ટાઈટેનિકનો ભંગાર જોવા ગયેલી સબમરીન ગુમ, સબમરીનમાં ઉદ્યોગપતિ સહિત 5 લોકો સવાર હતા
હાલમાં જ ટાઈટેનિકના ભંગારમાંથી કરોડોની કિંમતની વસ્તુઓ મળી હોવાના સમાચાર આવ્યા હતા. જો કે આ ઘટનાના થોડા સમયમાં જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટાઈટેનિકનો ભંગાર જોવા ગયેલી એક સબમરીન 5 લોકો સાથે ગાયબ થઈ ગઈ છે.
અહેવાલો અનુસાર, ટાઈટેનિકના ભંગારને જોવા લોકોને લઈ જતી એક નાની સબમરીન સોમવારે ગાયબ થઈ છે. આ સબમરીન તેના ક્રૂ સાથે એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થઈ ગઈ છે.

સમાચાર અનુસાર, આ સબમરીન એક સમયે પાંચ લોકોને લઈ જઈ શકે છે અને ટાઇટેનિકના કાટમાળ સુધી પહોંચવામાં આઠ કલાકનો સમય લે છે. અહેવાલો અનુસાર, હવે સબમરીનને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
સબમરીન નિર્માતાએ એક નિવેદનમાં જણાવ્યું ક, ક્રૂને સુરક્ષિત રીતે પરત લાવવા માટે તમામ વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, 1912ની ટાઈટેનિક દુર્ઘટનાનો ભંગાર જોવા માટે એક સબમરીન સમુદ્રમાં 12,500 ફૂટ નીચે ગઈ હતી.
આ ટ્રીપ માટે 2 લાખ 50 હજાર યુએસ ડૉલર ખર્ચ કરીને કુલ 5 લોકો ગયા હતા. પરંતુ આ પાંચ લોકોને લઈ જતી સબમરીન કેનેડાથી દૂર એટલાન્ટિકમાં ગુમ થઈ ગઈ છે.
આ પાંચ લોકોમાં બ્રિટિશ અબજોપતિ અને એવિએશન કન્સલ્ટન્સી એક્શન એવિએશનના ચેરમેન હેમિશ હાર્ડિંગ પણ સામેલ છે. દુબઈમાં રહેતા હાર્ડિંગે આ ટ્રિપ પર જતા પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી.
આ પોસ્ટમાં તેમણે જણાવ્યુ હતું કે, મિશન સ્પેશિયાલિસ્ટ તરીકે ટાઇટેનિક જોવા જવાનો તેને ગર્વ છે. ન્યુફાઉન્ડલેન્ડમાં 40 વર્ષમાં સૌથી ખરાબ શિયાળાને કારણે આ મિશન પ્રથમ અને એકમાત્ર હોવાની સંભાવના છે. અમે 2023 માં ટાઈટેનિક માનવ મિશન માટે ડાઇવ કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ.
આ સબમરીનમાં હાર્ડિંગ ઉપરાંત પ્રિન્સ દાઉદ અને તેના પુત્ર સુલેમાન પણ સવાર હતા. તેના પરિવારે પુષ્ટિ કરી છે કે બન્ને ગુમ છે. પ્રિન્સ દાઉદ એગ્રો કોર્પોરેશનના વાઇસ-ચેરમેન છે, જે ખાતર, વાહન ઉત્પાદન, ઉર્જા અને ડિજિટલ એન્જિનિયરિંગમાં રોકાણ સાથે પાકિસ્તાનના સૌથી મોટા સમૂહમાંથી એક છે. આ ઉપરાંત તેઓ કેલિફોર્નિયા સ્થિત એક સંશોધન સંસ્થાના ટ્રસ્ટી પણ છે. તે પરિવાર સાથે બ્રિટનમાં રહે છે.
આ સબમરીનમાં 77 વર્ષીય ફ્રેન્ચ સંશોધક પોલ-હેનરી નાર્ગોલેટ પણ એક છે. તે એક કંપનીના ડિરેક્ટર છે જે પાણીમાં રિસર્ચ કરે છે. આ એ જ કંપની છે જેની પાસે ટાઇટેનિકના કાટમાળના અધિકારો છે. પોલ હેનરી નાર્ગોલેટ ફ્રેન્ચ નેવીમાં ભૂતપૂર્વ કમાન્ડર હતા. તેણે ડાઇવર અને માઇનસ્વીપર બંને તરીકે કામ કર્યું છે. નૌકાદળમાંથી નિવૃત્ત થયા પછી તેણે 1987માં ટાઇટેનિકની શોધખોળ શરૂ કરી અને સૌથી પહેલા ભંગાર સુધી પહોચ્યા.
આ સિવાય સબમરીનમાં સવાર અન્ય એક વ્યક્તિ સ્ટોકટન રશ છે. તે પાણીના જહાજોની યુએસ સ્થિત ઓપરેટિંગ કંપની ઓસએનગેટના સ્થાપક અને સીઈઓ છે.
અહીં તમને જણાવી દઈએ કે, સબમરીનમાં ચાર દિવસ સુધી ઓક્સિજનની સપ્લાય ચાલે છે. તેમાં સામાન્ય રીતે પાઇલટ, ત્રણ ગેસ્ટ અને એક એક્સપર્ટ હોય છે. 1912 માં તેની પ્રથમ સફર દરમિયાન ટાઇટેનિક આઇસબર્ગ સાથે અથડાયા પછી એટલાન્ટિક મહાસાગરમાં ડૂબ્યુ હતું અને 1500 લોકો મૃત્યુ પામ્યા હતા. 1985 માં ટાઈટેનિકનો ભંગાર મળી આવ્યો હતો.












Click it and Unblock the Notifications
