અમેરિકા ચૂંટણી : જો બાઇડન જીતી જાય તો ચીનનું શું થશે?
22 ઑક્ટોબરે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે ત્રીજી પ્રૅસિડેન્શિયલ ડિબેટ દરમિયાન ચર્ચાના સંચાલકે જો બાઇડનને પૂછ્યું કે કોરોના વાઇરસ પર ચીને પારદર્શિતા ન દર્શાવતા તેઓ ચીનને શું સજા આપશે?
બાઇડને જવાબ આપ્યો, "ચીનને સજા આપવા માટે હું આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ કાર્યવાહી કરીશ. ચીનને પણ આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે ચાલવું પડશે."
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીન પર કોરોના વાઇરસ સાથે જોડાયેલી જાણકારીઓ છુપાવવાનો અને તેને દુનિયાભરમાં ફેલાવવાનો આરોપ મૂકે છે. ચીન આ આરોપોને ફગાવતું રહ્યું છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી 2,30,000થી વધુ લોકોનાં મોત થયાં છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને પણ ભારે નુકસાન થયું છે.
અમેરિકાની ડેલાવેર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય મામલાના પ્રોફેસર મુક્તદર ખાન આ નિવેદનને ભ્રામક ગણાવે છે.
તેઓએ કહ્યું, "ચર્ચા પહેલાં પણ વિદેશી મામલાઓના જાણકારોનો પણ એ અભિપ્રાય હતો કે બાઇડન ચીનને લઈને નબળા છે."
ટ્રમ્પ પર આરોપ છે કે તેઓએ શરૂઆતમાં ચીનને રીઝવવાની કોશિશ કરી અને કોરોના વાઇરસ બાદ તેઓ પ્રતિબંધો અને કાર્યકારી આદેશોની એકતરફી નીતિ પર ચાલ્યા.
પ્રોફેસર ખાન કહે છે, "ચીન ન માત્ર અમેરિકી વર્ચસ્વને પડકાર આપે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમો અને વ્યવસ્થાને પણ પડકાર આપે છે. જો બાઇડનના નિવેદનને જોઈએ તો એવા લાગે કે ચીન એક નિયમોનું પાલન કરનારો દેશ છે અને તેને બળ આપવું જોઈએ."
મુક્તદર ખાન અનુસાર, બાઇડનની વિદેશનીતિનો આ નબળો પક્ષ છે કે તેઓ ચીન પર કાર્યવાહી કરવા અચકાઈ રહ્યા છે.
અમેરિકા અને ચીનના સંબંધોમાં ઘણે મુદ્દે ઘટાડો થયો છે. જેમ કે કોરોના મહામારીને લઈને ચીનનું વલણ, તકનીકી, હૉંગકૉંગ, વેપાર, દક્ષિણ ચીન સાગર, વીગર મુસલમાન, ટિકકૉક, ખ્બાવે, જાસૂસી અને સાઇબર ધમકીઓ.
પીઈડબલ્યુ (પ્યૂ)ના એક અભ્યાસ અનુસાર બે તૃતીયાંશ અમેરિકનો ચીનને લઈને નકારાત્મક વિચાર ધરાવે છે.
બોસ્ટન યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય મામલાના પ્રોફેસર આદિલ નઝમ કહે છે, "અમેરિકાની વિદેશનીતિમાં મુદ્દા નંબર એક, મુદ્દા નંબર બે અને મુદ્દા નંબર ત્રણ, બધું ચીન છે."
જોકે એ હજુ સ્પષ્ટ નથી કે ચીન પર આક્રમક થવાથી મત મળશે કે નહીં, કેમ કે સ્થાનિક મુદ્દાઓની પણ કોઈ કમી નથી.
2017માં જાહેર અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિમાં ચીનનો ઉલ્લેખ 33 વાર કરાયો છે.
આ દસ્તાવેજમાં કહેવાયું, "ચીન અને રશિયા અમેરિકાની તાકાત, પ્રભાવ અને હિતોને પડકાર આપે છે અને તેમની સુરક્ષા અને સંપન્નતાને ખતમ કરવા માટે પ્રયાસ કરે છે. ચીન અને રશિયા એક એવી દુનિયાનું નિર્માણ કરવા માગે છે જે અમેરિકાનાં મૂલ્યો અને હિતોથી વિપરીત હો."
પ્રાંતોના ગર્વનરોએ ફેબ્રુઆરીમાં આપેલા ભાષણમાં અમેરિકન વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ ચીનથી તરફથી સંભવિત ખતરાઓનો ઉલ્લેખ કર્યો હતો.
તેઓએ કહ્યું હતું, "ચીને અમારી નબળાઈઓનું વિશ્લેષણ કર્યું છે. તેણે અમારી સ્વતંત્રતાઓનો ફાયદો ઉઠાવવાનો નિર્ણય કર્યો છે, જેથી તે સંઘીય સ્તરે, પ્રાંતીય સ્તરે અને સ્થાનિક સ્તરે આપણાથી આગળ નીકળી જાય."
