હેડિંગ્લે ટેસ્ટમાં અડધી ઓવર પણ ન રમી શક્યુ ભારત, 78 રનમાં ઓલ આઉટ!
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચ ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ હેડિંગ્લે મેદાન પર રમાઈ રહી છે, જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લોર્ડ્સમાં વિજય બાદ ટીમ આત્મ વિશ્વાસ સાથે પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. જો કે, આ નિર્ણય ભારતીય ટીમ માટે કંઈ ખાસ સાબિત થયો ન હતો અને ટીમ ઈંગ્લિશ બોલરો સામે લાચાર દેખાઈ હતી. ટીમ ટેસ્ટ ક્રિકેટમાં તેના 9 માં સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
હેડિંગ્લેમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે માત્ર 40.4 ઓવર બેટિંગ કરી હતી અને માત્ર 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમે બનાવેલો આ 9 મો સૌથી ઓછો સ્કોર છે. આ સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે શું વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ નિર્ણય લેવામાં ભૂલ કરી છે કે પછી ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન એટલું ખરાબ રહ્યું છે કે તેઓ ટીમ માટે સારો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા છે.
ટોસ જીત્યા બાદ વિરાટ કોહલીએ એક ક્ષણ પણ વિલંબ કર્યો ન હતો અને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોહલીનું માનવું હતું કે પીચ પર વધારે ઘાસ નથી, જેના કારણે બેટ્સમેનોને ફાયદો થશે. જો કે, જેમ્સ એન્ડરસને વિરાટ કોહલીના નિર્ણયને ખોટો સાબિત કર્યો અને KL રાહુલને ઇનિંગની પ્રથમ ઓવરના પાંચમા બોલ પર ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત મોકલ્યો. ચેતેશ્વર પૂજારા ફરી એક વખત ફ્લોપ સાબિત થયો અને જેમ્સ એન્ડરસને તેને રાહુલની જેમ બટલર દ્વારા કેચ કરાવી ભારતને 4 રનના સ્કોર પર બીજો ફટકો આપ્યો.
કોહલીએ રોહિત સાથે ભાગીદારી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ 7 રન બનાવ્યા બાદ તે પણ એન્ડરસનનો શિકાર બન્યો. ભારતીય ટીમે માત્ર 21 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી ટીમ જોખમમાં આવી ગઈ હતી. જો કે અજિંક્ય રહાણે (18) અને રોહિત શર્મા (19) એ ચોથી વિકેટ માટે 35 રનની ભાગીદારી કરીને ટીમની વાપસીનો સંકેત આપ્યા હતા, પરંતુ લંચ પહેલા ઓલી રોબિન્સને રહાણેને બટલર દ્વારા કેચ કરાવીને ભારતને ચોથો ફટકો આપ્યો હતો.
ભારતીય ટીમ લંબ બાદ સન્માનજનક સ્કોર સુધી પહોંચવા ઉતરી હતી પરંતુ તેવું ન થઈ શક્યુ. લંચ બાદ બેટિંગ કરવા આવેલા ઋષભ પંત (2) ને રોબિનસને બટલરનાં હાથે કેચ કરાવી ભારતને પાંચમો ફટકો આપ્યો હતો. ભારતીય ટીમે માત્ર 58 રનના સ્કોર પર તેની 5 વિકેટ ગુમાવી દીધી હતી. બીજા છેડે રોહિત શર્મા સારી બેટિંગ કરતો હતો પરતું તેને પણ વિકેટ ગુમાવી. ક્રેગ ઓવરટર્ને મેચમાં પ્રથમ વખત બાઉન્સર ફેક્યો અને તેના પર પુલ શોટ મારવામાં રોહિત શર્મા રોબિન્સનને કેચ આપી બેઠો.
આ પછી, ઈંગ્લેન્ડે આગલા જ બોલ પર મોહમ્મદ શમીને રોરી બર્ન્સના હાથે કેચ કરાવીને ભારતની 7 મી વિકેટ મેળવી. ત્યારબાદ સેમ કુરાને 2 બોલમાં સતત 2 વિકેટ મેળવી ટીમને ઓલઆઉટ નજીક પહોંચાડી દીધી. ભારતીય ટીમે તેની છેલ્લી 6 વિકેટ માત્ર 22 રનમાં ગુમાવી દીધી હતી અને સમગ્ર ટીમ 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે ભારતનો ટેસ્ટ ઈતિહાસનો 9 મો સૌથી ઓછો સ્કોર છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો