For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ પુનર્જન્મ અને કર્મ અંગે શું કહે છે?

હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ પુનર્જન્મ અને કર્મ અંગે શું કહે છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

બુદ્ધે કહ્યું છે કે દુનિયામાં "કેટલીક બાબતો અકલ્પનીય છે" અને જો તેના વિશે વધારે ને વધારે વિચાર્યા કરીએ તો "તેનો ઉકેલ ક્યારેય મળશે નહીં."

બૌદ્ધ ભિખ્ખુ નંદીસેના બીબીસી મુન્ડો સાથેની વાતચીતમાં કહે છે, "તેમાં એક છે કમ્મ એટલે કે કર્મના સિદ્ધાંતને સમજવાની મથામણ. બીજું છે બ્રહ્માંડનું મૂળ કયું અને સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હતી કે તે કદાય હતી તેને સમજવાની મથામણ."

પ્રતીકાત્મક તસવીર

કમ્મ એ બુદ્ધનો ઉપદેશ જેમાં છે તે પાલિ ભાષાનો શબ્દ છે, જે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને મળતી આવે છે. કર્મ સંસ્કૃત ભાષાનો શબ્દ છે.

નંદીસેના કહે છે કે બુદ્ધે સંસ્કૃત ભાષાનો ઉપયોગ નહોતો કર્યો, પરંતુ બૌદ્ધ ધર્મ ફેલાવા લાગ્યો તે પછી ઘણા વિદ્વાનો સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા હતા. નંદીસેના મેક્સિકોની ઇન્સ્ટિટ્યૂટ ફૉર હિસ્પેનિક બુદ્ધિસ્ટ સ્ટડીઝ (IEBH) સાથે જોડાયેલા છે.

બુદ્ધે 'પરમસત્ય'ની શોધ કરી તેમાંથી કર્મનો સિદ્ધાંત આવેલો છે. પરંપરાગત જગત અથવા સત્યથી આ "પરમ તત્ત્વ" અલગ માનવામાં આવે છે.

તેના કારણે પુનર્જન્મની જેમ કર્મના સિદ્ધાંતને સમજવો પણ અઘરો છે. બીજું કે બૌદ્ધ અને હિન્દુ ધર્મમાં અનેક પંથો છે અને તેમની પોતપોતાની માન્યતાઓ છે.

બીબીસી મુન્ડો ખાતે અમે બે સંશોધકો અને વિદ્વાનોની મદદથી આ સિદ્ધાંતોને સમજવા માટેની કોશિશ કરી છે.


બૌદ્ધ પરંપરા

ભારત

સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધ 2500 વર્ષ હાલમાં નેપાળમાં આવેલા પ્રદેશમાં એક રાજવી પરિવારમાં જન્મ્યા હતા.

તેમણે રાજપાટ અને વૈભવી જીવનને ત્યાગ કર્યો અને સત્યની શોધમાં વર્ષો સુધી ભ્રમણ કરતા રહ્યા હતા.

હાલમાં વિશ્વમાં બૌદ્ધ ધર્મ પાળનારાની સંખ્યા 37 કરોડ હોવાનું અનુમાન છે. તેમાં થેરાવાદ સહિત ઘણી શાખાઓ પડેલી છે એમ નંદીસેના કહે છે. નંદીસેના થેરાવાદના અનુયાયી છે.

બુદ્ધના ઉપદેશને સમજાવાતા ભિખ્ખુ નંદીસેના કહે છે કે બુદ્ધના જણાવ્યા અનુસાર ત્રણ રીતે કર્મ થાય છે: મન, વચન અને કાયાથી.

બૌદ્ધ ધર્મ

"આપણે વાણી અને શરીરથી બીજા સાથે વ્યવહાર કરીએ છીએ. તે વ્યવહારથી આપણે કાં તો અન્ય જીવનું ભલું કરી શકીએ અથવા તેમને દુઃખ પહોંચાડી શકીએ છીએ."

મન એ અંદરનું દ્વાર છે, જેના માર્ગથી જ વાણી અને કાયા ચાલે છે.

તેઓ કહે છે, "તેથી જ બૌદ્ધ પરંપરામાં સિદ્ધાંતો અને નૈતિકતા એ વાણી અને શરીરથી બહાર આવે છે, જેને આપણે બાહ્ય દ્વાર કહીએ છીએ."

"આપણે વાણી અને કાયાના બાહ્ય માર્ગથી અથવા મનના આંતરિક દ્વારાથી જે પણ કરીએ તેનાથી કમ્મ ઉત્પન્ન થાય છે."


કમ્મની સંભાવના

ભારતમાં નટરાજ મંદિર

બુદ્ધે કહ્યું છે કે આંખ એક મટકું મારે એટલી વારમાં "જાગૃતાવસ્થાની અબજો ક્ષણો જાગે છે અને વીરમી જાય છે.

આ વિદ્વાન ભિખ્ખુ કહે છે, "કલ્પના કરો કે બોલવાથી અને શરીરથી કોઈ ક્રિયા કરવાથી અમુક ક્ષણો માટે કાર્ય થતું દેખાય, પણ તેમાં અબજો સજાગતા જોડાયેલી હોય છે, જે આપણને માનસિકતામાં હોય છે અને તે આપણને આ કર્મ કરવા પ્રેરે છે".

"આ દરેક ક્ષણ એક કમ્મ છે અથવા કમ્મનો એક કણ છે, પણ મૂળભૂત રીતે તે કર્મ જ છે."

"આપણને તેને ઇચ્છા કહીએ છીએ અને બુદ્ધના જણાવ્યા અનુસાર આ દરેક ઇચ્છાથી પ્રેરાયને આપણે કાર્ય કરીએ છીએ અને દરેક કાર્યથી એક સંભવિત કર્મ ઊભું થાય છે."

પ્રતીકાત્મક તસવીર

તેનો અર્થ એ જ્યારે પણ આપણે કંઈ કરીએ, બોલીએ કે વિચારીએ ત્યારે તેની પાછળ એક ઇચ્છા રહેલી હોય છે અને તેના કારણે એક સંભાવના પેદા થાય છે.

દાખલા તરીકે આપણે કોઈ કાર્ય કરીએ, કોઈ ઉદારતાનું કાર્ય કરીએ ત્યારે પણ અને કોઈને નુકસાન કરનારું કામ કરીએ ત્યારે પણ એક કર્મ ઊભું થાય છે.

"આ કર્મ સંચિત થયા કરે છે અને જ્યાં સુધી તેનું નિરાકરણ ના થાય ત્યાં સુધી, જ્યાં સુધી તેનું ફળ ભોગવી ના લઈ ત્યાં સુધી તે ઊભું રહે છે."

તેથી જ શાસ્ત્રોમાં તેને સંચિત કર્મ કહેવાયું છે. કાર્ય કરવાથી તરત તેનું ફળ નથી મળતું, પણ તે બાદમાં મળે છે તે ભૌતિક રીતે કે માનસિક બંને રીતે મળી શકે છે.


સંબંધ

હોળી

નંદીસેના કહે છે કે કેટલીક બાબતો અને પદાર્થો ઇન્દ્રિય અનુભવનો આધાર બને છે.

"આપણા દરેકની છ પ્રકારની ઇન્દ્રિય હોય છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચાથી અનુભવ થાય છે અને છઠ્ઠી ઇન્દ્રિય એટલે મન. આ દરેક અલગ રીતે સક્રિય થાય છે."

સમગ્ર રીતે ચેતાતંત્ર આ છ બાબતો પર ચાલે, પણ તે બંધ થઈ જાય ત્યારે મોત આવી જાય.

પરંતુ માનસિક ચૈતન્ય અથવા આત્મા "પૂર્વાનુભાવ"થી ચાલે છે મૃત્યુ પછી નવો જન્મ લે છે.

"બૌદ્ધ ધર્મ પ્રમાણે અંડબીજ અને વીર્યકણનો સંપર્ક થાય છે તે જ વખતે માતા અને પિતા તરફથી વારસામાં મળેલા ગુણો ઉપરાંત બાહ્ય પદાર્થનો પ્રવેશ થાય છે, જેને આપણે પુનઃસંધાન કહીએ છીએ."

આ એ જ ક્ષણ છે જ્યારે ચૈતન્યનું "આરોપણ" થાય છે અને તેમાંથી જુદી જુદી ઇન્દ્રિયો જન્મે છે.

