
એર એશિયાનું ગુમ વિમાન સમુદ્રમાં પડી ગયું હોવાની સંભાવના
જકાર્તા, 29 ડિસેમ્બર: એર એશિયાના ગુમ વિમાન ક્યૂઝેડ 8501ની શોખોળ ચાલુ છે. પરંતુ વિમાનને શોધવા માટે અભિયાનમાં જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે વિમાન સમુદ્રમાં પડી ગયું હોવાની સંભાવનાને નકારી ન શકાય. અધિકારીઓનું કહેવું છે કે શરૂઆતી તપાસમાં જે પ્રકારના સંકેત મળી રહ્યાં છે તેનાથી લાગી રહ્યું છે કે વિમાન સમુદ્રમાં પડી ગયું છે.
તમને જણાવી દઇએ કે ક્યૂઝેડ 8501 વિમાન રવિવારે સવારે 7.24 વાગે સંપર્ક તૂટી ગયો હતો. વિમાનમાં 6 કલાકનું ઇંધણ હતું એવામાં વિમાન સાથે હજુ સુધી કોઇ સંપર્ક ન થયો હોવાના કારણે આ વાતની સંભાવના વધી ગઇ છે કે વિમાન સમુદ્રમાં પડી ગયું છે. તો બીજી તરફ એશિયાના ગુમ વિમાન ક્યૂઝેડ 8501ની શોધમાં દુનિયાભરના દેશોએ પોતાની મદદ આપવાનું શરૂ કરી દિધું છે.
યુદ્ધના ધોરણે શોધખોળ અભિયાન શરૂ
વિમાન ઇંડોનેશિયાના સુરબાયા શહેરથી સિંગાપુર જઇ રહ્યું હતું અને તેમાં 162 મુસાફરો સવાર હતા. વિમાનના શોધખોળ અભિયાનમાં ઘણા હેલિકોપ્ટર અને વિમાન લગાવવામાં આવ્યા છે. વિમાન શોધવામાં ઇંડોનેશિયાના 12 સમુદ્રી જહાજ, ત્રણ હેલિકોપ્ટર અને પાંચ મિલિટ્રી એરક્રાફ્ટ વિમાન લાગેલા છે.
આ ઉપરાંત મલેશિયાનું એક સી-130 વિમાન, ત્રણ જહાજ અને સિંગાપુરનું એક સી-130 વિમાન પણ શોધખોળના કાર્યમાં લાગેલું છે. વિમાન સાથે અંતિમ વખતે સંપર્ક થયો ત્યારે પાયલોટે ખરાબ હવામાનની વાત કહેતાં અસામાન્ય રૂટની માંગણી કરી હતી પરંતુ પાયલોટે કોઇ ઇમરજન્સીની વાત કહી ન હતી.
તો બીજી તરફ એર એશિયાના માલિક ટૉની ફર્નાંડિસે આ ઘટનાને ખૂબ દુખદ ગણાવતાં કહ્યું કે આ તેમના જીવનની સૌથી ખરાબ ઘટના છે. ટૉનીએ કહ્યું કે વિમાનમાં સવાર લોકોના સંબંધીઓ અને ક્રૂ ટીમના પરિવારોની ચિંતા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. આ સિવાય અમે કંઇ વિચારી રહ્યાં નથી.