ટીમ ઈન્ડિયાને નવો જર્સી સ્પોન્સર મળ્યો, જાણો ડ્રીમ ઈલેવનની જગ્યા કોણે લીધી?
ઑનલાઇન ગેમિંગ પરના કાયદાને કારણે BCCI અને ડ્રીમ ઈલેવન વચ્ચેનો કરાર સમાપ્ત થઈ ગયો હતો. ત્યારથી એશિયા કપ સુધી ટીમ ઈન્ડિયાની જર્સી પર કોઈ મુખ્ય સ્પોન્સર નહોતો, પરંતુ હવે એક મોટી ડીલ થઈ છે.
ગુરુગ્રામ સ્થિત ટાયર કંપની એપોલો ટાયર્સ સાથે ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) આ કરાર કર્યો છે. આ કંપની 100થી વધુ દેશોમાં કાર્યરત છે. એપોલોએ આ માટે કેનવા (544 કરોડ) અને જેકે સિમેન્ટ્સ (477 કરોડ) જેવી મોટી કંપનીઓને પાછળ છોડી દીધી.

એપોલોએ આ બંને કરતાં પણ વધુ બોલી લગાવીને 579 કરોડ રૂપિયામાં ત્રણ વર્ષ માટે જર્સી સ્પોન્સરશિપ મેળવી લીધી છે. આ કરારમાં 121 દ્વિપક્ષીય મેચો અને 21 ICC મેચોનો સમાવેશ થાય છે. પ્રતિ મેચના હિસાબે આ ડીલ ઘણી મોંઘી સાબિત થઈ છે. અંદાજે પ્રતિ મેચ 4.77 કરોડ રૂપિયાની કમાણી BCCIને થશે.
અગાઉ BCCIએ દ્વિપક્ષીય મેચો માટે 3.5 કરોડ અને ICC ઇવેન્ટ્સ માટે 1.5 કરોડની બેઝ પ્રાઈસ નક્કી કરી હતી. જો કે, નવા કરારથી બોર્ડને દરેક મેચમાં અપેક્ષા કરતાં વધુ એટલે કે 1 કરોડ રૂપિયાથી વધુની આવક થશે, જે એક મોટી સફળતા છે.
એશિયા કપ પહેલાં જ આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ ડીલ ફાઇનલ ન થઈ શકી હોવાથી એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી પર કોઈ સ્પોન્સરનું નામ નહોતું. હવે આ ટૂર્નામેન્ટ બાદ ભારતીય ખેલાડીઓની જર્સી પર એપોલોનું નામ જોવા મળશે.












Click it and Unblock the Notifications
