રવીન્દ્ર જાડેજાએ સંન્યાસ પર તોડ્યું મૌન, 2027ના વર્લ્ડ કપ અંગે કહી આ વાત
Ravindra Jadeja: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજરાતના રવીન્દ્ર જાડેજાએ વન-ડે ક્રિકેટમાંથી પોતાના સંન્યાસ અંગે મહત્ત્વનો સંકેત આપ્યો છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય વન-ડે ટીમમાંથી બહાર કરાયા બાદ જાડેજાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હજી આ ફોર્મેટને અલવિદા કહેવાના મૂડમાં નથી.

જાડેજાએ તાજેતરમાં એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ આગામી 2027માં યોજાનાર વન-ડે વર્લ્ડ કપ રમવા માટે ઉત્સુક છે.
2027નો વર્લ્ડ કપ રમવાની ઈચ્છા
રવીન્દ્ર જાડેજાએ પોતાના ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતા કહ્યું, "હું રમવા માંગુ છું. વર્લ્ડ કપ જીતવો એ દરેક ક્રિકેટરનું સપનું હોય છે અને 2023માં અમે ટ્રોફી જીતવાની ખૂબ નજીક આવીને ચૂકી ગયા હતા. જોકે, અંતિમ નિર્ણય હંમેશા ટીમ મેનેજમેન્ટનો હોય છે."
તેમની આ પ્રતિક્રિયા પરથી સ્પષ્ટ થાય છે કે, 36 વર્ષીય જાડેજા આગામી ચાર વર્ષ સુધી ભારતીય ક્રિકેટને ODI ફોર્મેટમાં પોતાનું યોગદાન આપવા તૈયાર છે.
ટીમમાંથી બહાર થવા અંગેની વાતચીત
ઓસ્ટ્રેલિયાના આગામી વન-ડે પ્રવાસ માટેની ટીમમાંથી બાકાત રખાવા પર જાડેજાએ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું, "સિલેક્ટર્સે મને ટીમમાં ન લેવા પાછળના કારણો સમજાવ્યા, અને મને એ વાતની ખુશી છે કે કેપ્ટન, સિલેક્ટર્સ અને કોચે મને ન પસંદ કરવા પાછળનું કારણ જણાવ્યું. એવું નહોતું કે ટીમની જાહેરાત સમયે જ મને આ વાતની જાણ થઈ. તેમણે મને અગાઉથી જ જાણ કરી દીધી હતી."
નવો મોકો મળવાની આશા
જાડેજાએ આશા વ્યક્ત કરી કે હજી ઘણા વન-ડે મેચ બાકી છે અને તેમને ફરી ટીમમાં તક મળશે. તેમણે કહ્યું, "હવે જ્યારે મને આગલી વખતે મોકો મળશે, ત્યારે હું એ જ કરીશ જે હું આટલા વર્ષોથી ટીમ માટે કરતો આવ્યો છું. મને આશા છે કે મને જલ્દી જ તક મળશે, જેથી હું બતાવી શકું કે હું શું કરી શકું છું."
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતની ટીમમાં મુખ્ય બદલાવ જોવા મળ્યો છે, જેમાં રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવીને યુવા ઓપનર શુભમન ગિલને કમાન સોંપવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે મેચ 19 નવેમ્બરથી શરૂ થશે.












Click it and Unblock the Notifications
