Mohammed shami fasting controversy :ક્રિકેટર મેચ દરમિયાન રોઝા રાખી શકે? જાણો શું કહે છે નિયમો?
Mohammed shami fasting controversy : રમઝાન મુસ્લિમો માટે એક પવિત્ર મહિનો છે. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર, આ નવમો મહિનો છે, જેમાં મુસ્લિમો 29 અથવા 30 દિવસ સુધી રોઝા રાખે છે.
ઇસ્લામ ધર્મમાં રોઝા ફરજિયાત માનવામાં આવે છે, અને આ દરમિયાન ભોજન અને પાણીથી દૂર રહેવું જરૂરી છે. તમામ મુસ્લિમો માટે આ ફરજીયાત છે.

હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દરમિયાન ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને જ્યુસ અથવા એનર્જી ડ્રિંક પીતા જોવા મળ્યો હતો. આ ઘટનાને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચા ઉઠી કે શમીએ રોઝા કેમ ન રાખ્યા?
લોકો શમીની તુલના દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હાશિમ અમલા સાથે કરતા જોવા મળ્યા. હાશિમ અમલાએ એક રોઝા દરમિયાન 311 રનની ઇનિંગ રમી હતી. શમીનો ફોટો વાયરલ થયા બાદ ઘણા લોકોએ દાવો કર્યો કે અમલાએ જુલાઈ 2012માં ઈંગ્લેન્ડ સામે રમતી વખતે રોઝા રાખ્યા હતા.
જો કે, આ દાવા ખોટા સાબિત થયા. હાશિમ અમલાએ ધ ગાર્ડિયન સાથેની મુલાકાતમાં સ્પષ્ટ કર્યું કે તે મુસાફરી કરી રહ્યો હોવાથી તેણે રોઝા નથી રાખ્યા.
આ મુદ્દે ભારતના કેટલાક ધર્મગુરૂઓએ પણ પ્રતિક્રિયા આપી. બરેલીના મૌલાનાએ શમીના જ્યુસ પીવાની ઘટનાને નિંદનીય ગણાવી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું કે, ઈસ્લામે રોઝાને ફરજ ગણાવી છે. જો કોઈ વ્યક્તિ જાણીજોઈને રોઝા ન રાખે તો તે પાપી ગણાય.
આ સિવાય ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અને ઈદગાહના મૌલાના ખાલિદ રાશિદ ફરંગી મહલીએ શમીના સમર્થનમાં નિવેદન આપ્યું. તેમણે સ્પષ્ટતા કરી કે, ઈસ્લામમાં એવી શિખવણ છે કે જો કોઈ મુસાફરી પર હોય, તો તેના માટે રોઝા ફરજીયાત નથી. જ્યારે તે ઘેર પરત ફરે ત્યારે તે રોઝા રાખી શકે.
શમીના બાળપણના કોચ બદરુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે, શમીએ કોઈ ભૂલ કરી નથી. તે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અને ખેલાડી તરીકે તેની ફરજ અગ્રસ્થાને છે. આવા મુદ્દાઓને ઊછાળવાથી ખેલાડીનું મનોબળ તૂટે છે.
આ સમગ્ર ચર્ચા રમતગમત અને ધર્મની ભિન્નતા પર પ્રકાશ નાખે છે. અંતે ખેલાડીઓએ તેમના શારીરિક તંદુરસ્તી અને પ્રદર્શનને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો હોય છે. ધર્મ અને વ્યવસાય વચ્ચેના સંતુલનની ચર્ચા હંમેશા ચાલુ રહેશે પણ વ્યાવહારિક પરિસ્થિતિઓને પણ સમજવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
