Israel-Hamas War: જાણો ઇઝરાયેલ-હમાસ સંઘર્ષની સંપૂર્ણ કહાની, વાંચો વિગતવાર અહેવાલ
Israel-Hamas War: પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયેલ પર આયોજિત હુમલો કર્યો છે. હમાસના લડવૈયાઓ ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલી પ્રદેશમાં પ્રવેશ કરી રહ્યા છે, સેંકડો રહેવાસીઓને મારી નાખ્યા છે, અને ડઝનેક બંધક બનાવ્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 900 ઈઝરાયેલના લોકોના મોત થયા છે.
હમાસે ઈઝરાયેલ પર 5000 થી વધુ રોકેટ વડે હુમલો કર્યો છે, જે બાદ ઇઝરાયેલે પણ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે. ઇઝરાયેલના વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. હમાસના અંકુશ હેઠળના ગાઝામાં ઇઝરાયલી એરફોર્સ દ્વારા ઝડપી હુમલા કરીને ઇઝરાયેલે બદલો લીધો હતો.

7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર એક પછી એક જોરદાર હવાઈ હુમલા કર્યા હતા. હમાસના આ હુમલામાં અનેક વિદેશી નાગરિકોના પણ મોત થયા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ હુમલામાં 18 થાઈ નાગરિકોના પણ મોત થયા છે.
હમાસ શું છે? - હમાસ એ પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ છે, જે ગાઝા પટ્ટીના કેટલાક વિસ્તારોને નિયંત્રિત કરે છે. તે આ વિસ્તારને ઈસ્લામિક રાજ્ય પણ બનાવવા માંગે છે. હમાસ 2007 થી ગાઝા પર શાસન કરી રહ્યું છે. આ દરમિયાન હમાસનો ઇઝરાયેલ સાથે ઘણા સંઘર્ષો થયા હતા. આ યુદ્ધની વચ્ચે ઇઝરાયેલે પણ હમાસ પર અનેક જવાબી હુમલાઓ કર્યા છે.
હમાસ જૂથને ઇઝરાયેલ, યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને બ્રિટન તેમજ અન્ય દેશો દ્વારા આતંકવાદી જૂથ જાહેર કરવામાં આવ્યું છે. આવા સમયે હમાસને ઈરાનનું સમર્થન છે, જે તેને શસ્ત્રો અને તાલીમ આપે છે.
ગાઝા પટ્ટી શું છે? - ગાઝા પટ્ટી એ ઇઝરાયેલ, ઇજિપ્ત અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચેનો 41 કિમી (25 માઇલ) લાંબો અને 10 કિમી પહોળો વિસ્તાર છે. લગભગ 2.3 મિલિયન લોકો અહીં રહે છે, જે વિશ્વના સૌથી વધુ વસ્તી ગીચતાવાળા વિસ્તારોમાંનો એક છે.
ઇઝરાયેલ ગાઝા અને તેના દરિયાકાંઠા પરના એરસ્પેસને નિયંત્રિત કરે છે. ઇજિપ્ત ગાઝા સાથેની તેની સરહદને નિયંત્રિત કરે છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ ગાઝાની લગભગ 80 ટકા વસ્તી આંતરરાષ્ટ્રીય સહાય પર નિર્ભર છે.
શું છે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ? - વેસ્ટ બેંક અને ગાઝાનો વિસ્તાર હંમેશા બંને પક્ષો વચ્ચે સંઘર્ષનું મુખ્ય કારણ રહ્યો છે. વેસ્ટ બેન્ક અને ગાઝા પેલેસ્ટિનિયન પ્રદેશો તરીકે ઓળખાય છે. આ સિવાય પૂર્વ જેરુસલેમ અને ઇઝરાયેલને રોમન સમયમાં પેલેસ્ટાઈન ક્ષેત્રનો ભાગ માનવામાં આવતો હતો.
બાઇબલમાં તેને યહૂદી સામ્રાજ્યોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી જ યહૂદીઓ તેને તેમનું પ્રાચીન વતન માને છે. આ બાબતે હંમેશા સંઘર્ષ થતો રહે છે.
ઇઝરાયેલને 1948માં એક દેશ તરીકે માન્યતા આપવામાં આવી હતી. જોકે, જે લોકો ઇઝરાયેલના અસ્તિત્વને ઓળખતા નથી, તેઓ હજુ પણ આ વિસ્તારને પેલેસ્ટાઇનનો ભાગ માને છે.
હમાસે શા માટે હુમલો કર્યો? - ઓક્ટોબર 7ના રોજ હમાસે કોઈપણ ચેતવણી વિના ઇઝરાયેલ પર હુમલો કર્યો અને ઈઝરાયેલ-પેલેસ્ટિનિયન તણાવ વચ્ચે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હમાસના લડવૈયાઓ ઘણા ઇઝરાયેલને બંધક બનાવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હમાસે પેલિસ્તીનીઓમાં પોતાની લોકપ્રિયતા વધારવા માટે ઇઝરાયેલ વિરુદ્ધ આવો મોરચો ખોલ્યો છે.
ભારતનું વલણ શું છે? - ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને યુદ્ધ ગણાવ્યું છે. જેના જવાબમાં ઇઝરાયેલ પણ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ઇઝરાયેલ પર આતંકવાદી હુમલો થયો છે અને આ મુશ્કેલ સમયમાં ભારત ઇઝરાયલની સાથે છે.












Click it and Unblock the Notifications
