Israel Attack: ફ્રાન્સ-અમેરિકાએ કર્યું ઇઝરાયેલનું સમર્થન, જાણો ક્યા દેશે શું કહ્યું?
Israel Attack: ઇઝરાયેલમાં હમાસના હુમલા બાદ અત્યાર સુધી મૃતકોની સંખ્યા વધીને 700 સુધી થઇ ચુકી છે. જ્યારે 1500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇઝરાયેલના જવાબી હુમલામાં 198 ફિલિસ્તીનિયોના મોત થયા છે, જ્યારે 1600થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ફોન કર્યો અને ભારપૂર્વક જણાવ્યું કે, અમેરિકા ઈઝરાયેલની સાથે ઉભું છે અને ઈઝરાયેલના સ્વરક્ષણના અધિકારને સંપૂર્ણ સમર્થન આપે છે.

કયા દેશે શું કહ્યું?
ભારત - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેઓ ઇઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ જ આઘાતમાં છે. તેઓ આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલ સાથે એકતામાં ઉભા છે.
યુએસ - યુએસ પ્રમુખ જો બાઇડને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ફોન કર્યો અને ભારપૂર્વક જણાવ્યું કે, યુએસ ઇઝરાયેલ સાથે ઉભું છે અને ઇઝરાયેલના સ્વ-બચાવના અધિકારને સંપૂર્ણ સમર્થન આપે છે.
આ સિવાય અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને હમાસના હુમલાની નિંદા કરી અને ઈઝરાયેલ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને જણાવ્યું છે કે, તેઓ એ સુનિશ્ચિત કરશે કે, ઈઝરાયેલની સુરક્ષામાં કોઈ ખામી ન રહે.
બ્રિટન - બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ હમાસના આતંકવાદીઓના હુમલાની નિંદા કરી હતી અને ઈઝરાયેલના સ્વરક્ષણના અધિકાર પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન સુનકે જણાવ્યું છે કે, હમાસના હુમલાથી હું આઘાતમાં છું. ઈઝરાયેલને પોતાની સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે.
ફ્રાન્સ - ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ઈઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરી હતી અને હમાસના હુમલાની નિંદા કરી હતી. મેક્રોને જણાવ્યું હતું કે, દુઃખની આ ઘડીમાં તેઓ હમાસ હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર સાથે છે.
તુર્કી - તુર્કીએ આ સંઘર્ષમાં કોઈપણ પક્ષને સમર્થન આપ્યું નથી. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન બંનેને સંયમ રાખવાની હાકલ કરી હતી અને તેમને એવી ક્રિયાઓ ટાળવા વિનંતી કરી હતી, જે તણાવને વધુ વધારી શકે.
ઇજિપ્ત - ઇજિપ્તે પણ આ સંઘર્ષમાં કોઇપણ પક્ષને ખુલ્લેઆમ સમર્થન આપ્યું નથી. ઇજિપ્તે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે વધતા તણાવના ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી અને મહત્તમ સંયમ રાખવાની હાકલ કરી હતી.
યુરોપિયન યુનિયન - યુરોપિયન યુનિયનના ચીફ ઉર્સાલાએ જણાવ્યું છે કે, ઈઝરાયેલને જવાબી કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હિંસા અટકાવવી જરૂરી છે.
જર્મની - જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેરબોકે હમાસના હુમલાની નિંદા કરી અને ઈઝરાયેલના સ્વરક્ષણના અધિકારને સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ઈરાન - સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખમેનીના સલાહકારે જણાવ્યું છે કે, અમે ઈઝરાયેલ પર પેલેસ્ટાઈનના હુમલાનું સમર્થન કરીએ છીએ.
રશિયા - રશિયાએ ઇઝરાયેલ, પેલેસ્ટિનિયન અને આરબ દેશો સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો અને વધુ ઉગ્રતા ટાળવા માટે સંયમના મહત્વ પર ભાર મૂક્યો હતો. રશિયાએ જણાવ્યું હતું કે, આ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.
કતાર - કતારે તણાવ અને શાંતિનો અંત લાવવા પણ હાકલ કરી હતી. જોકે, કતારના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તે આ સ્થિતિ માટે સંપૂર્ણપણે ઇઝરાયેલને જવાબદાર માને છે. આમાં પેલેસ્ટિનિયનોનો ત્રાસ અને અલ અક્સા મસ્જિદ પર ઇઝરાયેલી પોલીસ દ્વારા વારંવારના રેડ સમાવેશ થાય છે.
યુક્રેન - યુક્રેનિયન વિદેશ મંત્રાલયે ઇઝરાયેલના પોતાનો બચાવ કરવાના અધિકાર માટે સમર્થન વ્યક્ત કર્યું હતું અને તેલ અવીવ અને જેરૂસલેમમાં તેની નાગરિક વસ્તી પર રોકેટ હુમલા સહિત ઇઝરાયેલ સામે ચાલી રહેલા આતંકવાદી હુમલાઓની નિંદા કરી હતી.












Click it and Unblock the Notifications
