નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, પ્રત્યાર્પણ સામેની છેલ્લી અપીલ યુકેએ ફગાવી
નીરવ મોદીને ભારત લાવવા માટેનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. યુકેએ તેની પ્રત્યાર્પણ સામેની છેલ્લી અપીલ ફગાવી દીધી છે.
લંડનઃ પંજાબ નેશનલ બેંકમાંથી કરોડો રુપિયાની છેતરપિંડી કર્યા બાદ ભારતમાંથી ભાગી ગયેલ હીરા વેપારી નીરવ મોદીની બ્રિટનની કોર્ટમાં પ્રત્યાર્પણ માટેની અપીલ ફગાવી દેવામાં આવી છે. આ સાથે જ તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ગુરુવારે લંડન હાઈકોર્ટે નીરવ મોદીને સુપ્રીમ કોર્ટમાં અપીલની રાહત આપવાથી ઈનકાર કરી દીધો.

તમને જણાવી દઈએ કે નીરવ મોદીએ ગયા મહિને બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલ કરવાની પરવાનગી માટે હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી. જે ફગાવી દેવામાં આવી છે. આ પહેલા હાઈકોર્ટની બે જજની બેન્ચે નીરવ મોદીની અપીલ ફગાવી દીધી હતી. નીરવ મોદીએ ભારત પ્રત્યાર્પણ સામે અપીલ કરી હતી. પોતાની નબળી માનસિક સ્થિતિને ટાંકીને તેણે પોતાને ભારત ન મોકલવા વિનંતી કરી હતી.
51 વર્ષીય આરોપી નીરવ મોદી તરફથી દલીલ કરવામાં આવી છે કે જો તેને પ્રત્યાર્પણ કરવામાં આવશે તો આત્મહત્યાનુ જોખમ છે. જો કે, લંડન હાઈકોર્ટે સુનાવણી દરમિયાન માન્યુ કે નીરવ મોદીએ પોતાની અપીલમાં જે વાતોનો ઉલ્લેખ કર્યો છે તે બધી બિનજરુરી છે. કોર્ટે માન્યુ હતુ કે તેને ભારત મોકલવામાં તેના આત્મહત્યા કરવાનુ કોઈ જોખમ નથી. વળી, અદાલતે નીરવ મોદીના એ તર્કને પણ ફગાવી દીધો કે તેને ભારત મોકલવો અન્યાયપૂર્ણ હશે.
નોંધનીય છે કે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકના અધિકારીઓ સાથે મળીને 13,000 કરોડ રુપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. તે જાન્યુઆરી 2018માં જ દેશમાંથી ફરાર થઈ ગયો હતો. અત્યારે તે લંડનની જેલમાં બંધ છે. ભારત લાવવામાં આવ્યા બાદ તેને મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર-12માં રાખવામાં આવશે. નીરવ મોદી અત્યારે લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. તેના મામા મેહુલ ચોક્સી સાથે મળીને તેણે કૌભાંડ કર્યાનો આરોપ છે. મેહુલ ચોક્સી પર પણ છેતરપિંડી અને કૌભાંડનો આરોપ છે અને ભારતીય તપાસ એજન્સીઓ તેને પણ શોધી રહી છે.












Click it and Unblock the Notifications
