IPL 2020: આ પાંચ ફાસ્ટ બોલર્સ પર રહેશે નજર
IPLની આગામી સિઝન 29 માર્ચથી 24 જુલાઈ સુધી રમાવાની છે. આ વર્ષે આ IPL 57 દિવસ સુધી ચાલશે. IPL 2020ની તમામ મેચ સાંજે 7.30 વાગે શરૂ થશે. આ સાથે જ આ વર્ષે આઈપીએલમાં રોજે માત્ર 1 જ મેચ રમાશે. IPLની શરૂઆત 2008માં થઈ હતી. આ વર્ષે આ લીગની 13મી સિઝન એટલે કે IPL 13 રમાશે. ચાલો જાણીએ IPL 13માં કયા ફાસ્ટ બોલર્સ પર નજર રહેશે.

ટીમ ઈન્ડિયાના ઘાતક બોલર જસપ્રીત બુમરાહ
IPL 2019ની 16 મેચમાં 19 વિકેટ ઝડપ્યા બાદ બુમરાહ ફરી એકવાર પોતાની બોલિંગથી લોકોને ફેન બનાવવા તૈયાર છે. બુમરાહ પોતાના ખતરનાક યોર્કર અને ફાસ્ટ બાઉન્સર માટે જાણીતા છે, પરંતુ હજી સુધી એક પણ સિઝનમાં બુમરાહને પર્પલ કેપ નથી મળી.
IPL 2020માં બુમરાહ સૌથી વધુ વિકેટ લેવા ઈચ્છશે. ત્યારે તમામની નજર આ વખતે આ ફાસ્ટબોલર પર રહેશે.

શ્રીલંકન ફાસ્ટ બોલર મલિંગા
IPL 2020 લસિથ મલિંગા માટે છેલ્લી સિઝન હોઈ શકે છે. મલિંગા પહેલા જ કહી ચૂક્યા છે કે 2020ના ટી 20 વર્લ્ડ કપ બાદ તે નિવૃત્તિ જાહેર કરશે.
મલિંગાના નામે IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. IPLની 122 મેચમાં મલિંગા 170 વિકેટ ઝડપી ચૂક્યા છે. 2019માં મલિંગાએ 12 મેચમાં 16 વિકેટ ઝડપી હતી. ત્યારે આ સિઝનમાં ફરી લોકોની નજર તેમના પર જ રહેશે.

2019માં વન ડેમાં સૌથી વધુ વિકેટ લેનાર મોહમ્મદ શમી
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ગત વર્ષે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જો કે ટી 20માં મોહમ્મદ શમી માત્ર એક જ મેચ રમી શક્યા હતા, જેમાં તેમને 2 વિકેટ મળી હતી.
2019માં વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર શમીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ગત વર્ષે 77 વિકેટ ઝડપી હતી. હાલનું તેમનું ફોર્મ જોતા 2020ની IPLમાં તેમના પ્રદર્શન પર નજર રહેશે.

વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કૉટરેલ
કોટરેલ વિકેટ લીધા બાદ પોતાના ખાસ સેલિબ્રેશન માટે જાણીતા છે. કોટરેલને કિંગ્સ ઈલેવન પંજાબે IPLમાં 8.5 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. કોટરેલ પહેલી વખત IPL રમવાના છે. હરાજી પહેલા ભારત સામે ટી20માં કોટરેલનું પ્રદર્શન સારુ રહ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝ માટે 22 ટી20 રમી ચૂકેલા 30 વિકેટ લેનાર કૉટલેર IPL 2020માં ધમાલ પર્ફોમન્સ કરવા તૈયાર છે.

IPL 2020ની હરાજીમાં સૌથી મોંઘા વેચાયેલ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ
2019માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સને KKRએ 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. કમિન્સ IPLના ઈતિહાસમાં સૌથી વધુ પૈસામાં વેચાનાર વિદેશી ખેલાડી બન્યા છે. 2019માં કમિન્સે ત્રણેય ફોર્મેટમાં થઈને 99 વિકેટ ઝડપી હતી.
ત્યારે IPLમાં તમામની નજર કમિન્સ પર રહેશે. કમિન્સ 77 ટી20માં 92 વિકેટ ઝડપી ચૂક્યા છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો