રમતગમત સમાચાર : ભારતની Asia Cup 2023ની ફાઇનલમાં પહોંચ્યું, આ ખેલાડી પર લાગ્યો બેન
રમતગમત સમાચાર, Sports News today : એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ પોતાનું શાનદાર પ્રદર્શન કરી રહી છે. સુપર 4 રાઉન્ડમાં પહેલા પાકિસ્તાન અને હવે શ્રીલંકાને હરાવીને ટીમ ઇન્ડિયાના ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. ભારતીય ટીમે શ્રીલંકાને 41 રનથી હરાવ્યો હતો.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી વનડે સિરિઝમાં દક્ષિણ આફ્રિકાએ જોરદાર વાપસી કરી છે. ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 111 રને હરાવ્યું હતું. અન્ય રમતોની વાત કરીએ તો એક સ્ટાર ટેનિસ ખેલાડી પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ભારતે શ્રીલંકાને હરાવ્યું - એશિયા કપના સુપર 4માં ભારતે શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ભારત ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારત માટે કુલદીપ યાદવે આ મેચમાં 4 વિકેટ ઝડપી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.
ભારત રોક્યો શ્રીલંકાનો વિજય રથ - ભારતે એશિયા કપના સુપર 4માં શ્રીલંકાની ટીમને ફાઇનલમાં પહોંચતા જ રોકી નથી, તેણે શ્રીલંકાને મોટો રેકોર્ડ બનાવતા પણ રોક્યો છે. ભારત સામે રમાયેલી મેચ પહેલા શ્રીલંકાએ સતત 13 મેચ જીતી હતી. હવે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાની આ જીતનો સિલસિલો રોકી દીધો છે. વનડેમાં સતત સૌથી વધુ મેચ જીતવાના મામલે શ્રીલંકા બીજા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા આ યાદીમાં 21 જીત સાથે પ્રથમ સ્થાને છે.
ભારતની જીતનો પાકિસ્તાનને ફાયદો - શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ભારતનો વિજય થયો હતો. પાકિસ્તાનની ટીમને આનો મોટો ફાયદો થયો છે. હવે જો પાકિસ્તાન તેની આગામી મેચમાં શ્રીલંકાને હરાવશે, તો તેની ટીમ પણ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી ગઈ હોત, તો તેણે શ્રીલંકા સામેની મેચ જીતવી જ પડી હોત એટલું જ નહીં, બાંગ્લાદેશે ભારતને મોટા અંતરથી હરાવ્યું હોત તેવી આશા પણ રાખવી પડે તેવી શક્યતા હતી.
જાડેજાએ ભારત માટે કર્યો કમાલ - ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ 2023માં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નેપાળ સામે ત્રણ વિકેટ લેનાર જડ્ડુને પાકિસ્તાન સામે કોઈ સફળતા મળી ન હતી. હવે શ્રીલંકા સામેની સુપર 4 મેચમાં તેણે વનડે એશિયા કપમાં એક વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. જાડેજા હવે આ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો એકમાત્ર બોલર બની ગયો છે. તેના નામે 24 વિકેટ છે. આ અગાઉ તે ઈરફાન પઠાણ સાથે સંયુક્ત રીતે નંબર વન પર હતો.
રોહિત અને વિરાટેની કમાલ - રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. બંને બેટ્સમેન વચ્ચે હવે 5000થી વધુ રનની ભાગીદારી છે. ચાહકો લાંબા સમયથી આ રેકોર્ડની રાહ જોઈ રહ્યા હતા. શ્રીલંકા સામે રમાયેલી મેચમાં બંને બેટ્સમેન લાંબા સમય બાદ ક્રિઝ પર સાથે જોવા મળ્યા હતા. આ બંને બેટ્સમેનો વચ્ચે 2 રનની ભાગીદારી થતાં જ નવો ઈતિહાસ રચાઈ ગયો હતો.
રોહિત શર્માનો નવો રેકોર્ડ - એશિયા કપમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં રોહિત શર્માએ નવો રેકોર્ડ બનાવ્યો છે. કેપ્ટન રોહિતે વનડે ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કરી લીધા છે. શ્રીલંકા સામેની મેચમાં પ્રવેશતા પહેલા રોહિતને 22 રનની જરૂર હતી અને તેણે અદભૂત રીતે સિક્સર ફટકારીને આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. રોહિત 10 હજાર ODI રન પુરા કરનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે. રોહિત વિશ્વમાં સૌથી ઝડપી 10,000 રન પૂરા કરનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને છે. રોહિતે માત્ર 241 ઇનિંગ્સમાં 10 હજાર રન પૂરા કર્યા છે.
કુલદીપનો રેકોર્ડ - ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનરકુલદીપ યાદવ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે પાકિસ્તાન સામે પાંચ વિકેટ અને હવે શ્રીલંકા સામે 4 વિકેટ લઈને એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. કુલદીપ યાદવ વર્ષ 2023માં સૌથી વધુ ODI વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાને છે. કુલદીપ યાદવે માત્ર 15 મેચમાં 31 વિકેટ લીધી છે. આ યાદીમાં નેપાળના સંદીપ લામિછાણે પ્રથમ સ્થાને છે.
દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું - દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વનડે સિરિઝની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ જોરદાર વાપસી કરીને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. તેઓએ આ મેચ 111 રને જીતી હતી. જોકે, ઓસ્ટ્રેલિયાની ટીમ આ સિરિઝમાં હજુ પણ 2-1 થી આગળ છે. બંને ટીમો વચ્ચે સિરિઝની આગામી મેચ 15 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ મેચમાં પણ દક્ષિણ આફ્રિકા પોતાની ગતિ જાળવી રાખવા માંગશે, જેથી તે આ સિરિઝમાં 2-2 ની બરાબરી પર પહોંચી શકે.
પાકિસ્તાને આ ટૂર્નામેન્ટની યજમાની છીનવી લીધી - પાકિસ્તાનને હોકીની દુનિયામાં મોટો આંચકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને મંગળવારે પાકિસ્તાન હોકી ફેડરેશનને મોટો ઝટકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન આવતા વર્ષે પેરિસ ઓલિમ્પિક પહેલા ઓલિમ્પિક ક્વોલિફિકેશનની મેજબાની કરવાનું હતું, પરંતુ હવે તેમની પાસેથી આ યજમાન છીનવાઈ ગયું છે.
પૂર્વ નંબર 1 ટેનિસ ખેલાડી પર ચાર વર્ષનો પ્રતિબંધ - રોમાનિયાની સ્ટાર ટેનિસ ખેલાડી સિમોના હાલેપને ડોપિંગ ઉલ્લંઘનને કારણે ચાર વર્ષ માટે પ્રોફેશનલ ટેનિસ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમ ઇન્ટરનેશનલ ટેનિસ ઇન્ટિગ્રિટી એજન્સી (ITIA) એ મંગળવારે, 12 સપ્ટેમ્બરે જણાવ્યું હતું. ITIAના અહેવાલો અનુસાર, બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન હાલેપ પર યુએસ ઓપન 2022 દરમિયાન બે વખત ડોપિંગ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તે ભૂતકાળમાં નંબર 1 ટેનિસ ખેલાડી પણ રહી ચૂકી છે.












Click it and Unblock the Notifications
