અમેરિકામાં ગેરકાયદે ઘુસવા જતા વધુ ચાર ગુજરાતીઓના મોત, જાણો કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

અમેરિકામાં ગેરકાયદે ઘુસવાની લ્હાયમાં ગુજરાતીઓ કરૂણ મોતને ભેટી રહ્યા છે. સતત આવી ઘટનાઓ બની રહી છે ત્યારે હવે વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે નદી પાર કરીને ઘુસવા જતા 8 લોકોના જીવ ગયા છે. આ 8 લોકોમાં 4 ગુજરાતી હોવાનો ખુલાસો થયો છે.
ગુજરાતીનો અમેરિકા જવાનો ક્રેઝ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે ત્યારે 8 મૃતકોમાંના 4 ગુજરાતીઓ મહેસાણાના વિજાપુર તાલુકાના ડાભલા માણેકપુુર ગામના છે. આ મૃતકો અન્ય મૃતકો સાથે એક હોડીમાં ગેરકાયદે નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન વાતાવરણ બગડતા હોડી પાણીમાં ગરકાવ થઈ જઈ હતી. આ કરૂણ દુર્ઘટનામાં વધુ એક વખત અમેરિકા જવાની લ્હાયમાં એક પરિવારે પોતાના જીવ ગુમાવ્યા છે.
કેનેડા પોલીસે પણ આ બાબતની પૃષ્ટી કરી છે. કેનેડા પોલીસના જણાવ્યા અનુસાર આ 8 મૃતકોમાં ગુજરાતના મહેસાણા જિલ્લાનો એક પરિવાર સામેલ છે. આમાં માતા-પિતા, પુત્રી અને પુત્રનો સમાવેશ થાય છે. આ પરિવાર હોડીમાં લોરેન્સ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ તમામના મૃતદેહ ક્યુબેકના એક વિસ્તારમાંથી મળ્યા છે.
બીજી તરફ આ ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્થાનિકોને લોકોની ચીસો સંભળાતા પોલીસને જાણ કરાતા પોલીસ પહોંચી હતી. હાલ બોટનો માલિક ગુમ છે. અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી જ્યારે કોઈ ગુજરાતીઓ અમેરિકામાં ઘુસવાની લ્હાયમાં મોતને ભેટ્યા હોય. આ પહેેલા એક પરિવાર મેક્સિકો બોર્ડર પર બરફમાં થીજી જવાથી મોતને ભેટ્યો હતો.












Click it and Unblock the Notifications
