પૂજારાની બેવડી સદીથી ફિયાન્સી ઝૂમી ઉઠી
અમદાવાદ, 16 નવેમ્બર : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે રમતા સૌરાષ્ટ્રના ચેતેશ્વર પૂજારાએ બેવડી સદી ફટકારી હતી. પૂજારાની બેવડી સદીને કારણે સ્ટેડિયમમાં તેને પ્રોત્સાહન આપવા આવેલી તેની ફિયાન્સી પૂજા ઝૂમી ઉઠી હતી.

ટેસ્ટમેચમાં ભારતના પ્રથમ દાવના બીજા દિવસે પૂજારાએ ગઇકાલના 98 રનથી આગળ રમવાનું શરૂ ક્યું હતું. યુવરાજની પાર્ટનરશિપમાં તેણે સદી અને ત્યાર બાદ 150 રન પૂરા કર્યા હતા. બપોરે ટી બ્રેક બાદ પણ ચેતેશ્વરે તેનું ફોર્મ જાળવી રાખીને બીજી સદી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે પૂજારાના શાનદાર પરફોર્મન્સ માટે આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેને શુભેચ્છા પાઠવી હતી.
ચેતેશ્વર પૂજારા તેના કરિયરની છઠ્ઠી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આટલા અનુભવમાં તેણે બે સદી ફટકારીને ગુજરાતનું ગૌરવ વધારવાની સાથે ભારતીય ટીમના ટેસ્ટ સ્કોરને પણ ખૂબ ઊંચાઇ આપી છે. પૂજારાની આ સિધ્ધિથી તેના ચાહકો ખાસ કરીને ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
એક્સપર્ટ્સનું માનવું છે કે રાહુલ દ્રવિડના ગયા બાદ ટીમ ઇન્ડિયામાં જે સ્થાન ખાલી પડ્યું હતું તેના માટે આ ઇનિંગથી ચેતેશ્વર પૂજારાએ દાવેદારી વધારે મજબૂત બનાવી છે. છેલ્લા બે વર્ષમાં પ્રથમ સેન્ચ્યુરી પૂજારાએ ફટકારી છે. છેલ્લે ઓક્ટોબર 2010માં સચિન તેંદુલકરે બેવડી સદી ફટકારી હતી.
છેલ્લે પ્રાપ્ત સમાચાર મુજબ ભારતે 156.3 ઓવરમાં સાત વિકેટે 517 રન બનાવી લીધા હતા. ભારતે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો.












Click it and Unblock the Notifications
