For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા-યુક્રેન સંઘર્ષ : 219 ભારતીયોને સ્વદેશ લવાયા, અત્યાર સુધી શું-શું થયું?

રશિયા-યુક્રેન સંઘર્ષ : 219 ભારતીયોને સ્વદેશ લવાયા, અત્યાર સુધી શું-શું થયું?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

રશિયાએ યુક્રેન પર ગુરુવારથી શરૂ કરેલા હુમલા સતત ત્રીજા દિવસે શનિવારે પણ અવિરત ચાલુ રહ્યા હતા.

શનિવારે રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ પાટનગર કિએવની અંદર અને આસપાસનાં ઘણાં શહેરો અને વિસ્તારોમાં ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

શનિવારે રશિયા અને યુક્રેન વચ્ચેનું સંઘર્ષ પાટનગર કિએવની અંદર અને આસપાસનાં ઘણાં શહેરો અને વિસ્તારોમાં ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે
Click here to see the BBC interactive

આ સમગ્ર ઘટના અંગે એક તરફ પશ્ચિમના ઘણા દેશો રશિયા પર પ્રતિબંધોનો મારો ચલાવી રહ્યા છે તો બીજી તરફ રશિયા સમગ્ર મામલાથી બેફિકર યુક્રેનમાં વધુ ઊંડે પોતાનું સૈન્યઅભિયાન લઈ જવા માટે મક્કમ હોય તેવું દેખાઈ રહ્યું છે.

શનિવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ સાથે વાત કરી હતી, જેની જાણકારી ખુદ રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ આપી હતી.

આ સિવાય યુક્રેનના સૈન્ય દ્વારા રશિયન સૈન્યનું એક સૈનિકો લઈ જઈ રહેલું વિમાન તોડી પડાયું હોવાનો દાવો પણ કરાયો હતો.

તેમજ યુક્રેન પર રશિયાના હુમલાની ઘણી તસવીરો સામે આવી હતી. આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન શું શું બન્યું તે જાણવા માટે વાંચો સમગ્ર અહેવાલ.


યુક્રેન સંકટ : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન હુમલા પર નિંદાપ્રસ્તાવ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન સંદર્ભે મૂકવામાં આવેલા પ્રસ્તાવને રશિયાએ વીટોનો ઉપયોગ કરીને રોકી દીધો છે.

યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા કરતા આ પ્રસ્તાવના પક્ષમાં 11 સભ્યોએ વોટ આપ્યો, પરંતુ રશિયાએ વીટોનો ઉપયોગ કરીને પ્રસ્તાવને રોકી દીધો છે.

પ્રસ્તાવના પક્ષે 11 સભ્યોએ વોટ આપ્યો, જોકે ભારત, ચીન અને UAEએ વોટિંગમાં ભાગ ન લીધો.

https://twitter.com/ZelenskyyUa/status/1497350064469073927

યુએનમાં રશિયાના રાજદૂતે કહ્યું કે રશિયા યુક્રેન અથવા તો યુક્રેનના નાગરિકો વિરુદ્ધ યુદ્ધ નથી છેડી રહ્યું. તેઓ માત્ર ડોનબાસના લોકોને બચાવવા માટે આ પગલાં લઈ રહ્યાં છે.

સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી એક રશિયા છે. જેથી તેમની પાસે વીટો છે. રશિયા સિવાય અમેરિકા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન પાસે પણ વીટો છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન પર હુમલાનો મુદ્દો ઉઠાવવા માટે સભ્ય દેશોનો આભાર વ્યક્ત કર્યો હતો.

રશિયાએ કરેલા વીટોના ઉપયોગ અંગે તેમણે લખ્યું કે, આ સુરક્ષા પરિષદમાં રશિયાના નામ પર લોહીના ડાઘ સમાન છે.