ટ્રમ્પ પ્રશાસને ચીન સામે સમર્થન મેળવવા માટે એક વૈશ્વિક અભિયાન શરૂ કર્યું છે. ટ્રમ્પ વારંવાર એ કહે છે કે બાઇડન ચીન મુદ્દે નરમ છે.
જો બાઇડન રાષ્ટ્રપતિ બને તો તેમનું વલણ કેવું રહેશે? શું બાઇડન પણ ટ્રમ્પની જેમ ચીનના વેપાર પર વધુ ટૅક્સ લગાવી શકશે અને અન્ય પગલાં ભરી શકશે? તેઓ વેપાર, માનવાધિકાર, જળવાયુ પરિવર્તન, હૉંગકૉંગ અને કોરોના વાઇરસના મુદ્દે ચીન સામે કેવી રીતે લડશે?
ટ્રમ્પના ચૂંટણી અભિયાનના પ્રચારમાં એક વીડિયો જાહેર કરાયો છે, જેમાં બાઇડન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ગ્લાસ ટકરાવી રહ્યા છે અને કહે છે, "ચીનનું સમૃદ્ધ હોવું અમારા હિતમાં છે."
એપ્રિલમાં વિદેશનીતિ પર એક લેખમાં જો બાઇડને ભાર આપ્યો હતો કે અમેરિકાને ચીન પર કડક વલણ અપનાવવાની જરૂર છે.
બાઇડનના વિઝન દસ્તાવેજમાં કહેવાયું, "ભવિષ્યમાં ચીન કે કોઈ અન્ય દેશ સામે પ્રતિસ્પર્ધામાં આગળ રહેવા માટે આપણે આપણી નવીનતાની ધાર વધુ તેજ કરવી પડશે અને દુનિયાભરના લોકશાહી દેશોની આર્થિક તાકાતને એક કરવી પડશે."
કેટલાક લોકો કહેશે કે આ ટ્રમ્પથી વિપરીત બહુપક્ષીય નીતિ માટે વ્યાપક રૂપરેખા હોઈ શકે છે, પણ તેનું વિવરણ ક્યાં છે?
પ્રોફેસર ખાન કહે છે, "ટ્રમ્પના પ્રશાસનમાં દૃષ્ટિકોણ એ રહ્યો છે કે અમેરિકાએ ચીનને હરીફ તરીકે સ્વીકારી લીધું છે, પરંતુ બાઇડન હજુ સુધી આ વાતનો સ્વીકાર કરતા નથી."
બાઇડન ચીનના ટીકાકાર છે, પરંતુ એક વાત એ પણ છે કે તેઓ અમેરિકાની નબળાઈઓને પણ સ્વીકારે છે. એક દૃષ્ટિકોણ એ પણ છે કે ચીનને નિયંત્રિત કરવામાં અમેરિકાની નીતિમાં ઘણું મોડું થઈ ગયું છે.
- અમેરિકાની ચૂંટણીની આફ્રિકાના અંતરિયાળ ગામ સુધી કેવી અસર પડે છે?
- અમેરિકાની ચૂંટણીમાં પણ ભારત-પાકિસ્તાન એક મુદ્દો છે?
- ભારત-પાકિસ્તાન મૂળની એ મહિલાઓ જેમનો અમેરિકાની ચૂંટણીમાં ડંકો વાગશે
- ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શકશે?
- કમલા હૅરિસ : ભારતીય મૂળનાં ફાયરબ્રાન્ડ નેતાથી અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર સુધી
સંબંધોનો રસ્તો
બંને દેશના સંબંધોનો ગ્રાફ જોઈએ તો શું મજેદાર ચીજો નજરે આવે છે?
1972માં રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનની ચીનયાત્રાથી બંને દેશોના સંબંધો પર પર જામેલો બરફ દૂર થયો હતો.
અમેરિકા ઇચ્છતું હતું કે ચીન એક એવો દેશ બને જે દુનિયા સાથે જોડાયેલો રહે અને જવાબદાર હોય. પરંતુ વિશેષજ્ઞો માને છે કે ચીને પોતાની વિશાળ અર્થવ્યવસ્થાના દમ પર પોતાને અમેરિકાનું રણનીતિક હરીફ બનાવી લીધું છે.
ધ હન્ડ્રેડ ઇયર્સ મેરાથન પુસ્તકના લેખક અને પંટાગના પૂર્વ અધિકારી માઇકલ પિલ્સબરી કહે છે, "જે રીતે આપણે ચીનની વ્યવસ્થા કરી રહ્યા છીએ, ચીન તેનાથી ઉત્તમ રીતે આપણી વ્યવસ્થા કરી રહ્યું છે."
આ પુસ્તકના કવરપેજ પર લખેલું છે- ચીનની ગુપ્ત રણનીતિ વૈશ્વિક મહાશક્તિના રૂપમાં અમેરિકાનું સ્થાન લેવાની છે.
