RR vs KKR: બોલરો રાજસ્થાન પર ભારે પડ્યા, સેમસનની અડધી સદી સાથે કોલકત્તાને 153 નો ટાર્ગેટ!
નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની 47મી મેચ વાનખેડે મેદાન પર રમાઈ રહી છે, જ્યાં રાજસ્થાન રોયલ્સ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામ-સામે છે. છેલ્લી 5 મેચોમાં સતત હારનો સામનો કરી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને કેપ્ટન શ્રેયસ ઐયરને તેના બોલરોએ નિરાશ ન કર્યો. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોને મોટો સ્કોર કરતા અટકાવી 20 ઓવરમાં 5 વિકેટ સાથે રાજસ્થાનને 152 પર રોકી દીધી હતી.
રાજસ્થાન રોયલ્સની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને પાવરપ્લે દરમિયાન તેણે 1 વિકેટ ગુમાવી હતી, જેના કારણે તે સિઝનનો તેનો બીજો સૌથી ઓછો સ્કોર બન્યો હતો. રાજસ્થાન રોયલ્સની ટીમ પ્રથમ 6 ઓવરમાં માત્ર 38 રન જ બનાવી શકી હતી. પાવરપ્લે પછી ઓરેન્જ કેપ ધારક જોસ બટલરે ઝડપી રન બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સાઉથીના બોલ પર શિવમ માવીને કેચ આપીને તે પાછો ફર્યો હતો.
કોલકાતા સામે, જોસ બટલરે 88ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને 25 બોલમાં 3 ચોગ્ગાની મદદથી માત્ર 22 રન ઉમેર્યા. બટલરના આઉટ થયા પછી કેપ્ટન સંજુ સેમસને (54) કરુણ નાયર (13) સાથે મળીને ઇનિંગ્સને વધારવા માટે કામ કર્યું અને IPL 2022 ની બીજી અડધી સદી ફટકારી. જો કે આ દરમિયાન સેમસનની ઇનિંગ્સ ટીમને જોઇએ તેટલી ઝડપી આવી ન હતી.
સેમસને 49 બોલનો સામનો કર્યો અને 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા. જ્યારે અનુકુલ રોયે કરુણ નાયરની વિકેટ લીધી, સાઉથીએ રિયાન પરાગ (19)ને પરત મોકલ્યો, તેણે 12 બોલમાં એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા. 18મી ઓવરમાં સેમસને ગિયર બદલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શિવમ માવીએ તેને પહેલા જ બોલ પર રિંકુ સિંહના હાથે કેચ આઉટ કરીને પેવેલિયન પરત મોકલી દીધો હતો.
KKRના બોલરોએ જે રીતે પ્રદર્શન કર્યું તે જોતા રાજસ્થાન રોયલ્સ માટે 150 રન સુધી પહોંચવું મુશ્કેલ હતું પરંતુ શિમરોન હેટમાયરે સાઉથીની બોલ પર સતત બે છગ્ગા ફટકારીને સ્કોરને 152 સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હેટમાયરે માત્ર 13 બોલનો સામનો કર્યો અને બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા.