G-20 સમિટ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત નહીં આવે, જાણો કેમ?
સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીમાં યોજાવા જઈ રહેલા G20 સમિટને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ભારતનો પ્રવાસ નહીં કરે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા મહિને ભારતની રાજધાની નવી દિલ્હીમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લેવા નહીં આવે. આ વાતની પુષ્ટિ કરતા રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જણાવ્યુ કે, પુતિનની ભારતમાં જી20 કાર્યક્રમમાં ભાગ લેવાની કોઈ યોજના નથી.

ક્રેમલિનના પ્રવક્તા, દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ પુતિન સપ્ટેમ્બરમાં યોજાનારી G20 સમિટ માટે ભારતની મુલાકાતનું આયોજન કરી નથી રહ્યા. તેમનું ધ્યાન વિશેષ લશ્કરી કાર્યવાહી પર છે.
ક્રેમલિનની આ જાહેરાત એવા સમયે આવી જ્યારે રાષ્ટ્રપતિ વિરુદ્ધ વિદ્રોહ કરનાર વેગનર આર્મી ચીફ યેવજેની પ્રિગોગીનનું વિમાન દુર્ઘટનામાં રહસ્યમય મોત થયું છે. જણાવી દઈએ કે, અગાઉ, પુતિને ધરપકડની ધમકી વચ્ચે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટમાં પણ હાજરી નહોતી આપી.
અહીં એ જાણવુ જરૂરી છે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિન પર યુક્રેનમાં યુદ્ધ અપરાધોનો આરોપ લગાવતા ધરપકડ વોરંટ જારી કર્યું છે. જો કે બીજી તરફ ક્રેમલિને આ આરોપોને ફગાવ્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લી વખત પુતિને 2019માં ઓસાકામાં જી20 સમિટમાં હાજરી આપી હતી. ગયા બુધવારે પુતિને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા દક્ષિણ આફ્રિકામાં BRICS નેતાઓની બેઠકમાં હાજરી આપી હતી.
આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં G20 સમિટ યોજાવા જઈ રહ્યું છે. તેની તૈયારીઓ લાંબા સમયથી જોરશોરથી ચાલી રહી છે. કોન્ફરન્સના સંદર્ભમાં ભારતે તમામ G20 સભ્ય દેશો, આમંત્રિતો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના નેતાઓને આમંત્રણ મોકલ્યા છે.












Click it and Unblock the Notifications