પ્રતીકાત્મક તસવીર

"અમે તે માટે પુનર્જન્મ એવો શબ્દ નથી વાપરતા, કેમ કે એક ક્ષણથી બીજી ક્ષણ વચ્ચે કશુંય નવીન થતું નથી. એક સાતત્ય તેમાં છે, પણ તેની ઓળખ નથી હોતી. આગલા ચૈતન્યમાંથી કશુંય સારરૂપ નવીન ચૈતન્યમાં પ્રવેશતું નથી."

આ બાબતને સમજાવવા માટે તેઓ મને જાતને જ એક સવાલ પૂછવા કહે છે: "શું તમે એ જ છો, જે તમે બચપણમાં હતા?"

તેઓ સમજાવે છે, "મને પૂછો તો કહીશ કે: ના હું એ જ નથી. પરંતુ હું કોઈ અન્ય પણ નથી. જો હું તે બાળક ના હોત તો હું આજે જે છું તે પણ ના હોત."

જોકે તેઓ સ્વીકારે છે કે બૌદ્ધ ધર્મની કેટલીક શાખાઓમાં પુનર્જન્મ શબ્દનો ઉપયોગ થાય છે. તેઓ સ્પષ્ટતા કરતા કહે છે: "અમે પુનઃસંધાન શબ્દ વાપરીએ છીએ, જે પાલિ શબ્દનું સીધું ભાષાંતર છે. પણ પુનર્જન્મ વાપરવાથી કદાચ આ વાત વધારે સારી રીતે સમજી શકાય છે."

બુદ્ધને ટાંકીને નંદીસેના કહે છે, "જીવ તેના કર્મનો અધિકારી છે અને કર્મ તેનું સંતાન છે", કેમ કે ત્રણ બાબતોથી માનવીય સંધાન થાય છે:

  • માતાપિતાનો સંસર્ગ થાય
  • માતા ફળદ્રુપ થવાના કાળમાં હોય
  • કર્મશક્તિનો ગર્ભમાં પ્રવેશ થાય
પ્રતીકાત્મક તસવીર

આમાં ત્રીજું સૌથી અગત્યનું છે એમ તેઓ કહે છે. "અમારાં શાસ્ત્રોમાં અદભુત વાત કહેલી છે. પ્રથમ બે વિના પણ ત્રીજાનું પુનઃસંધાન થઈ શકે છે."

તેથી જ બુદ્ધ કહે છે કે કમ્મ એ આપણું જ સંતાન છે. તેથી જ જ્યારે પુનઃસંધાનની વાત કરીએ છીએ ત્યારે "આપણે પુનઃસંધાનની વાત કરીએ છીએ ત્યારે કમ્મની અસરની જ વાત કરીએ છીએ."

તેઓ નોંધે છે કે આજે લોકો કમ્મને ફળના સંદર્ભમાં બોલતા હોય છે: "મારી સાથે આવું થયું તે મારા કર્મનું ફળ છે."

"પણ ખરેખર તો કાર્ય કરીએ એ કર્મ છે. કાર્ય અને તેના ફળ વચ્ચેનો સંબંધ છે તેને કમ્મ અથવા કર્મનો સિદ્ધાંત કહીએ છીએ."

"કાર્ય માટેની આપણી જવાબદારીના સંદર્ભમાં પણ કર્મના સિદ્ધાંતને સમજી શકાય છે. એટલે કે આપણે કૈંક ખોટું કરીએ ત્યારે બીજા જીવને નુકસાન પહોંચાડવા માટે આપણે જવાબદારી બનીએ છીએ", એમ તેઓ સમજાવે છે.

તેઓ વધુમાં સમજાવે છે કે કાર્યની અસર થાય તે સમજી શકાય છે, પણ કર્મ અને ફળ વચ્ચેનો સંબંધ જલદી સમજાતો નથી. આપણી સાથે કૈંક બને ત્યારે કર્મ અને ફળને કેવી રીતે જોડવા?

તેથી જ બુદ્ધ કહે છે કે આપણે કર્મના માલિક છીએ તો ફળના પણ માલિક છીએ જ. આ જ સમજવું અઘરું છે અને તેથી જ બુદ્ધ તેને સમ્યક સમજણ કહે છે.