'અમેરિકાનું સ્થાન નથી લેવા માગતું નથી'
વૉશિંગ્ટનસ્થિત થિન્ક ટેન્ક હેરિટેજ ફાઉન્ડેશન સાથે જોડાયેલા વિદેશી મામલાના વિશેષજ્ઞ જેમ્સ જે. કૈરાફાનોનું કહેવું છે કે ગત વર્ષોમાં અમેરિકાની રણનીતિ ચીન સાથેના વિવાદોને કોરાણે રાખીને સહયોગ વધારવાની રહી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમયમાં અમેરિકાની આ રણનીતિ ઊલટી થઈ ગઈ છે.
કૈરાફાનો કહે છે, "હવે અમેરિકાની રણનીતિ એ છે કે સમસ્યાઓનું સમાધાન કરાય અને તેને નજરઅંદાજ ન કરાય અને એ દર્શાવવામાં આવે કે અમે પોતાનાં હિતોની રક્ષા કરવાનો ઈરાદો રાખીએ છીએ."
કૈરાફાનો કહે છે, "ભલે જાન્યુઆરી 2021 બાદ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ આવે, પરંતુ ચીનને લઈને અમેરિકાની રણનીતિમાં બહુ ફેરફાર નહીં થાય."
પરંતુ શું અમેરિકા ટ્રમ્પ સ્ટાઇલનો આક્રમક હુમલો ચાલુ રાખશે કે બાઇડનના નેતૃત્વમાં વધુ કૂટનીતિક અને તોલમાપની નીતિ અપનાવશે?
બકનેલ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને સંબંધોના પ્રોફેસર ઝીકુન ઝૂ કહે છે, "વૉશિંગ્ટનમાં કેટલાક લોકો ચીન મુદ્દે પાગલ છે. ચીન દુનિયાની મહાશક્તિઓમાંની એક બનવા માગે છે, ન કે અમેરિકાને હઠાવીને તેનું સ્થાન લેવા માગે છે."
ભારત અને પાકિસ્તાન પાસે શું વિકલ્પ છે?
પારંપરિક રીતે પાકિસ્તાનનો અમેરિકા સાથે ગાઢ સંબંધ રહ્યો છે, પણ હવે તે ચીનની વધુ નજીક છે.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડૉક્ટર એસએમ અલી માને છે કે પાકિસ્તાની પક્ષમાં એ સમજ બની રહી છે કે પોતાનું બધું ચીન પાસે મૂકવાની જગ્યાએ અમેરિકા સાથેનો 70 વર્ષથી ચાલ્યો આવતો સંબંધ કોરાણે ન કરાય.
તેઓ કહે છે, "અમેરિકા પણ પાકિસ્તાનને એમ જ છોડી ન શકે, કેમ કે અફઘાનિસ્તાન તેના માટે પણ સન્માનનો એક મુદ્દો બની ગયું છે."
ભારત હંમેશાં પોતાની જૂથ નિરપેક્ષ વિદેશનીતિ પર ગર્વ કરતું આવ્યું છે, પરંતુ કેટલાક લોકો એ તર્ક આપી શકે કે ભારત સોવિયત કૅમ્પમાં રહ્યું છે.
https://www.youtube.com/watch?v=Jkkm8BGM4t8
ભારતે ચીન અને અમેરિકા સાથે પોતાના સંબંધોમાં સંતુલન બનાવવાની કોશિશ કરી છે. પરંતુ ગલવાન ઘાટીમાં ચીન સાથે હિંસક ઘર્ષણમાં પોતાના સૈનિકોનાં મૃત્યુ બાદ ભારતે અમેરિકાની નજીક આવવામાં ખચકાટ દર્શાવ્યો નથી.
કૈરાફાનો માને છે કે અમેરિકા ચીનને પોતાના અસ્તિત્વના ખતરાના રૂપમાં જોતું નથી, પરંતુ ભારત જૂથ નિરપેક્ષતાના દૌરમાંથી આગળ નીકળી ગયું છે.
તેઓ કહે છે, "ભારત હવે દુનિયામાં એક ચીનવિરોધી તાકાત છે." જોકે પ્રોફેસર ઝૂના વિચારો તેમનાથી અલગ છે.
પ્રોફેસર ઝૂ કહે છે, "શરૂઆતથી ભારતની વિદેશનીતિ સ્વતંત્ર રહી છે. જૂથ નિરપેક્ષ આંદોલનમાં તે મહત્ત્વનું હતું. મને લાગે છે કે ભારતે આ જ રસ્તે રહેવું જોઈએ."
આ કૂટનીતિ પેંતરાંબાજીમાં આગામી પગલાં બહુ જાણી વિચારીને ભરવાં પડશે.
એમઆઈટીના રાજનીતિશાસ્ત્ર વિભાગના પ્રોફેસર એડન મિલ્લિક કહે છે, "એસ. જયશંકરે કહ્યું છે કે ભારત હંમેશાં પોતાનો પક્ષ ચૂંટશે... જો આ નિવેદનબાજી છે તો ભારતની પોતાની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવવાની લાંબી અને મજબૂત પરંપરાનો ભાગ છે."
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=nwvGznG-4ws
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો