હાર્ટ ઇમોજી મોકલ્યું થશે જેલ, આ દેશે જાહેર કર્યું ફરમાન
સોશિયલ મીડિયાના યુગમાં, લોકો પ્રેમ, નારાજગી, ઉદાસી વગેરે જેવી લાગણીઓ વ્યક્ત કરવા માટે ઇમોજીનો ઉપયોગ કરે છે, પરંતુ હવે કેટલાક દેશોમાં પ્રેમ અથવા લાગણી દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતા હાર્ટ ઇમોજી મોકલવાથી તમને જેલના સળિયા પાછળ મોકલી શકાય છે. આ દેશોએ હાર્ટ ઇમોજી પર પ્રતિબંધ મૂક્યો છે.
ખાડીના બે ઈસ્લામિક દેશો કુવૈત અને સાઉદી અરેબિયામાં હવે યુવતીને હાર્ટ ઈમોજી મોકલવી મોંઘી પડી શકે છે. હવે આવું કરવું અપરાધની શ્રેણીમાં આવી શકે છે, અને તેના માટે ભારે દંડ ભરવો પડી શકે છે, અથવા તો જેલ પણ જવું પડી શકે છે.

કુવૈતી અધિકારીના જણાવ્યા અનુસાર, છોકરીને અથવા કોઈપણ સોશિયલ મીડિયા વેબસાઈટ અથવા વોટ્સએપ પર હાર્ટ ઈમોજી મોકલવાને હવે અશ્લીલતા માટે ઉશ્કેરવાનો ગુનો ગણવામાં આવશે, જે કાયદા દ્વારા સજાપાત્ર છે. ગલ્ફ ન્યૂઝ દ્વારા આ અંગે અહેવાલ આપવામાં આવ્યો છે.
આ રિપોર્ટ અનુસાર, કુવૈતીના વકીલ હયા અલ શલાહીએ જણાવ્યું હતું કે, જે લોકો પર હાર્ટ ઇમોજી મોકલવાના ગુનાનો આરોપ મૂકવામાં આવશે, તેમને બે વર્ષની જેલ અને 2,000 કુવૈતી દિનાર સુધીનો દંડ થઈ શકે છે. ભારતીય રૂપિયામાં આ દંડ 38.5 લાખથી વધુ છે.
સાઉદી કાયદા અનુસાર આ કૃત્યમાં દોષિત ઠરે, તો તેને બેથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે, આ સાથે જ 100,000 સાઉદી રિયાલનો દંડ પણ થઈ શકે છે. ભારતીય રૂપિયામાં આ દંડ 22 લાખ રૂપિયાથી વધુ છે.
સાઉદી સાયબર ક્રાઈમ એક્સપર્ટનું કહેવું છે કે, વોટ્સએપ પર કોઈપણ યુવતીને રેડ હાર્ટ ઈમોજી મોકલવાને દેશના અધિકારક્ષેત્રમાં ઉત્પીડન ગણવામાં આવશે. સાઉદી એન્ટી-ફ્રોડ એસોસિએશનના સભ્ય અલ મોતાઝ કુતબીએ જણાવ્યું હતું કે, જો પીડિત પક્ષ દ્વારા દાવો દાખલ કરવામાં આવે તો ઓનલાઈન વાતચીત દરમિયાન અમુક છબીઓ અને અભિવ્યક્તિઓનો ઉપયોગ સતામણી ગુનામાં ફેરવાઈ શકે છે.
આ દરમિયાન જો કોઈ વ્યક્તિ ગુનાનું પુનરાવર્તન કરવાનું ચાલુ રાખે છે, તો તેને અથવા તેણીને પાંચ વર્ષની જેલની સજા સાથે 300,000 સાઉદી રિયાલ સુધીનો દંડ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
