સુનિતા વિલિયમ્સ્ 127 દિવસના અવકાશ સફર બાદ પૃથ્વી પર પાછા ફર્યાં

સુનિતા વિલિયમ્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વિતાલેવા 127 દિવસમાં મુખ્યત્વે અંતરિક્ષ સ્ટેશનમાં આવેલી ખામીઓને દૂર કરવાનું કાર્ય કર્યું હતું. સુનિતા વિલિય્મ્સ આ વર્ષે 15 જુલાઇના રોજ પોતાના બે મિત્રો રુસના યૂરી મલેનચેન્કો અને જાપાનના અકિહિકો હોશિદે સાથે અંતરિક્ષમાં ગયા હતા.
પૃથ્વી પર પાછા ફરવાની સાથે તેમણે અંતરિક્ષમાં સૌથી વધારે સમય રહેલાનો વ્યક્તિગત વિક્રમ પણ બનાવ્યો છે. તેમનું અંતરિક્ષ યાન ભારતીય સમય અનુસાર સવારે 7.32 મિનિટે કઝાકિસ્તાનના અર્કાલ્યક સ્ટેશન પર ઉતર્યું હતું. આ અંતરિક્ષ યાત્રામાં માનવ જીવન પર પડનારા પ્રભાવનો અભ્યાસ કરવા માટે સુનિતા પોતાની સાથે માછલી અને દેડકાં પણ લઇ ગઇ હતી.
આ યાત્રામાં સુનિતા વિલિયમ્સે ત્રણ વાર સ્પેસ વૉક કર્યું હતું. સ્પેસ વૉકને અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે. તેમણે સ્પેસ વૉક કરીને અંતરિક્ષ સ્ટેશનમાં આવેલી તકનીકી ખામીઓને દૂર કરી હતી. સુનિતાએ સૌથી વધારે 322 દિવસ અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ તેઓ વર્ષ 2006માં 195 દિવસ અંતરિક્ષમાં રહ્યા હતા.
સુનિતાના અંતરિક્ષથી પાછા ફર્યા બાદ મિશન એક્સપેડિશન 33 પૂરું થયું છે પણ આ સાથે મિશન એક્સપેડિશન 34 શરૂ થઇ ગયું છે. આ મિશનની શરૂઆત અંતરિક્ષ યાન સોયૂઝ 3ના 23 ઑક્ટોબર, 2012ના રોજ અંતરિક્ષમાં જવા સાથે શરૂ થઇ હતી.
સુનિતાના મિત્રો અને પરિવારજનો તેમના પૃથ્વી પર પાછા ફરવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. પાછા ફર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે અંતરિક્ષ એક એવી જગ્યા છે જ્યાંથી કોઇ પાછા ફરવા ઇચ્છતું નથી. તેમના સફળ રીતે પાછા ફરવાથી નાસાનું મિશન પણ સફળ બન્યું છે.












Click it and Unblock the Notifications