હિન્દુ ધર્મના સિદ્ધાંતો

સંસ્કૃતમાં લખાયેલું હિન્દુ પુસ્તક

જન્મ થાય તેનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ થાય તેનો પુનર્જન્મ નિશ્ચિત છે. એથી અપરિહાર્ય છે તેના પર શોક શાને કરવાનો-ભાગવત ગીતા.

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત ભાષાના સંશોધનકર્તા ઑસ્કર પુજોલે બીબીસી મુન્ડોને જણાવ્યું કે "પ્રાચીન ભારતીય દર્શન અને વિચારોમાં કર્મ અને પુનર્જન્મ વિશે પૂર્ણ સહમતિ છે."

પુજોલ કહે છે કે "પ્રાચીન ભારતીય પરંપરામાં તેનો એટલો સહજ રીતે સ્વીકાર થયેલો છે કે તેના માટે કોઈ પ્રમાણ આપવાની જરૂર રહેતી નથી અને તે વાત જરાક નવાઈની લાગશે."

દુનિયાભરમાં હિન્દુ ધર્મનું પાલન કરનારા 90 કરોડ લોકો છે અને ભારત તથા નેપાળ હિન્દુ બહુમથી ધરાવતા રાષ્ટ્રો છે.

બીબીસી ધાર્મિક વિભાગના જણાવ્યા અનુસાર, "અન્ય ધર્મોની જેમ હિન્દુ ધર્મમાં કોઈ એક સ્થાપક, એક ધર્મ ગ્રંથ કે એક સમાન ઉપદેશ નથી."

એક રીતે જોઈએ તો "તે વિશ્વનો સૌથી જીવંત ધર્મ છે" અથવા કહી શકીએ કે હજારો વર્ષથી તે પળાતો આવ્યો છે. હાલના પાકિસ્તાનમાં સિંધુ ખીણમાં તે ઉત્પન્ન થયો હતો અને જૈન, બૈદ્ધ અને શીખ પરંપરા તેની સાથે જ જોડાયેલી છે.

ઘણા વિદ્વાનો હિન્દુ ધર્મને "જીવન જીવવાની પદ્ધતિ" અથવા "જુદા જુદા પંથોનો એક પરિવાર" એવી રીતે પણ વર્ણવે છે.


મૂળભૂત સિદ્ધાંતો

પ્રતીકાત્મક તસવીર

પુજોલ સમજાવે છે કે ભૌતિક વિશ્વમાં હોય તે રીતે કર્મ એ હિન્દુ ધર્મમાં જીવ કે પદાર્થ સર્વ કોઈને લાગુ પડે તેવો એક નિયમ છે. ઘણા લોકો તેને ગુરુત્વાકર્ષણના નિયમ જેવો ગણાવે છે.

તેઓ કહે છે, "કર્મ એ કાર્ય અને કારણનો સરળ સિદ્ધાંત છે. એક કારણ હોય તેનાથી કાર્ય ઉત્પન્ન થાય અને કાર્યથી વધી કારણ ઊભું થાય ને ફરી કાર્ય થાય."

આ રીતે કાર્ય અને કારણની શૃંખલા ચાલતી રહે છે અને તેનાથી જ "બ્રહ્માંડ અને મનુષ્યનું અસ્તિત્વ ચાલતુ રહે છે."

સાથે જ આ નૈતિકતાની પણ બાબત છે એમ તેઓ કહે છે. તેનાથી એવું જણાવાયું છે કે તમે જે પણ કર્મ કરશો "તેનું ફળ ભોગવવું પડશે."

"સારું કાર્ય કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કામ કરશો ખરાબ ફળ ભોગવવું પડશે. આટલી સરળ વાત છે."


સૂક્ષ્મ શરીર

પ્રતીકાત્મક તસવીર

પુજોલ જણાવે છે કે કર્મના સિદ્ધાંતને ત્રણ પ્રકારના મનુષ્યના શરીરો સાથે જોવામાં આવે છે.

"પરંતુ હું બે જ શરીરની વાત કરીશ - સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર."

આના પરથી જ પુનર્જન્મને સમજવાનું સરળ બને છે.

