પાકિસ્તાની બિઝેસમેને કરાવી ઈમરાન ખાનની ધરપકડ! અનેક ગફલાં કર્યાનો આરોપ
શનિવારે પાકિસ્તાની સેનાના રેંજર્સે પાકિસ્તાનના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર ઈમરાન ખાનની ધરપકડ કરી લીધી હતી. તેમની ધરપકડના વિરોધમાં ઈમરાન ખાનના સમર્થકો દેશભરમાં તોડફોડ અને હંગામો કરતા જોવા મળી રહ્યા છે. ઈસ્લામાબાદ પોલીસનું કહેવું છે કે પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (PTI) પ્રમુખની ભ્રષ્ટાચારના મામલામાં ધરપકડ થઇ છે.
આ મામલે ઈમરાન ખાનની ધરપકડ સાથે જ વધુ એક નામ મલિક રિયાઝ પણ ચર્ચામાં આવી ગયો છે. મલિક રિયાઝ પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ રિયલ એસ્ટેટ ડેવલપર છે અને પાકિસ્તાનમાં કહેવાય છે કે મલિક સરકાર પાડવામાં કે બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. તેમની પહોંચ તમામ પાર્ટીઓના મોટા નેતાઓ સુધી છે.

જે મામલામાં ઈમરાન ખાનની ધરપકડ થઇ છે, તે મામલાનો ખુલાસો મલિક રિયાઝે જ કર્યો હતો. નોંધનીય છે ઈમરાન ખાન પાકિસ્તાનના પીએમ હતા ત્યારનો અલ-કાદિર ટ્રસ્ટમાં ભ્રષ્ટાચારનો આ મામલો છે. પીએમ પદ પર રહેતાં તેમણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અધ્યાત્મ અને સૂફીવાદને પ્રોત્સાહન આપવા માટે યૂનિવર્સિટી બનાવવા મંજૂરી આપી હતી.
યૂનિવર્સિટીના નિર્માણ માટે પંજાબની સરકારે જમીન ખરીદી હતી. ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીએ જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ છે. રિયલ એસ્ટેટ ડેવલપર કંપની બહરિયા ટાઉન કંપનીના સંસ્થાપક મલિક રિયાઝે આ ભ્રષ્ટાચારનો ખુલાસો કરતા કહ્યું હતું કે ઈમરાન ખાન અને તેમની પત્નીએ ગેરકાયદેસર રીતે કરોડોની જમીન પચાવી લીધી.
મલિકનું કહેવું હતું કે અવાજ ઉઠાવવા પર ઈમરાન ખાન અને તેમની પત્નીએ મળીને ડરાવ્યા- ધમકાવ્યા હતા અને જેલભેગા કરવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી બંને જ અલ-કાદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.
પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરતી સંસ્થા નેશનલ અકાઉંટિબિલિટી બ્યૂરોએ આ મામલાની તપાસ માટે ગત 1 ડિસેમ્બરે મલિક રિયાઝ અને અન્ય લાભાર્થીઓને બોલાવ્યા હતા, અને આખરે ઈમરાન ખાનને ભ્રષ્ટાચારના કેસમાં જેલના સળિયા ભેગા કરી દેવામાં આવ્યા છે.
જૂન 2022માં ઈમરાન ખાન અનેમલિક રિયાઝને લઇ એક મામલો પ્રકાશમાં આવ્યો હતો. એ દરમિયાન ઑડિયો લીક થયો હતો અને ઑડિયો મલિક રિયાઝ અને તેમની દીકરી અંબર વચ્ચેનો વાતચીતનો જણાવવામાં આવ્યો હતો. ઑડિયોમાં કથિત રીતે અંબરે પોતાના પિતાને જણાવ્યું હતું કે ઈમરાનની પાછલી સરકાર દ્વારા તેમને પહોંચાડવામાં આવેલા ફાયદાઓના બદલામાં બુશરા બીબી પાંચ કેરેટ હીરાની અંગૂઠીની માંગ કરી રહી છે.
ઑડિયો લીક વાયરલ થયા બાદ રિયાઝે કોઈપણ રાજનૈતિક મામલામાં પોતાની ભૂમિકાનો ઈનકાર કર્યો હતો. એક ટ્વીટમાં તેમણે દાવો કર્યો હતો કે લીક થયેલ ઑડિયો ક્લિપ તેમના અને તેમની દીકરી વચ્ચે વાતચીતની નથી, અને ફેક ક્લીપ બનાવી વાયરલ કરવામાં આવી છે.
ઉલ્લેખીય છે કે 68 વર્ષીય મલિક રિયાઝ પાકિસ્તાનના અબજોપતિ બિઝનેસ ટાઇકૂન છે જેમના રાજનેતાઓ સાથે ગાઢ સંબંધો છે. માત્ર પાકિસ્તાન જ નહીં, તેમનું નામ એશિયાના સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપરમાં સામેલ છે. મલિકે પોતાના કરૂયરની શરૂઆત એક નાના કોન્ટ્રાક્ટરના રૂપમાં કરી અને ધીરે-ધીરે મોટા કોન્ટ્રાક્ટ હાંસલ કરવા શરૂ કરી દીધા.
તેમને પાકિસ્તાનની મિલિટ્રી એન્જીનિયર સર્વિસના પણ કોન્ટ્રાક્ટ મળવા શરૂ થઇ ગયા. જે બાદ 1980ના દશકામાં તેમણે ખુદ પોતાની રિયલ એસ્ટેટ ડેવલપર કંપની બનાવી જેનું નામ બહરિયા ટાઉન છે. આજે આ કંપની એશિયાની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપર કંપનીઓમાં સામેલ છે.
મલિક રિયાઝના પરિવારની વાત કરીએ તો તેમણે બે લગ્ન કર્યાં. પહેલી પત્નીથી તેમને બે દીકરીઓ છે- અંબર શહજાદ મલિક અને આસિયા અમર મલિક. પહેલી પત્નીના નિધન બાદ તેમણે બીના રિયાઝ સાથે લગ્ન કર્યાં. જેમનાથી મલિકને એક દીકરો, અલિ રિયાઝ મલિક અને એક દીકરી પશ્મિનજૈન મલિક છે. તેમનો દીકરો અલી રિયાઝ મલિક હાલ બહરિયા ટાઉનનો CEO છે.
મલિક રિયાઝ ભ્રષ્ટાચારના મામલાઓને લઇ સતત વિવાદોમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈમરાન ખાનની સરકારે મલિકને બે મોટા ફાયદા પહોંચાડ્યા હતા. પહેલો મામલો વર્ષ 2018નો છે, જ્યારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મલિકની કંપની બહરિયા ટાઉન પર 460 અબજ રૂપિયાનો દંડ લગાવ્યો હતો.
કોર્ટે મલિકને 2026 સુધીમાં હપ્તામાં આ દંડ ભરી દેવા આદેશ આપ્યો હતો. પરંતુ મે 2021માં ઇમરાન ખાનની સલાહ પર તાત્કાલીન એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને સુપ્રીમ કોર્ટને એક પત્ર લખી દંડની રકમ હપ્તામાં ના લઇ બાદમાં એકસાથે લઇ લેવામાં આવે, જેથી તેઓ પોતાના વેપારમાં પૈસા લગાવી શકે સાત વર્ષ બાદ એકસાથે સંપૂર્ણ દંડ ભરી શકે.
બીજો મામલે બ્રિટેનમાં મની લૉન્ડ્રિંગ સાથે જોડાયેલો છે. મની લોન્ડ્રિંગના આ મામલામાં મલિક રિયાઝે અદાલતની બહાર સેટલમેન્ટ કર્યું જે અંતર્ગત તેમણે બ્રિટનમાં આવેલ પોતાનું એક આલીશાન ઘર નેશનલ ક્રાઇમ એજન્સીને આપી દીધું. બદલામાં 39 અબજ પાકિસ્તાની રૂપિયા મળ્યા, જે પાકિસ્તાન સરકારને પરત કરી દેવામાં આવ્યા.
પરંતુ આ રૂપિયા સરકાર પાસે જવાને બદલે સુપ્રીમ કોર્ટ પાસે જમા કરી દેવામમાં આવ્યા અને મલિક રિયાઝે દાવો કર્યો કે આ રકમ તેમણે 460 અબજના દંડના હપ્તાના રૂપમાં કોર્ટને આપી છે.
પાકિસ્તાનની તાત્કાલીન ઈમરાન ખાન સરકારે પણ કહ્યું કે આ રકમ સુપ્રીમ કોર્ટ પાસે જમા કરી દેવામાં આવી છે પરંતુ તેને લઇ કોઇ સ્પષ્ટ જાણકારી આપવામાં ન આવી જેના પર ખુબ વિવાદ થયો. જે બાદ મલિક રિયાઝે અલ-કાદિર યૂનિવર્સિટીને જમીન આપી હતી.












Click it and Unblock the Notifications