યુક્રેનનું પાટનગર કિએવ ધડાકાઓથી ધૂજ્યું

યુક્રેનની રાજધાની કિએવ સહિત સમગ્ર યુક્રેનમાં અનેક વિસ્ફોટો થયાના અહેવાલ છે

યુક્રેનની રાજધાની કિએવ સહિત સમગ્ર યુક્રેનમાં અનેક વિસ્ફોટો થયાના અહેવાલ છે.

રાજધાનીમાં એક મોટો વિસ્ફોટ થયો અને એ બાદ સંખ્યાબંધ વિસ્ફોટ થયા છે.

યુક્રેનના સમાચારપત્ર કિએવ ઇન્ડિપૅન્ડન્ટ અનુસાર, કિએવના સિટી ઝૂ અને શુલિઆવ્કા વિસ્તારમાં 50થી વધુ વિસ્ફોટ થયા અને ગોળીબાર થયો છે.

ફૉક્સ ન્યૂઝના સંવાદદાતા ટ્રેય યિંગ્સ્ટના જણાવ્યા પ્રમાણે, રાજધાની કિએવ પર જુદી-જુદી દિશાઓમાંથી હુમલો કરાઈ રહ્યો છે.

યુક્રેનિયન સ્ટેટ સ્પેશિયલ સર્વિસ અનુસારત્રોઇશ્ચેના જિલ્લામાં આવેલા સીએચપી-6 પાવરસ્ટેશન પાસે બંને દેશની સેનાઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

અહીં હુમલો કરવા પાછળ 'શહેરનો વીજ પુરવઠો ઠપ' કરવાનો હેતુ હોવાનું તેમણે જણાવ્યું હતું.

યુક્રેન-રશિયા સંઘર્ષમાં અમેરિકા સૈનિકો કેમ નથી મોકલી રહ્યું?


પાટનગર કિએવમાં જંગ

રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ

યુક્રેનની સમાચાર સંસ્થા ઇન્ટરફેસે કિએવના તંત્રને ટાંકીને જણાવ્યું છે કે, અહીં ગલીઓમાં જંગ છેડાઈ ચૂક્યો છે.

યુક્રેનની રાજધાની કિએવમાં પ્રશાસને કહ્યું કે, "અમારા મુખ્ય શહેરની ગલીઓમાં હાલ જંગ શરૂ થઈ ગયો છે."

પ્રશાસને નાગરિકોને ચેતવણી આપી છે કે ઘરમાં જ રહે અને બારી તેમજ બાલ્કનીથી દૂર રહે.


યુક્રેનનો દાવ, અત્યાર સુધી 3,500 રશિયન સૈનિકોનાં મૃત્યુ

યુક્રેનની સેનાએ એક ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે, ત્રણ દિવસથી ચાલી રહેલી અથડામણમાં 3,500 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 200 સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા છે

યુક્રેનની સેનાએ એક ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે, ત્રણ દિવસથી ચાલી રહેલી અથડામણમાં 3,500 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 200 સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, રશિયા દ્વારા શરૂ કરાયેલી આ લડાઈમાં અત્યાર સુધી તેમણે 14 ઍરક્રાફ્ટ, 8 હેલિકૉપ્ટર અને 102 ટૅન્ક ગુમાવ્યાં છે.

જોકે, બીબીસી સ્વતંત્ર રીતે આ દાવાની પુષ્ટિ કરતું નથી. રશિયાએ અત્યાર સુધી નુકસાન અંગે કોઈ જાણકારી આપી નથી.


રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીનો યુક્રેન છોડવાનો ઇન્કાર, 'સામનો કરીશું, પીઠ નહીં દેખાડીએ'

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીને યુક્રેનમાંથીબહાર કાઢવાની ઑફર યુએસએ આપી હતી

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીને યુક્રેનમાંથીબહાર કાઢવાની ઑફર યુએસએ આપી હતી, ઝૅલેન્સ્કીએ આ ઑફર ફગાવી દીધી છે. અમેરિકી મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

સમાચાર સંસ્થા એપી એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીને ટાંકીને જણાવે છે કે રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું, "લડાઈ અહીં છે. મારે શસ્ત્રોની જરૂર છે, સવારીની નહીં."

