ગુજરાત માટે ઐતિહાસિક દિવસ: અમદાવાદના આંગણે યોજાશે કોમનવેલ્થ ગેમ્સ 2030, મળી સત્તાવાર મંજૂરી
Commonwealth Games 2030: મિનિ-ઓલિમ્પિક ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠ અમદાવાદમાં ઉજવાશે, દિલ્હી બહાર પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન, CR પાટીલ: આ સફળ આયોજન ઓલિમ્પિક માટેના દરવાજા ખોલી આપશે.

ગુજરાત રાજ્ય માટે આજનો દિવસ ખરેખર ઐતિહાસિક અને ગૌરવશાળી છે. મિનિ-ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આયોજિત એક મહત્ત્વની મીટિંગમાં લેવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળના ભારતીય ડેલિગેશને ભાગ લીધો હતો.
100મી વર્ષગાંઠનો અદ્ભુત સંયોગ
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતાં ભારતીય રમતગમતના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.
- દિલ્હી બહાર પ્રથમવાર: પહેલીવાર એવું બન્યું છે કે, કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે.
- સંયોગ: 2030માં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે, જેની ઉજવણી અમદાવાદના આંગણે થશે.
નેતાઓનો પ્રતિભાવ: ઓલિમ્પિક માટે માર્ગ મોકળો
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે આ પ્રસંગને ગૌરવપૂર્ણ ગણાવતાં કહ્યું કે, "આપણા દેશમાં કોમનવેલ્થ રમાય તે ખૂબ ગર્વની વાત છે. આના સફળ આયોજન પછી ઓલિમ્પિક માટેનો આપણો દાવો વધુ મજબૂત થશે. કોમનવેલ્થ ગેમ ઓલિમ્પિક માટેના દરવાજા ખોલી આપશે, તેવો મને વિશ્વાસ છે."
સાંસદ નરહરિ અમીને આ નિર્ણયને ગુજરાત માટે ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, "કોમનવેલ્થ 2030ની યજમાનીના લીધે રાજ્યના નાના-ઉદ્યોગોને પણ મહત્ત્વ મળશે અને રોજગારીની તકો પણ ઊભી થશે. ગુજરાતના યુવાનોને મોટામાં મોટો લાભ મળશે."
વૈશ્વિક સ્તરે મહત્ત્વ
કોમનવેલ્થ સ્પોર્ટ્સ જેવી સંસ્થા દ્વારા યજમાની આપવી એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની સમૃદ્ધિ, વિઝન અને માળખાકીય સુવિધાઓની ક્ષમતાનું પણ પ્રતીક માનવામાં આવે છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત (દિલ્હી) વગેરે સહિત નવ અલગ-અલગ દેશો આ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
