તુર્કી-સીરિયામાં ભૂકંપમાં મરનારનો આંકડો 43,000ને પાર, 11માં દિવસે કાટમાળથી જીવતા નીકળ્યા લોકો
તુર્કી અને સીરિયા, બંને જગ્યાએ મળીને ભૂકંપના મરનારનો કુલ આંકડો 43,360 થઈ ગયો છે. અલજજીરાના રિપોર્ટ મુજબ મોતની સંખ્યા હજુ પણ વધી શકે છે.
Turkey-Syria Earthquake: તુર્કીમાં હાલમાં જ આવેલ 7.8ની તીવ્રતાનો ભૂકંપ ઈતિહાસની સૌથી ઘાતક કુદરતી આફત સાબિત થયો. તુર્કીના ગૃહમંત્રીએ આપેલ અપડેટ મુજબ તુર્કીમાં મૃતકોની સંખ્યા 39,672 થઈ ચૂકી છે. ત્યારબાદ તુર્કી અને સીરિયા, બંને જગ્યાએ મળીને ભૂકંપના મરનારનો કુલ આંકડો 43,360 થઈ ગયો છે. આ ભૂકંપના કારણે દેશમાં ભારે વિનાશ થયો છે, અબજો ડૉલરનુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયુ છે. અલજજીરાના રિપોર્ટ મુજબ મોતની સંખ્યા હજુ પણ વધી શકે છે.

હજુ પણ જીવતા મળી રહ્યા છે લોકો
તુર્કીમાં આવેલા ભૂકંપને આજે 11મો દિવસ છે અને સર્ચ ઑપરેશન હજુ પણ ચાલુ છે. વિશ્વના ઘણા દેશોની બચાવ ટીમ તુર્કીમાં રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. અલ જજીરાના રિપોર્ટ મુજબ શક્તિશાળી ભૂકંપના 11 દિવસ પછી, સૌથી વધુ અસરગ્રસ્ત ડેફને જિલ્લામાં એક ઇમારતમાંથી બચાવકર્તાઓએ એક વ્યક્તિને જીવતો બહાર કાઢ્યો છે, જે ઈમારતના કાટમાળમાં ફસાયેલો હતો. તુર્કીની સત્તાવાર અનાદોલુ સમાચાર એજન્સી મુજબ ભૂકંપ બાદ છેલ્લા 278 કલાકથી કાટમાળમાં ફસાયેલા 45 વર્ષીય હકાન યાસિનોગ્લુને હવે જીવતો બહાર કાઢવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયાના ટીવી ફૂટેજમાં તેને સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો.

રાહત અને બચાવ કાર્ય ચાલુ
તુર્કીના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં દિવસ-રાત રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. સર્ચ ટીમને ભૂકંપના કાટમાળમાંથી એક મહિલા અને બે પુરૂષો પણ જીવતા મળી આવ્યા છે. ભૂકંપથી નષ્ટ થયેલા શહેરોમાં હવે કાટમાળ બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાનગી ડીએચએ ન્યૂઝ એજન્સીએ ગુરુવારે મોડી રાત્રે અહેવાલ આપ્યો હતો કે 29 વર્ષીય બે બાળકોની માતા નેસ્લિહાન કિલિક, 258 કલાક સુધી ફસાયેલા રહ્યા પછી કહરામનમારસમાં એક બિલ્ડિંગના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી. અંતાક્યા શહેરમાં, ઉસ્માન નામના 12 વર્ષના છોકરાને જીવતો બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે પોલીસ બચાવકર્તાઓએ તૂટી પડેલી ઇમારતમાંથી 17 મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસ રેસ્ક્યુ ટીમના લીડર ઓકાન તોસુને ડીએચએને જણાવ્યુ કે, 'જ્યારે અમે બધી આશા ગુમાવી દીધી, ત્યારે અમે 260માં કલાકે ઉસ્માન પાસે પહોંચ્યા અને તેને જીવતો બહાર કાઢ્યો.'

200થી વધુ જગ્યાએ ચાલી રહ્યુ છે રેસ્ક્યુ ઑપરેશન
તુર્કીના ઉપ રાષ્ટ્રપતિ ફુઅત ઓકટેએ શુક્રવારે જણાવ્યુ હતુ કે આ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 200 સ્થળોએ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. યુએનના એક અધિકારીએ કહ્યુ છે કે 9 ફેબ્રુઆરી બાદથી ઉત્તર પશ્ચિમી સીરિયામાં તુર્કીથી સહાય લઈ જતી કુલ 143 ટ્રકો સરહદ પાર કરી ચૂકી છે. માનવતાવાદી બાબતોના સંકલન માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયના પ્રવક્તા જેન્સ લેર્કે જણાવ્યુ હતુ કે આ ટ્રકોમાં યુએનની છ એજન્સીઓન 'ઘણી વસ્તુઓ' છે. જેમાં તંબુ, ગાદલા, ધાબળા, શિયાળાના કપડાં, કોલેરા ટેસ્ટ કીટ, આવશ્યક દવાઓ અને ભૂકંપગ્રસ્ત સીરિયા માટે ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યુ કે માનવતાવાદી સહાય લઈને ટીમો બાબ અલ-હવા અને બાબ અલ-સલામના સરહદી ફાટકો દ્વારા સીરિયામાં પ્રવેશી હતી.












Click it and Unblock the Notifications
