આજે ઈમરાન ખાન પાકિસ્તાનને કરશે સંબોધન, કેબિનેટ અને પાર્ટીની બેઠક પણ બોલાવી
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ શુક્રવારે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ચોંકી ગયેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ કે શુક્રવારે તેમની પાર્ટી પીટીઆઈ(PTI) સંસદીય સમિતિની બેઠક બોલાવવામાં આવશે અને તેઓ છેલ્લા બોલ સુધી પાકિસ્તાન માટે લડતા રહેશે. તેમણે કહ્યુ કે મે શુક્રવારે કેબિનેટ અને પાર્ટીની બેઠક બોલાવી છે. હું શુક્રવારે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરીશ. મારા દેશ માટે મારો સંદેશ છે કે હું હમેશા પાકિસ્તાન માટે છેલ્લા બોલ સુધી લડીશ.
ક્રિકેટરમાંથી નેતા બનેલા 69 વર્ષીય ઈમરાને એક ટ્વિટમાં આ દાવો કર્યો છે. અગાઉના દિવસે, સરકારી કાનૂની ટીમ સાથેની બેઠક દરમિયાન ઈમરાને કહ્યુ હતુ કે તે સર્વોચ્ચ અદાલત દ્વારા લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયને સ્વીકારવા માટે તૈયાર છે તેમ જીઓ ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યુ હતુ. પાકિસ્તાન સરકારમાં મંત્રી ફવાદ ચૌધરીએ મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે આપણે સ્વતંત્ર પાકિસ્તાન માટે ફરીથી લડવુ પડશે. વિપક્ષ પાકિસ્તાનને ગુલામી તરફ ધકેલવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. અમે તેમને સફળ થવા દઈશુ નહિ. તેમણે કહ્યુ કે તે દૂર્ભાગ્યપૂર્ણ છે કે કોર્ટનો નિર્ણય દેશને વધુ રાજકીય ઉથલપાથલ તરફ ધકેલી રહ્યો છે કારણકે દેશમાં વહેલી ચૂંટણીથી સ્થિરતાની સ્થિતિ સર્જાઈ શકે છે.
પાકિસ્તાનમાં વિપક્ષે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક આદેશનુ સ્વાગત કર્યુ છે પરંતુ સરકારના પ્રતિનિધિઓ તેનાથી ખુશ નથી અને આ નિર્ણયને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે એમ પણ કહ્યુ છે કે નિર્ણયે દેશને રાજકીય ઉથલપાથલ તરફ ધકેલી દીધો છે. કોર્ટે ચૂકાદો સંભળાવ્યા બાદ પાકિસ્તાનના માહિતી અને કાયદા મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યુ હતુ કે સરકારમાં ફેરફાર પાકિસ્તાનને 23 માર્ચ, 1940થી સંઘર્ષ શરુ કરવા માટે મજબૂર કરશે. પોતાના નિવેદનમાં ફવાદે દેશમાં વિપક્ષના શાસન દરમિયાનની તસવીર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં ઈમરાન ખાન વિરુદ્ધ ચુકાદો આવ્યો હતો. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે ડેપ્યુટી સ્પીકરના નિર્ણયો અને સંસદ ભંગવાળા આદેશને ગેરબંધારણીય ગણાવ્યો છે. સાથે જ 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરવાનો ચુકાદો આપ્યો. ચુકાદો આવ્યા બાદથી રાજધાની ઈસ્લામાબાદમાં સુરક્ષા વધારવામાં આવી છે. ઈમરાન ખાન અને તેમની પાર્ટીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સ્વાગત કરીને કહ્યુ તે તે નેશનલ અસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે તૈયાર છે. વિપક્ષ 9 તારીખે સંસદમાં બહુમત સિદ્ધ કરશે.