વર્લ્ડકપને લઈ ICCના અધિકારીઓ પાકિસ્તાન સમક્ષ રાખશે આ માંગ
ICCના ચેરમેન અને CEO હાલમાં લાહોરમાં છે. ICCના આ અધિકારીઓ આ વર્ષના અંતે ભારતમાં યોજાનાર વન ડે વર્લ્ડ કપમાં ભાગ લેવા અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી લેખિત ખાતરી ઈચ્છે છે. જેથી કરીને વર્લ્ડ કપને હાઈબ્રિડ મોડલ હેઠળ રમાડવો ન પડે. ICCના ચેરમેન અને CEO આ મામલે PCB સાથે વાત કરવા લાહોર પહોંચ્યા છે.

ICCના અધિકારીઓ PCBના CEO અને અન્ય પદાધિકારીઓને મળશે. PCBના અધ્યક્ષ નજમ સેઠીએ એશિયા કપ માટે પાકિસ્તાન ન જવાના ભારતના નિર્ણય પછી નિવેદન આપ્યું હતું કે તે પણ વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત નહીં મોકલે. આવી સ્થિતિમાં હવે આ સમગ્ર મામલાને ઉકેલવા માટે ICCના અધિકારીઓ પાકિસ્તાન પહોંચી ગયા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ નજમ સેઠીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ત્યારે જ ભારત જશે જ્યારે ભારતીય ટીમ આગામી એશિયા કપ અને વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પાકિસ્તાન આવશે.
સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપનું સ્થળ હજુ નક્કી થયું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયા કપને હાઇબ્રિડ મોડલ પર આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે મુજબ ભારતની મેચો તટસ્થ જગ્યાએ યોજાવાની હતી અને બાકીની ટીમોની મેચો પાકિસ્તાનમાં યોજાવાની હતી. પરંતુ BCCIએ પાકિસ્તાનના આ મોડલને સંપૂર્ણપણે ફગાવી દીધું હતું. ICCના અધિકારીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મડાગાંઠને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