અમેરિકાના અખબાર વૉશિંગ્ટન પોસ્ટે અમેરિકા અને યુક્રેનના અધિકારીઓને ટાંકીને કહ્યું કે અમેરિકાની સરકાર રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીની મદદ કરવા તૈયાર છે.

રશિયાના હુમલા પર રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીની પ્રતિક્રિયાનાં સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યાં છે.

ભાષણમાં તેમણે રશિયા સાથે લડતા રહેવાના શપથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, "તમે હુમલો કરશો, અમે સામનો કરીશું, પીઠ નહીં દેખાડીએ."

તેમણે શુક્રવારે એક વીડિયો પણ પોસ્ટ કર્યો, જેમાં ઝૅલેન્સ્કી રાજધાનીમાં તેમના સાથીદારો સાથે જોવા મળે છે. તેમણે યુક્રેન છોડવાના સમાચારને ફગાવી દીધા હતા.


યુક્રેનનું મેલિતોપોલ શહેર કબજે કર્યું હોવાનો રશિયાનો દાવો

રશિયન સૈનિકોએ યુક્રેનના દક્ષિણ ભાગમાં આવેલા મેલિતોપોલ શહેર પર કબજો કરી લીધો છે

રશિયન સૈનિકોએ યુક્રેનના દક્ષિણ ભાગમાં આવેલા મેલિતોપોલ શહેર પર કબજો કરી લીધો છે.

રશિયન સમાચાર એજન્સી ઇન્ટરફૅક્સ અને સ્પુતનિકે દેશના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને આ સમાચાર આપ્યા છે.

દક્ષિણ યુક્રેનના પ્રાંત ઝપોરિજ્યા સ્થિત મેલિતોપોલ શહેર યુક્રેનના એક મહત્ત્વપૂર્ણ બંદર મારિઉપોલથી નજીક છે.

સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર, યુક્રેનની રાજધાની કિએવના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલી એક રહેણાક ઇમારત પર મિસાઇલ ત્રાટકી છે.

શનિવારે સવારના સમયે આ ઘટના ઘટી હોવાનું રૉયટર્સ જણાવે છે.

https://twitter.com/myroslavapetsa/status/1497460001618681862

સ્થાનિક તંત્રને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે બે મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાંથી એક આ બહુમાળી ઇમારત પર ત્રાટકી હતી.

જ્યારે અન્ય એક મિસાઇલ કિએવના ઍરપૉર્ટ પાસે પડી હતી.


કિએવના મેયરે કહ્યું, 'ડઝનબંધ લોકો ઘાયલ'

યુક્રેનની રાજધાની કિએવના મેયરે કહ્યું કે કાલે રાત દરમિયાન શહેરમાં થયેલી લડાઈમાં 35 લોકો ઘાયલ થયા છે

યુક્રેનની રાજધાની કિએવના મેયરે કહ્યું કે કાલે રાત દરમિયાન શહેરમાં થયેલી લડાઈમાં 35 લોકો ઘાયલ થયા છે.

મેયર વિતાલી ક્લિત્શ્કોએ કહ્યું કે આ ઘાયલ લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે મેયર જે ઘાયલ લોકોની વાત કરી રહ્યા છે, તે તમામ સામાન્ય નાગરિકો હતા કે પછી સૈનિકો.

મેયરે કહ્યું કે શહેરમાં અત્યારે રશિયન સેના મોટી સંખ્યામાં હાજર નથી, પરંતુ તોડફોડ કરનારાં રશિયન જૂથો સક્રિય છે.


