અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, મોટેલ માલિક રાકેશ પટેલને ગોળી મારતા મોત
અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના પિટ્સબર્ગ નજીક એક મોટેલ માલિકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
મૃતક મૂળ ગુજરાતના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની હતા અને તેઓ વર્ષોથી અમેરિકામાં મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

અહેવાલો અનુસાર, પિટ્સબર્ગના રોબિન્સન ટાઉનશીપમાં મોટેલ ચલાવતા રાકેશ પટેલ (51 વર્ષ) ની હત્યા કરવામાં આવી છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, હત્યાની ઘટના મોટેલના પાર્કિંગ વિસ્તારમાં બની હતી. હત્યારા શખ્સનો એક મહિલા સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. રાકેશ પટેલ આ ઝઘડાને શાંત કરાવવા માટે મોટેલની બહાર આવ્યા હતા તે દરમિયાન આરોપી ઉશ્કેરાયો હતો અને તેણે રાકેશ પટેલ પર ગોળીબાર કર્યો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સૂત્રો અનુસાર, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પિટ્સબર્ગ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી સ્ટેનલી યુજીન વેસ્ટ (ઉંમર 37)ની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ અમેરિકામાં વસતા ગુજરાતી અને ભારતીય સમુદાયમાં શોક અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.
આ હત્યાકાંડ અંગે વધુ વિગતો બહાર આવવાની રાહ જોવાઈ રહી છે, પરંતુ એક ગુજરાતી મોટેલ માલિકની અંગત દુશ્મની કે અન્ય કોઈ કારણોસર ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.












Click it and Unblock the Notifications
