Serbia Firing : સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં ફાયરીંગ, 8 બાળકો સહિત 9 લોકોના મોત
સર્બિયાની રાજધાની બેલગ્રેડથી ભયાનક સમાચાર સામે આવ્યા છે. સમાચારો અનુસાર, અહીં એક પ્રાથમિક શાળામાં એક સગીર દ્વારા ફાયરિંગ કરાતા 8 બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક ગાર્ડ પણ સામેલ છે.
અહેવાલો અનુસાર, સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં આ ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષના સગીરે પ્રાથમિક શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરતા સ્કૂલના ગાર્ડ અને આઠ બાળકોના મોત થયા છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર, આ ઘટનામાં 9 લોકોના મોત સિવાય અન્ય 6 બાળકો અને 1 શિક્ષકને ઈજા થઈ છે. હાલ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સગીર શૂટરે તેના પિતાની બંદૂકથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. શૂટર કિશોર પણ એ જ સ્કૂલનો વિદ્યાર્થી છે. પોલીસે જણાવ્યું કે, આરોપીની ઉંમર લગભગ 14 વર્ષની છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આગળ જણાવ્યું કે, સવારે લગભગ 8 વાગે અને 40 મિનિટે વ્લાદિસ્લાવ રિબનિકર પ્રાથમિક શાળામાં ગોળીબારની ઘટના બની છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શૂટરે પહેલા શિક્ષક પર ફાયરિંગ કર્યું અને પછી બાળકોને નિશાન બનાવ્યા.
અહીં તમને જણાવી દઈએ કે, સર્બિયામાં ગોળીબારની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણી આવી ઘટનાઓ બની ચુકી છે. 2013 માં સેન્ટ્રલ સર્બિયન વિલેજમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 13 લોકોના મોત થયા હતા.












Click it and Unblock the Notifications