યુકેના મંત્રીએ કહ્યું, યુક્રેનને વધારે હથિયારો મોકલાવાશે

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી

યુકેના મંત્રી જેમ્સ હિપ્પેએ કહ્યું કે યુકે અને 25 અન્ય દેશોએ યુક્રેનને માનવતાવાદી અને લડાયક સહાય પૂરી પાડવામાં સહમતિ દર્શાવી છે.

તેમણે બીબીસી રેડિયો ફોરના ટુડે પ્રોગ્રામમાં કહ્યું કે, યુકે હવે અન્ય રાષ્ટ્રો સાથે ભેગા મળીને યુક્રેનિયનો સુધી હથિયારો પહોંચાડવા પર કામ કરશે.

જોકે, આ અંગે તેમણે વધુ માહિતી આપી ન હતી.

તેમણે વધુમાં કહ્યું કે તેઓ રશિયાને સ્વિફ્ટ ઇન્ટરનેશનલ બૅન્ક ટ્રાન્સફર સિસ્ટમમાંથી કાઢવા માટે અન્ય દેશોને મનાવવા રાજદ્વારી પ્રયાસો આગળ વધારશે.


રશિયાએ પ્રતિબંધો અંગે કહ્યું - પશ્ચિમ સાથે રાજદ્વારી સંબંધ નથી જોઈતા

દમિત્રી મેદવદેવ અને વ્લાદિમીર પુતિન

રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મેદવદેવે કહ્યું છે કે તેમના દેશને પશ્ચિમના દેશો સાથે રાજદ્વારી સંબંધ જાળવી રાખવાની કોઈ જરૂર નથી.

મેદવેદેવની આ પ્રતિક્રિયા પશ્ચિમ તરફથી રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો બાદ આવી છે.

વર્ષ 2020માં મેદવદેવને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાનપદેથી બરખાસ્ત કરી દીધા હતા.

તેઓ હાલ રશિયાની સુરક્ષાપરિષદના ઉપાધ્યક્ષ છે. મેદવદેવ હુમલા વચ્ચે રશિયન સોશિયલ મીડિયા નેટવર્ક વીકે પર એક પોસ્ટમાં લખ્યું છે કે હવે "હવે દૂતાવાસોને બંધ કરવાનો" સમય આવી ગયો છે.

તેમણે લખ્યું કે રશિયા યુક્રેન પર એ સમય સુધી હુમલો કરવાનું જારી રાખશે જ્યાં સુધી તેઓ વ્લાદિમીર પુતિનનું લક્ષ્ય હાંસલ નથી કરી લેતા.

જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે પુતિન શું હાંસલ કરવા માગે છે. મેદવદેવે સાથે જ પોતાની પોસ્ટમાં રશિયામાં મૃત્યુદંડની સજા બહાલ કરવાની પણ વકીલાત કરી.


યુક્રેનના પાટનગર કિએવમાં બૉમ્બમારા વચ્ચે શેલ્ટરમાં જન્મી બાળકી મીઆ, તસવીર થઈ વાઇરલ

https://twitter.com/HopkoHanna/status/1497277039686131717

યુક્રેનના પાટનગર કિએવ પર રશિયાનો જોરદાર હુમલો ચાલુ છે, તે દરમિયાન યુક્રેનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જેમાં એક મહિલા યુઝરે કિએવમાં જન્મેલ બાળકી મીઆ વિશે લખ્યું છે.

તેમણે લખ્યું છે કે, "એક તરફ કિએવ પર બૉમ્બમારાની તણાવપૂર્ણ સ્થિતિ છે તો બીજી બાજુ શેલ્ટરમાં મીઆનો જન્મ થયો છે. તેનાં માતા આ પડકારજનક પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ખુશ છે. જ્યારે એક તરફ પુતિન યુક્રેનવાસીઓની હત્યા કરી રહ્યા છે, તેવા સમયે અમે રશિયા અને બેલારુસનાં માતાઓને યુક્રેન પર રશિયાના આક્રમણનો વિરોધ કરવા આગ્રહ કરીએ છીએ. અમે જીવન અને માનવતાને બચાવીએ છીએ!"


