ગુજરાતની મહિલાઓના સવાલના જવાબ આજે આપશે સુષ્મા સ્વરાજ
સુષ્મા સ્વરાજ આજે ગુજરાતના અમદાવાદની મુલાકાતે છે. જેમાં તે ટાઉન હોલ ખાતે મહિલા સંવાદ કાર્યક્રમ યોજી ગુજરાતની મહિલાઓના સવાલોના જવાબ આપશે. આ અંગે જાણો વધુ અહીં.
ભાજપના સ્ટાર પ્રચારકો એક પછી એક ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે આજે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અમદાવાદની મુલાકાતે છે. આજે તે બપોરે 2 વાગે ટાઉન હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે. ભાજપ દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના ટાઉન હોલ ખાતે આ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુષ્મા સ્વરાજ વીડિયો કોન્ફરન્સિંગથી ગુજરાતની 150 થી વધુ જગ્યાઓ પર એક લાખથી વધુ મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે. અને મહિલાઓના સવાલોના જવાબ આપશે. સાથે જ સરકારની મહિલા લક્ષી યોજના અંગે ચર્ચા કરશે. જેમાં મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષાને લઇને મોદી સરકારની નીતિઓથી લોકોને જાગૃત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હવે ટૂંક સમયમાં ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ જશે. ત્યારે આ પહેલા ભાજપ જનસંવાદ દ્વારા તેમની સરકારના કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. અને સાથે જ સંવાદ જેવા કાર્યક્રમ યોજી યુવાન જૂથોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત જ પહેલા અમિત શાહ પણ યૂથ સાથે સીધો સંવાદ કરી ચૂક્યા હતા. અને આજે સુષ્મા સ્વરાજ મહિલાઓ સાથે જનસંવાદ કરશે.












Click it and Unblock the Notifications
