IND vs NZ, World Cup 2023: શમી સામે ન્યૂઝીલેન્ડની ટીમ ઘુંટણીયે, ડેરીલ મિશેલે ફટકારી સદી
IND vs NZ, World Cup 2023: ભારત સામેની મેચમાં ન્યૂઝીલેન્ડે ખરાબ શરૂઆત બાદ મજબૂત સ્થિતિ મેળવી હતી, પરંતુ બાદમાં ભારતે પુનરાગમન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 273 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કિવી ટીમે ડેરીલ મિશેલના બેટમાંથી સદી ફટકારી હતી.
ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય સાચો સાબિત થયો. કિવી ઓપનર બેટ્સમેન ડેવોન કોનવેને સિરાજે ખાતું ખોલાવ્યા વગર જ આઉટ કર્યો હતો. આ પછી શમીએ પણ પોતાનો જાદુ બતાવ્યો હતો. તેણે વિલ યંગને 17ના અંગત સ્કોર પર બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો.

19 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ કિવી ટીમના બે બેટ્સમેનોએ જોરશોરથી બેટિંગ કરી હતી. ફોર્મમાં રહેલા રચિન રવિન્દ્ર અને ડેરીલ મિશેલે મોટી પાર્ટરશિપ નોંધાવી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે સદીની પાર્ટનરશિપ જોવા મળી હતી. આ પાર્ટનરશિપે ભારતની સમસ્યાઓમાં વધારો કર્યો હતો.
રવીન્દ્ર અડધી સદી ફટકાર્યા બાદ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તેને 75ના અંગત સ્કોર પર શમીએ આઉટ કર્યો હતો. આ પછી ટોમ લાથમ ક્રિઝ પર આવ્યો હતો, લાથમે 5 રન બનાવ્યા અને કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. ત્યાં સુધીમાં કિવી ટીમનો સ્કોર 200ને પાર કરી ગયો હતો.
બીજા છેડે ઉભેલા ડેરીલ મિશેલે પોતાની બેટિંગ ચાલુ રાખી અને 100 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની સાથે રમતા ગ્લેન ફિલિપ્સ 23 રનના અંગત સ્કોર પર આઉટ થયો અને પેવેલિયન ચાલ્યો ગયો. તેના પછી માર્ક ચેપમેન 6 રન બનાવીને બુમરાહના બોલ પર આઉટ થયો હતો.
ડેરીલ મિશેલે એક છેડે બેટિંગ કરી અને તેની સદી બાદ પણ રમવાનું ચાલુ રાખ્યું હતું. તે છેલ્લી ઓવરમાં 130 રન બનાવીને શમીનો શિકાર બન્યો હતો. શમીની આ પાંચમી વિકેટ હતી. કિવી ટીમ 273 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. શમીએ પ્રથમ વર્લ્ડ કપમાં મેચમાં પ્રવેશતાની સાથે જ પોતાની બોલિંગથી ખળભળાટ મચાવી દીધો છે.












Click it and Unblock the Notifications
