ભારત - પાકિસ્તાન મેચની તારીખ બદલાય તો? જાણો અમદાવાદીઓએ શું જવાબ આપ્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ એક દિવસ વહેલા યોજાઈ શકે છે. બંને ટીમ વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ દિવસે નવરાત્રિનો તહેવાર પણ શરૂ થઈ રહ્યો છે. એને જોતાં સુરક્ષા એજન્સીએ મેચની તારીખ અથવા સ્થળ બદલવાનું સૂચન કર્યું છે. મળતી માહિતી મુજબ હવે આ મેચ 14 ઓક્ટોબરે યોજાઈ શકે છે.
BCCI સેક્રેટરી જય શાહે આજે એટલે કે ગુરુવારે જ સ્ટેટ એસોસિયેશન ઓફ વર્લ્ડ કપ વેન્યૂની ઈમર્જન્સી બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે મિટિંગમાં મેચની નવી તારીખ અથવા સ્થળ બદલવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

ICCએ શેડ્યૂલ જાહેર કરતાંની સાથે જ ભારત અને વિદેશના હજારો ચાહકોએ અમદાવાદમાં હોટલના રૂમ બુક કર્યા હતા. હોટલમાલિકોએ અપેક્ષા મુજબ ભાડું વધાર્યું. આ જોઈને ચાહકોએ 15મી ઓક્ટોબરની આસપાસ તારીખો માટે હોસ્પિટલ સુધી રૂમ બુક કરાવ્યા. હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે લોકો ફુલ બોડી ચેક-અપના નામે રૂમ બુક કરાવી રહ્યા છે.
આ મામલે હવે અમદાવાદના લોકો સાથે વાત કરતા તેમણે રસપ્રદ જવાબ આપ્યા હતા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસ વિષય પર માસ્ટર ડિગ્રી કરતાં જય પટેલે જણાવ્યું હતું કે નવરાત્રિને જોતા આ તારીખ બદલવામાં આવે તો લોકોને અગવડ નહી પડે.
લોકોએ એમ પણ કહ્યું કે અમદાવાદમાં નહી પણ દેશભરમાં ભારત પાકિસ્તાનની મેચનો ક્રેઝ જોવા મળે છે.
ભારત પાકિસ્તાનની મેચ 14 કે 15 તારીખે હોય લોકો જોવા જશે જ. જોકે આ કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત 15 તારીખે નવરાત્રી હોવાથી પણ સુરક્ષાને લઈ સુરક્ષા એજન્સીએ કરેલી ભલામણ પણ ધ્યાન આપવું જરૂરી છે.
અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં રહેતા હસમુખ પટેલે જણાવ્યું કે અમે ટિકિટ લઈ લીધી છે એટલે 14 કે 15 ગમેતે તારીખે મેચ હસે અમે પરિવાર સાથે જોવા જઈશું.
નમસ્તે સર્કલ પાસે રહેતા હર્ષ ઠાકોરે કહ્યું કે અહીંના લોકલ લોકો કરતાં જે લોકો બહારથી આવે છે એમને સમસ્યાઓ થઈ શકે છે. અમદાવાદમાં મોટાભાગની હોટલો 15 તારીખ માટે બુક થઈ ગઈ છે હવે તારીખ બદલાઈને 14 થાય તો એમને અગવડ પડવી સ્વાભાવિક છે.
મોટેરા વિસ્તારમાં પાનનું પાર્લર ધરાવતા હાર્દિક પટેલે કહ્યું કે તારીખ બદલાવવી જોઈએ. કારણ કે નવરાત્રી અને મેચ એકસાથે પોલીસ હેન્ડલ ના કરી શકે. તેમણે કહ્યું કે જો BCCI તારીખ ના બદલે તો પછી CRPF ની ટુકડીઓ ઉતારી 15 તારીખે મેચ યોજી શકાય છે.
લાલ દરવાજા વિસ્તારમાં રહેતા જમાલે કહ્યું કે અમે મેચની ટીકીટો લઈ લીધી છે. હવે મેચની તારીખ બદલાય તો અમારે ઓફિસમાંથી લીવ માટે ફરીથી વાત કરવી પડી શકે છે.












Click it and Unblock the Notifications
