ઈઝરાયેલના તેલ અવીવમાં આતંકી હુમલો, 2ના મોત, 8 ઘાયલ
તેલ અવીવઃ ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં ગુરુવારે રાતે થયેલા ગોળીબારમાં બે વ્યક્તિઓના મોત થઈ ગયા છે જ્યારે 8 લોકોને ગંભીર ઈજા થઈ છે. આ ગોળીબાર બાદ ઘાયલોને નજીકની ઈચિલોવ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જેમાં બે લોકોના મોત થઈ ગયા છે. પોલિસ પ્રવકતા એલી લેવીએ જણાવ્યુ કે આ ગોળીબાર આતંકી હુમલો છે કે જે ડાઈજેનગઑફ સ્ટ્રીટ પર ઘણી જગ્યાએ થયો છે. આ સ્ટ્રીટ ઘણી વ્યસ્ત રહે છે જ્યાં ઘણા કૈફે અને બાર છે. આ જ કારણ છે કે આટલી મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
વળી, આ હુમલા બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે કહ્યુ કે આ ઘણી પડકારરુપ રાત હતી. હું એ પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરુ છુ જેમના સ્વજનોએ પોતાના જીવ ગુમાવ્યા છે, હું ઘાયલોના જલ્દી ઠીક થવાની દુઆ કરુ છુ. સિક્યોરિટી ફૉર્સિસ આતંકીઓેને પકડવા માટે દરેક સંભવ રેડ પાડી રહી છે. આ આતંકી જ્યાં પણ છે, અમે તેમને પકડી લઈશુ. જે લોકોએ આ લોકોની મદદ કરી છે, તેમને પણ આની કિંમત ચૂકવવી પડશે. પોલિસના જણાવ્યા અનુસાર આતંકીની ધરપકડ માટે મોટાપાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.
આ આતંકી હુમલા પર અમેરિકાએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. વિદેશ મંત્રી એંટની બ્લિંકને કહ્યુ કે અમેરિકા એક વાર ફરીથી ઈઝરાયેલના લોકો સાથે છે. આ હુમલામાં બે લોકોના જીવ ગયા છે, ઘણા ઘાયલ થયા છે. અમે આ હુમલાને નજીકથી જોઈ રહ્યા છે. અમે ઈઝરાયેલની સરકારના સંપર્કમાં છીએ અને અમે તેમની સાથે આ મુશ્કેલીના સમયમાં સાથે ઉભા છીએ.