Asia Cup 2023, IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચ પર વરસાદનું જોખમ, આ કારણે રદ્દ નહીં થાય મેચ
Asia Cup 2023, IND vs PAK: ફરી એકવાર એશિયા કપ 2023 માં સૌથી હોટ ફેવરિટ મેચ યોજાવા જઈ રહી છે. ટૂર્નામેન્ટની ત્રીજી સુપર ફોર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે રમાશે. જેના પર હાલ વરસાદનું જોખમ તોળાઇ રહ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી મેચમાં વરસાદની સંભાવના છે. મેચ દરમિયાન વરસાદની 49 થી 69 ટકા સંભાવના છે. મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. આવતીકાલનો દિવસ રિઝર્વ દિવસ તરીકે રાખવામાં આવ્યો છે. મેચ પૂર્ણ કરવા માટે બંને ઇનિંગ્સમાં 20-20 ઓવર રમવી જરૂરી છે.

ભારતે તેની છેલ્લી મેચમાં નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. વરસાદના કારણે વિક્ષેપિત તે મેચમાં નેપાળે પ્રથમ બેટિંગ કરતા 230 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે ડકવર્થ લુઈસ નિયમ મુજબ ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ટીમ ઈન્ડિયાએ 20.1 ઓવરમાં 10 વિકેટે મેળવી લીધો હતો.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ ટીમમાં સામેલ થયો છે અને પાકિસ્તાન સામેની મેચમાં ટીમની બોલિંગ પણ મજબૂત બની છે. ગૃપ મેચમાં બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદના કારણે ટીમ બોલિંગ કરી શકી ન હતી. બુમરાહ, સિરાજ અને શાર્દુલ આજની મેચમાં રમી શકે છે. શાર્દુલે પ્રેક્ટિસ સેશનમાં બોલિંગની સાથે બેટિંગની પ્રેક્ટિસ પણ કરી હતી.
ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે રાહુલ અને ઈશાન કિશન વચ્ચે પસંદગી કરવાની દુવિધાનો ઉકેલ શોધવો મહત્વપૂર્ણ રહેશે. ઇશાને છેલ્લા એકાદ મહિનામાં તેના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા છે. આ સાથે જ પાંચમા નંબર પર રાહુલની એવરેજ પણ શાનદાર છે. ઈશાને તેની ODI કરિયરમાં માત્ર એક જ વખત નંબર પાંચ પર બેટિંગ કરી છે અને તે પણ પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં, જ્યાં તેણે 82 રન બનાવ્યા હતા. આવા સમયે રાહુલે ODIમાં પાંચમા નંબર પર 18 ઇનિંગ્સ રમી છે, જેમાં તેણે 53ની એવરેજથી 742 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને સાત અડધી સદીનો સમાવેશ થાય છે.
જો રવિવારે વરસાદ થશે તો રમત બંધ કરી દેવામાં આવશે અને સોમવારે ત્યાંથી શરૂ થશે. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગૃપ મેચમાં પણ વરસાદને કારણે અવરોધ ઊભો થયો હતો. તે મેચમાં ભારતીય ટીમે પોતાની ઇનિંગ રમી હતી, પરંતુ પાકિસ્તાન તેની ઇનિંગ રમી શક્યું ન હતું.












Click it and Unblock the Notifications
