ટ્રમ્પ ટેરિફ: દવાઓ પર લાગશે 100% ટેરિફ! ટ્રમ્પે મેટલ ઈમ્પોર્ટના નિયમો કડક કર્યા, ભારત પર કેટલી અસર થશે?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય વ્યાપાર નીતિમાં મોટો ફેરફાર કરતા 'ટેરિફ બોમ્બ' ફોડ્યો છે. ટ્રમ્પ પ્રશાસને બ્રાન્ડેડ દવાઓના આયાત પર ૧૦૦% સુધી, સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર પરના ટેરિફ બદલવા આદેશ આપતા આ નિર્ણય ઈરાન સંઘર્ષથી ઊર્જાના ભાવ વધ્યા હોવા છતાં લેવાયો છે.

ટ્રમ્પે દવાઓની આયાતને 'રાષ્ટ્રીય સુરક્ષા' સાથે જોડી વિદેશી દવા કંપનીઓ માટે કડક શરતો મૂકી છે: અમેરિકામાં દવાઓના ભાવ ઘટાડવા અને ઉત્પાદન ત્યાં જ ખસેડવું.
જે કંપનીઓ ઉત્પાદન સંપૂર્ણપણે અમેરિકામાં ખસેડશે, તેમને કોઈ ટેરિફ નહીં લાગે. આંશિક સ્થળાંતર કરનારી કંપનીઓ પર ૨૦% જ્યારે શરતોનું પાલન ન કરનારી કંપનીઓ પર ૧૦૦% સુધી ટેરિફ લાગશે.
EU, જાપાન, દક્ષિણ કોરિયા, સ્વિટ્ઝર્લેન્ડ જેવા મૈત્રીપૂર્ણ દેશો માટે ટેરિફ ૧૫% થશે. બ્રિટન સાથેના કરાર હેઠળ, બ્રિટિશ દવાઓ પર ૩ વર્ષ શૂન્ય ટેરિફ રહેશે. મોટી કંપનીઓને ૧૨૦, નાની કંપનીઓને ૧૮૦ દિવસ પાલન માટે અપાયા છે.
ધાતુઓના આયાત નિયમો સરળ બનાવી ઘરેલું ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ટ્રમ્પે ઘોષણાઓ કરી છે. કાચા સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર પર ૫૦% આયાત શુલ્ક ચાલુ રહેશે. હવે આ ગણતરી 'આયાત મૂલ્ય'ને બદલે ગ્રાહકો દ્વારા ચૂકવાતી 'વેચાણ કિંમત' પર થશે, જેથી કરચોરી અટકશે.
સ્ટીલ કે એલ્યુમિનિયમના 'વ્યુત્પન્ન ઉત્પાદનો' પરની ડ્યુટી ૫૦% થી ઘટાડીને ૨૫% કરાઈ છે. જો કોઈ ઉત્પાદનમાં ધાતુનું પ્રમાણ વજનના આધારે ૧૫% થી ઓછું હોય, તો તેના પર કોઈ ટેરિફ લાગશે નહીં.
ઔદ્યોગિક ઉત્પાદનને વેગ આપવા વીજળી ગ્રીડ અને ઔદ્યોગિક ઉપકરણો માટેનો ટેરિફ ૫૦% થી ઘટાડી ૧૫% કરાયો છે. વિદેશમાં બનેલા, પણ સંપૂર્ણપણે અમેરિકી સ્ટીલ કે એલ્યુમિનિયમનો ઉપયોગ થયેલા ઉત્પાદનો પર માત્ર ૧૦% ટેરિફ લાગશે.
પ્રશાસન મુજબ, જૂના ટેરિફ નિયમો જટિલ હોવાથી આયાતકારોને સમસ્યા થતી હતી. સુપ્રીમ કોર્ટે અગાઉના કેટલાક ટેરિફ ગેરકાયદેસર ઠેરવ્યા, જેથી સરકારને થયેલા મહેસૂલી નુકસાનની ભરપાઈ આ નિર્ણયનો હેતુ છે. અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ, જેમિસન ગ્રીરે તેને વૈશ્વિક વેપારનું "રીસેટ બટન" ગણાવ્યું.
ટ્રમ્પના આ નિર્ણયોની ભારત પર મિશ્ર, પરંતુ ગંભીર અસર પડી શકે છે. ભારત અમેરિકાને જેનરિક અને બ્રાન્ડેડ દવાઓનો મુખ્ય નિકાસકાર હોવાથી, ફાર્મા સેક્ટર પર સીધું દબાણ આવશે. ૧૦૦% ટેરિફ ટાળવા, ભારતીય કંપનીઓએ કિંમતો ઘટાડવી પડશે અથવા ત્યાં ઉત્પાદન એકમો સ્થાપવા પડશે અને ખર્ચ વધશે.
સ્ટીલ અને એલ્યુમિનિયમના 'વ્યુત્પન્ન ઉત્પાદનો' પરનો ૨૫% ટેરિફ ભારતીય એન્જિનિયરિંગ નિકાસકારો માટે એક પડકાર બની રહેશે. જોકે, અગાઉના ૫૦% ટેરિફની સરખામણીમાં આ થોડી રાહતરૂપ છે.
જો ભારતીય કંપનીઓ વધેલા ટેરિફનો બોજ ગ્રાહકો પર નાખશે, તો અમેરિકી બજારમાં ભારતીય ઉત્પાદનો મોંઘા થશે, સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બનશે. જોકે, જો ભારત સરકાર અમેરિકા સાથે બ્રિટન કે EU જેવો વિશેષ વ્યાપાર કરાર કરવામાં સફળ રહે તો, મોટી રાહત મળી શકે છે.












Click it and Unblock the Notifications
