#Preview: જીત માટે આતુર ગુજ. લાયન્સ અને પૂના સુપરજાયન્ટ્સ
ગુજરાત લાયન્સ અને રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં.
આઇપીએલ 10 માં એક વિજય માટે આતુર ગુજરાત લાયન્સ શુક્રવાર રાતની મેચમાં રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ્સ ને હરાવવાનો પૂરો પ્રયત્ન કરશે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગે આ મેચ રમાશે. આઇપીએલમાં અત્યાર સુધીમાં 2 મેચ રમેલી ગુજરાત લાયન્સ કેકેઆર અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ સામેની મેચમાં હારનો સામનો કરી ચૂકી છે. આથી કપ્તાન સુરેશ રૈના આ મેચ પોતાના નામે કરવાનો પૂરો પ્રયત્ન કરશે.

10 વિકેટ સાથે કારમી હાર
ગુજરાત લાયન્સને પહેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 10 વિકેટ સાથે કારમી હાર આપી હતી. તો બીજી મેચમાં સનરાઇઝર્સે ગુજરાતને 9 વિકેટથી હરાવી હતી.

રવિન્દ્ર જાડેજાની વાપસી
ગુજરાત લાયન્સની ટીમ માટે આજની મેચમાં એક રાહતના સમાચાર છે. ટીમના સ્ટાર પ્લેયર રવિન્દ્ર જાડેજા આજની મેચથી વાપસી કરી રહ્યાં છે. આજની મેચમાં ટીમને તેમની પાસે મોટી આશા છે.

પૂના પણ જીતવા માટે છે આતુર
સ્ટીવ સ્મિથની કપ્તાની હેઠળ પૂનાની ટીમે આ સિઝનમાં જીત સાથે પદાર્પણ કર્યું હતું, પરંતુ ત્યાર બાદ આ ટીમ બે મેચ હારી ચૂકી છે. પૂનાની ટીમ પંજાબ અને કોલકાતા સામે મેચ હારી ચૂકી છે.

સ્મિથ અને મનોજ તિવારીની વાપસી
કપ્તાન સ્મિથ પોતાના નબળા આરોગ્યને કારણે તથા મનોજ તિવારી પોતાના પિતાના નિધનને કારણે આગળ મેચ નહોતા રમી શક્યા. આ બંન્ને ખેલાડીઓ આજની મેચમાં વાપસી કરે એવી આશા છે.

બેન સ્ટોક્સ-ઇમરાન તાહિર
પૂનાએ ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સને સૌથી વધુ કિંમત આપી ખરીદ્યા હતા. પરંતુ તેમણે હજુ સુધી આશા અનુસાર પ્રદર્શન નથી કર્યું. પૂનાને પોતાના સ્ટાર સ્પિનર ઇમરાન તાહિર પાસે પણ ઘણી આશા છે.












Click it and Unblock the Notifications
