Gir Jungle Safari : ગુજરાતના પ્રવાસીઓ માટે ખુશખબર, ગીર જંગલ સફારીનો આજથી પ્રારંભ
Gir Jungle Safari : એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગણાતા સાસણ-ગીરની બહુચર્ચિત જંગલ સફારીનો આજથી (7 ઓક્ટોબર) ફરીથી પ્રારંભ થઈ ગયો છે.
ચોમાસાના ચાર મહિનાના વિરામ બાદ જંગલ સફારીનું પુનઃશરૂ થવું પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે ઉત્સાહનો માહોલ લઈને આવ્યું છે.
ખાસ નોંધવા જેવી બાબત એ છે કે પરંપરાગત રીતે સફારીનો પ્રારંભ 16 ઓક્ટોબરે થતો હોય છે, પરંતુ આ વર્ષે વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને નવ દિવસ વહેલી એટલે કે 7 ઓક્ટોબરે જ સફારીનો પ્રારંભ કરી દેવાયો છે.

સફારીના પ્રથમ દિવસના પ્રારંભે વન વિભાગના અધિકારીઓએ લીલી ઝંડી બતાવીને સફારીની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે પ્રથમ ટ્રીપમાં જંગલના પ્રવાસે જઈ રહેલા પ્રવાસીઓના મોં મીઠા કરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગીરના સિંહો અને વન્યજીવ સૃષ્ટિને નજીકથી જોવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન બુકિંગ પ્લેટફોર્મ પર પણ સફારી માટે અગાઉથી જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે, જે દર્શાવે છે કે આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.
જૂનાગઢ અને સાસણ વિસ્તારના પ્રવાસન ઉદ્યોગ માટે પણ આ સમાચાર આવકારદાયક છે, જેના કારણે સ્થાનિક રોજગારી અને ધંધા-રોજગારને વેગ મળશે.












Click it and Unblock the Notifications
