ભારત-પાક મેચની તારીખમાં બદલાવની અટકળો વચ્ચે પૂર્વ ક્રિકેટર અને હેડ કોચ જિજ્ઞા ગજ્જર સાથે Exclusive વાતચીત
India-Pakistan World Cup 2023: ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી વર્લ્ડ કપ 2023 મેચની તારીખ બદલાવાની સંભાવના છે. 15 ઓક્ટોબરના રોજ નવરાત્રિ શરુ થતી હોવાથી સુરક્ષા કારણોસર સુરક્ષા એજન્સીઓએ બીસીસીઆઈને તારીખ બદલવાની સલાહ આપી છે.
મીડિયા રિપોર્ટસ મુજબ ભારત પાકિસ્તાનનો મુકાબલો જે દિવસે થવાનો છે એ દિવસે નવરાત્રિનો પહેલો દિવસ છે. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન મોટાપાયે ગરબાનુ આયોજન થાય છે. રિપોર્ટ મુજબ સુરક્ષા એજન્સીઓએ સુરક્ષાને જોતા ભારત-પાકિસ્તાન વન-ડે મેચ બીજા કોઈ દિવસે શિફ્ટ કરવાની સલાહ આપી છે.

નોંધનીય છે કે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની જાહેરાત થઈ ત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો તારીખમાં ફેરફાર થાય તો અગાઉથી પ્લાનિંગ કરી ચૂકેલ ક્રિકેટ પ્રેમીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ મેચ જોવા માટે હજારો લોકો અમદાવાદ પહોંચવાના છે.
અમદાવાદની લગભગ બધી હોટલો બુક છે. 15 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદની એસજી હાઈવે, મોટેરા, આશ્રમ રોડ અને ગાંધીનગરની હોટેલોના ભાડામાં 167 ટકાનો વધારો નોંધાયો હતો. સિંધુભવન સ્થિત તાજ સ્કાઈ લાઈનમાં એક દિવસનુ ભાડુ સામાન્ય દિવસમાં નોર્મલ રુમનુ ભાડુ 7000 રુપિયા હોય છે જ્યારે 14થી 16 ઓક્ટોબર દરમિયાન આ હોટેલનુ ભાડુ ત્રણ દિવસનુ સંયુક્ત 1.5 લાખથી વધુ થઈ ગયુ હતુ. જો મેચની તારીખ બદલાય તો મોટાપાયે હોટેલોના બુકિંગ કેન્સલ થવાની સંભાવના છે.
બીસીસીઆઈ સચિવ જય શાહે વર્લ્ડ કપ મેચોની યજમાની કરનારા રાજ્ય ક્રિકેટ એસોસિએશને આજે નવી દિલ્લીમાં મળનારી બેઠકમાં ભાગ લેવા માટે એક પત્ર લખ્યો છે. જેમાં બોર્ડના સભ્યોને અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચ માટે સુરક્ષાની ચિંતાઓ વિશે જાણ કરવામાં આવી શકે છે અને અન્ય કોઈ તારીખે મેચ રિશિડ્યુલ કરવામાં આવી શકે છે.
પૂર્વ મહિલા ક્રિકેટર અને હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ-અમદાવાદના હેડ કોચ જિજ્ઞા ગજ્જરે આ અંગે જણાવ્યુ કે આજની બેઠકમાં આ અંગે નિર્ણય આવી શકે છે. તારીખ બદલાવાથી શું અસર થઈ શકે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ કે ક્રિકેટનો ક્રેઝ વૈશ્વિક લેવલે છે અને દુનિયાભરમાંથી ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા આવતા હોય છે. આટલા મોટા પાયે જ્યારે આયોજન થતુ હોય ત્યારે નાના-મોટા ઈશ્યુ થવાની સંભાવના રહે છે અને વાત જ્યારે સુરક્ષા કારણોની હોય ત્યારે વધુ સાવધાની રાખવામાં આવે છે. મેચની તારીખમાં એકાદ દિવસ ફેરફાર થવાથી એટલો મોટો ફરક નહિ પડે.
ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નથી જવાનુ. તો શું પાકિસ્તાન વર્લ્ડ કપ રમવા માટે છેલ્લી ઘડીએ આનાકાની કરી શકે તેમ પૂછતા જિજ્ઞા ગજ્જરે જણાવ્યુ કે તેવી સંભાવના નહિવત છે કારણકે તેનાથી પાકિસ્તાન અને પાકિસ્તાન ક્રિકેટ એસોસિએશનને જ વધુ નુકશાન છે. માટે તે એવુ ક્યારેય નહિ કરે.
તમને જણાવી દઈએ કે જિજ્ઞા ગજ્જર હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ-અમદાવાદના હેડ કોચ છે. તેઓ કૉલેજની ક્રિકેટ મેચોથી શરુ કરીને ટી-20ની ફર્સ્ટ ક્લાસ કક્ષાની મેચો પણ રમ્યા. રણજી ટ્રૉફીને સમકક્ષ ગણાતી ઝાંસી સ્પર્ધાની સિલેક્શન પ્રોસેસ સુધી પણ પહોંચી ગયા. જેનુ પરિણામ ક્યારેય આવ્યુ જ નહિ. જો કે, લગ્ન બાદ તેઓ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ એસોસિએશન સાથે કોચ તરીકે જોડાયા. છેલ્લા સાત વર્ષથી તે જેસીએચ નામની સંસ્થા શરુ કરીને તેમાં ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકોને વિનામૂલ્યે ક્રિકેટની તાલીમ આપે છે અને ક્રિકેટના સંશાધનો પૂરા પાડે છે. તેમની આ સેવાને બિરદાવવા તેમને ગુજરાત રત્ન અને ખેલરત્ન જેવા સમ્માનથી પણ નવાજવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