મને પકડવાનો રશિયાનો પ્લાન નિષ્ફળ, યુક્રેનના રાષ્ટ્રપતિ નવા વીડિયોમાં બોલ્યા

https://www.youtube.com/watch?v=2tRqIE-yXNg

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ શનિવારે ફરી એક વખત વીડિયો સંદેશ જારી કર્યો છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે તેમના સૈન્યે રશિયાની એ યોજનાને નિષ્ફળ બનાવી દીધી જેમાં ગત રાત્રિ દરમિયાને તેમને પૈકીને તેમના સ્થાને પોતાના કોઈ નેતાને બેસાડવા માગતા હતા.

ઝૅલેન્સ્કીએ આ સંદેશમાં કહ્યું, "અમે તેમનો પ્લાન નિષ્ફળ કરી દીધો." તેમણે કહ્યું કે યુક્રેનની સેનાઓનું પાટનગર કિએવ અને તેની આસપાસનાં મુખ્ય શહેરો પર સંપૂર્ણ નિયંત્રણ છે અને યુક્રેનના દરેક શહેરમાં રશિયન સૈનિકોને કઠોર ટક્કર મળી રહી છે.

તેમણે સાથે જ રશિયાની જનતાને આગ્રહ કર્યો કે તેઓ પોતાના રાષ્ટ્રપતિ પર હુમલા બંધ કરવા માટે દબાણ કરે.

તેમણે પોતાના ભાષણના અમુક અંશો રશિયન ભાષામાં કહ્યા, "હજારો પીડિતો, સેંકડો બંદીઓને સમજ નથી પડી રહી કે તેમને યુક્રેન કેમ મોકલવામાં આવ્યા છે. તેમને અહીં મરવા અને બીજાને મારવા મોકલી દીધા."

"તમે જેટલી જલદી તમારી સરકારોને કહેશો કે આ લડાઈ તરત બંધ કરો, તમારા એટલા જ લોકો જીવતા બચશે."

ઝૅલેન્સ્કીએ આ પહેલાં કિએવના માર્ગો પર ચાલતાં ટ્વિટર પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે એ વાતને ખોટી સાબિત કરી કે તેમણે પોતાની સેનાને રશિયા સામે આત્મસમર્પણ કરવાના આદેશ આપ્યા છે.

તેમણે એ વીડિયોમાં કહ્યું કે - "હું અહીં જ છું. અમે હથિયાર હેઠાં નહીં મૂકીએ. અમે અમારા દેશનું રક્ષણ કરીશું."


યુક્રેને રશિયન સૈનિકોને લઈ જતાં વિમાનને તોડી પાડ્યાનો દાવો કર્યો

https://twitter.com/airindiain/status/1497585955280080896

યુક્રેનના સંરક્ષણમંત્રીએ દાવો કર્યો છે કે ત્યાંની સેનાએ કિએવ પાસે રશિયન સૈનિકોને લઈ જઈ રહેલા એક વિમાન પર હુમલો કરી ધ્વસ્ત કરી દીધું છે. જેમાં ભારે સંખ્યામાં પેરાટ્રૂપર્સ માર્યા ગયા છે.

જોકે બીબીસી હાલ સ્વતંત્રપણે આ દાવાની પુષ્ટિ નથી કરી. સાથે જ રશિયાના સંરક્ષણમંત્રાલયમાંથી પણ કોઈ ટિપ્પ્ણી નથી આવી.

યુક્રેનના સંરક્ષણમંત્રાલયે ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે યુક્રેનના Su -27 ફાઇટર જેટે રશિયાની સેનાના IL-76 MD વિમાનનો રસ્તો રોક્યો અને તેને ધ્વસ્ત કરી દીધું.

મંત્રાલય પ્રમાણે વિમાનને સ્થાનિક સમયાનુસાર રાત્રિના સાડા બાર વાગ્યે ધ્વસ્ત કરી દીધું હતું, જણાવાયું રશિયાનું આ વિમાન કિએવના ક્ષેત્રમાં પેરાટ્રૂપર્સને ઉતારવાની કોશિશ કરી રહ્યું હતું.