વેદાંત પ્રમાણે સૂક્ષ્મ શરીરનાં 17 અંગો છે:

  • 5 કર્મેન્દ્રિય
  • 5 જ્ઞાનેન્દ્રિય
  • 5 પ્રાણવાયુ
  • 1 મન
  • 1 બુદ્ધિ

આ રીતે સુક્ષ્મ શરીરને એક આત્મા તરીકે પણ ઓળખી શકાય, પણ પુનર્જન્મમાં બધા અંગો ફરીથી જન્મતાં નથી એવી સ્પષ્ટતા પણ તેઓ કરે છે.

"સ્થૂળ શરીરથી જે પણ કાર્ય કરવામાં આવે અને મનથી વિચારો કરવામાં આવે તે દરેકની નોંધ મનમાં લેવાતી રહે છે. તેનાથી સારી કે ખરાબ જે ઊર્જા ઊભી થાય એ જ કર્મ છે."

આ રીતે મનમાં "જે ઊર્જાનો સંચય થયો હોય તે પુનર્જન્મમાં પ્રગટ થાય છે."

"આ રીતે સૂક્ષ્મ શરીર પૂનર્જન્મ પામે ત્યારે તેની સાથે કર્મનું સારું કે ખરાબ ફળ આવે છે."


મૃત્યુ

મ્યાનમાર

વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેની પાસેથી વિવિધ શક્તિઓ હોય તે પાછી જતી રહે છે.

"સ્થૂળ શરીર નાશ પામે છે, તેની સાથે પ્રાણવાયુ જતા રહે છે, પણ સૂક્ષ્મ શરીર રહી જાય છે, જે પુનર્જન્મ પામે છે." આ રીતે મગજ નહીં, પણ મન, બુદ્ધિ, કર્મનો સંચય થયો હોય તે ચિત્ત નવા સ્થૂળ શરીરમાં પ્રગટે છે.

"આપણે જે પણ કંઈ કર્મ કર્યા હોય તેના સંસ્કાર ચિત્ત પર પડ્યા હોય. એક હાર્ડ ડિસ્ક જેવું આ છે, જ્યાં બધું જ સંગ્રહિત થયું હોય."


કેટલા ફેરા કરવા પડે?

બૌદ્ધ ધર્મ

કેટલી વાર પુનઃ પુનઃ જન્મ લેવો પડે તે વિશે જુદી જુદી માન્યતાઓ છે, પણ પુજોલ કહે છે કે, "માત્ર મનુષ્ય તરીકે જ ફરીથી જન્મ મળે તેવું નથી હોતું, પરંતુ જુદી જુદી યોનીમાં પણ જન્મ મળતો હોય છે."

આ રીતે જીવનનું ચક્ર "અનંત" ચાલ્યા કરે છે.

કર્મના સિદ્ધાંત એટલો "અનિવાર્ય માનવામાં આવ્યો છે કે સંસ્કૃત સાહિત્યમાં અને પ્રાચીન ચિંતનમાં સૌથી વધુ વિચાર કર્મમાંથી મુક્તિ માટેનો જ થતો રહ્યો છે."

આમાંથી જ મુક્તિ અથવા મોક્ષ કે નિર્વાણ માટેનો સિદ્ધાંત જન્મ્યો છે: કર્મના બંધનમાંથી અને ચક્રમાંથી છૂટવું કેવી રીતે?

તેઓ કહે છે, "એવું શક્ય છે, પણ બહુ અઘરું છે, કેમ કે આપણે સદાય અજ્ઞાનમાં જીવીએ છીએ. આ અજ્ઞાનમાંથી બહાર આવવું જ બહુ મુશ્કેલ હોય છે."

"મોટા ભાગના લોકો આની પરવા પણ નથી કરતા, કેમ કે આપણે દ્વૈત જગતમાં જીવીએ છીએ, કર્મના સંસારમાં જીવીએ છીએ."

"કર્મનું ફળ તમારા ભાગ્યમાં લખાયેલું જ છે, પણ ઊંડા નૈતિક સિદ્ધાંત તરીકે તે એ દર્શાવે છે કે તમે અત્યારે જેવી રીતે વર્તશો એવું ભાવિમાં તમને ફળ મળશે.

"તમે સદકર્મ કરશો તો સારો જન્મ મળશે. તમે જે પણ કરશો તેનું ફળ મળશે."



https://www.youtube.com/watch?v=XNBgpgu5KxE

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What do Hinduism and Buddhism say about reincarnation and karma?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X