. તેથી ડોપામાઇનનો સ્રાવ ઘટાડવા માટે કેટલાક લોકોએ ડિજિટલ ડિટોક્સનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. આ વ્યવસ્થામાં વ્યક્તિ લત લાગે તેવાં તમામ ઉપકરણોથી દૂર રહે છે. આવાં ઉપકરણોનો ઉપયોગ નહીં કરવાથી અગાઉ કરતાં વધારે આનંદ મળતો હોવાનો દાવો આવા લોકો કરે છે. જોકે, તેમાં કોઈ તથ્ય ન હોવાનું પણ કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું છે.

અમેરિકાની સિલિકોન વેલીસ્થિત ટેકનૉલૉજી કંપનીઓમાં કામ કરતા લોકોએ આ કૉન્સેપ્ટને વખાણ્યો છે. તેમના મતાનુસાર, જે ક્રિયાઓમાં ડોપામાઇનનો વધુ સ્રાવ થતો હોય એવુ ક્રિયાઓ કરવાનું તેમણે થોડા સમય માટે ટાળ્યું હતું. તેમાં ટીવી, મોબાઈલ, ઓટીટી પ્લૅટફૉર્મ પર બિંજ વોચિંગ (10-12 કલાક આખી વેબ સીરિઝ નિહાળવી કે મોબાઈલ કે ટીવી પર કાર્યક્રમો નિહાળવા) અને ચટાકેદાર ભોજનનો સમાવેશ થાય છે. ટૂંકમાં મનમાં ઉત્સાહ, ઉત્તેજનાની લાગણી સર્જતી ક્રિયાઓ કરવાનું તેમણે થોડા સમય માટે ટાળ્યું હતું. તેનાથી પોતાને ફાયદો થયો હોવાનું તેઓ માને છે.

આ સંદર્ભે 'સ્ક્રીન ટાઇમ' પુસ્તકનાં લેખિકા મુક્તા ચૈતન્ય કેટલાક ઉપાય સૂચવે છે. બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે "તમામ પ્રકારની સ્ક્રીન બંધ કરીને બેસવાનું છે એવી કલ્પનાથી જ શરૂઆતમાં લોકો અસ્વસ્થતા અનુભવવા લાગે છે. મોબાઇલ, ટીવી કે બીજી કોઈ સ્ક્રીન વિના પણ આપણે જીવી શકીએ છીએ એવું શરૂઆતના કેટલાક કલાકોમાં સમજાયા પછી તેમનો આગળનો માર્ગ સરળ થઈ જાય છે."

મુક્તા ચૈતન્ય કહે છે કે "અમારામાંથી જેમણે આ સ્ક્રીન અથવા તો ડોપામાઇન ઉપવાસ કર્યા તેમનો અનુભવ ધ્યાનમાં લેવા જેવો છે. ઘણા લોકોને સમજાયું હતું કે તેમની પાસે ભરપૂર સમય છે. મોબાઇલને કારણે તેમના જીવન પર કેટલી માઠી અસર થાય છે એનું ભાન તેમને થયુ હતું. કેટલાક લોકોએ અમને જણાવ્યું હતું કે મોબાઇલથી દૂર રહેવાથી તેમને શાંતિનો અનુભવ થયો હતો. નવા વિચારો આવ્યા હતા. ઘણા લોકોએ એવું કહ્યું હતું કે મોબાઇલથી દૂર રહેવાથી તેમને તેમનાં સગાંથી, પરિવારજનો સાથે નિરાંતે વાત કરવાનો સમય મળ્યો હતો."

ડૉ. શિરીષા સાઠે પણ આવા જ ઉપાયો સૂચવે છે. તેઓ કહે છે કે "રમતો રમવી, બહાર ફરવા જવું, નવી વસ્તુઓ કરવી, બાગગામ કરવું કે લોકો સાથે વ્યક્તિગત (ફોન પર ચેટિંગ નહીં) સંવાદ કરવા જેવી ક્રિયાઓ વડે આનંદ મેળવવાના પ્રયાસ કરવા જોઈએ. આ બધું આનંદદાયક છે. એ કરવાને બદલે હાથમાં મોબાઇલ લેવાના શોર્ટકટનો ઉપયોગ કરશો નહીં."


https://www.youtube.com/watch?v=7YkmHQFmlJE

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Do you feel like using a mobile phone constantly? So how do you get rid of this addiction?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X