વિમાનની નિર્માતા કંપની પ્રમાણે તોડી પડાયેલા IL-76MD વિમાનચાલકદળના છ-સાત સભ્યો સાથે 167 સૈનિકો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

યુક્રેનની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ વેલેરી જાલુઝિનીએ ફેસુબક પર લખ્યું કે આ 2014ના લુહાન્સ્કનો બદલો છે. તે આઠ વર્ષ પહેલાં 40 પેરાટ્રૂપર્સને લઈ જઈ રહેલા એક યુક્રેનના વિમાનને તોડી પડાયાના બનાવનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

આ દરમિયાન રશિયાની સેનાના પ્રવક્તા મેજર જનરલ ઇગોર કોનાશેનકોવે શનિવારે કહ્યું કે યુક્રેન પર આક્રમણ દરમિયાન રશિયાની કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ નથી.


યુક્રેનથી હંગરીના રસ્તે 219 ભારતીય મુસાફરોને લઈને ઍર ઇન્ડિયાનું વિમાન મુંબઈ પહોંચ્યું

https://twitter.com/airindiain/status/1497585955280080896

રશિયા દ્વારા યુક્રેનમાં આક્રમણ દરમિયાન ત્યાં ફસાયેલા ભારતીયોનું એક દળ શનિવારે સાંજે સુરક્ષિત મુંબઈ પહોંચ્યું.

ઍર ઇન્ડિયાનું વિમાન AI 1944 તેમને લઈને સાંજે 7.50 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજા આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર પહોંચ્યું.

વિમાન મુંબઈ પહોંચ્યું તે સાથે જ તેમાં સવાર થયેલા મુસાફરોએ તાળીઓ પાડીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.


કિએવમાં નવો કર્ફ્યૂ, મેયર બોલ્યા - બહાર નીકળનારને માનીશું દુશ્મનના સાથીદાર

આ પહેલાં કિએવમાં રાત્રિના દસ વાગ્યાથી માંડીને સાંજના સાત વાગ્યા સુધીનો કર્ફ્યૂ હતો

યુક્રેનના પાટનગર કિએવમાં સ્થાનિક સમયાનુસાર સાંજના પાચ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી નવો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

આ પહેલાં કિએવમાં રાત્રિના દસ વાગ્યાથી માંડીને સાંજના સાત વાગ્યા સુધીનો કર્ફ્યૂ હતો.

કિએવના મેયર વિતાલી ક્લિટ્શ્કોએ ટ્વિટરમાં નવા કર્ફ્યૂનું એલાન કરતા ચેતવણી ઉચ્ચારતાં લખ્યું કે - "કર્ફ્યૂ દરમિયાન રસ્તા પર નજરે પડનાર કોઈ પણ શહેરીને દુશ્મનના તોડફોડ કરનારા સમૂહના સભ્ય માનવામાં આવશે."

શનિવારે કિએવના ઘણા વિસ્તારોમાં બૉમ્બબ્લાસ્ટ થવાના સમાચાર આવ્યા હતા.

કિએવમાં બે મિસાઇલ હુમલા થવાના પણ સમાચાર આવ્યા હતા જેમાં એક મિસાઇલ એક એપાર્ટમેન્ટર સાથે ટકરાઈ.

જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝૅલેન્સ્કીએ થોડી વાર પહેલાં એક વીડિયો સંદેશમાં કહ્યું કે યુક્રેનની સેનાઓનું કિએવ અને તેની આસપાસનાં મુખ્ય શહેરો પર સંપૂર્ણ નિયંત્રણ છે.

ફૂટર


https://www.youtube.com/watch?v=Jp79w2Jt12E&t=6s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Russia-Ukraine conflict: 219 Indians repatriated, what has happened so far?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X